Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

૧પ મોબાઇલની ચીલ ઝડપ કરનારા રાજુ અને રોહીતને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રોહીત ઉર્ફે કાળીયો લૂંટ, લોકઅપમાંથી ભાગી જવાનો અને ચીલઝડપના ગુન્હામાં અગાઉ પકડાયો'તો જે કોઇના મોબાઇલની તફડંચી થઇ હોઇ, તો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવો.

તસ્વીરમાં ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તથા નીચે બે ચીલઝડપકારો બાજુમાં ચોરાઉ મોબાઇલ નજરે પડે છે.

રાજકોટ તા. પઃ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મોબાઇલની ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મવડીરોડ આનંદ બંગલા ચોક પાસેથી ઝડપી લઇ પંદર ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્ટ કમિશ્નર ડી. એસ. ભટ્ટ તથા ડીસીપી કરણરાજ વાઘેલા તથા બલરામ મીણા તથા ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા એ શહેરમાં ચોરીના ગુનાઓ અટકાવવા તથા અનડીટેકટ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા બાબતેની સૂચના આપતા પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહીલ, હેડ કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, અમીનભાઇ ભલુર, જયદીપસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિક્રમભાઇ લોખીલ, અમીનભાઇ ભલુર અને જયદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઢેબર રોડ આહીર ચોક પાસે ન્યુ નહેરૂનગર શેરી નં. ૧૦ માં રહેતો રાજુ લાધાભાઇ ગોગરા (આહીર) (ઉ.વ. ૩૬) અને મવડી પ્લોટ વિનાયક સોસાયટીમાં રહેતો  રોહીત ઉર્ફે ધરમ ઉર્ફે કાળીયો પરેશભાઇ કતીરા (દેવીપૂજક) (ઉ.વ. રર) ને પકડી લીધા હતા અને તલાસી લેતા બંને પાસેથી ૧પ ચોરાઉ મોબાઇલ મળી આવતા પોલીસે બંનેને પકડી લીધા હતા.

પોલીસે બંનેની પૂછપરછ કરતા આ ૧પ મોબાઇલ છેલ્લા બે માસ દરમ્યાન બી ડીવીઝન અને માલવીયાનગર વિસ્તારમાંથી તફડાવ્ઋયા હોવાની કબુલાત આપી હતી. પકાયેલા બંને શખ્સોમાં રોહીત ઉર્ફે ધરમ ઉર્ફે કાળીયો કતીરા બે મહિના પહેલા ઝાકીટની લૂંટ અને પોલીસ સ્ટેશનમાં લોકરમાંથી ભાગી જવાના ગુન્હામાં એ ડીવીઝન પોલીસ મથકમાં પકડાઇ ચૂકયો છે. તેમજ ચીલઝડપના ગુન્હામાં ભકિતનગર અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં પકડાઇ ચૂકયો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે બંને પાસેથી ૧પ ચોરાઉ મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જેમાં બે મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ થઇ હતી. આથી જો કોઇના મોબાઇલની તફડંચી થઇ હોઇ તો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરવા જણાવાયું છે.

(4:07 pm IST)