Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મેયરના વોર્ડમાં વધુ એકવાર પાણીની રેલમછેલઃ હવે વાલ્વમેનોનું કૌભાંડ?

અવાર-નવાર કલાકો સુધી વાલ્વ ખુલા રાખી પાણી વિતરણનાં કારસ્તાનોઃ કેટલાક વિસ્તારમાં લોકો પાસે વાલ્વની ચાવીઃ વાલ્વમેનોની કોન્ટ્રાકટ પધ્ધતિમાં અનેક છીંડાઓઃ એક જગ્યાએથી વસ્તુ ચોરી બીજી જગ્યાએ લગાડી બીલ મંજુર થતાં હોવાનું લોકમુખે ચર્ચાય છેઃ તપાસ જરૂરી

રાજકોટ તા. ૫ : શહેરના અનેક વિસ્તારોમાં અવાર-નવાર પાણીના વાલ્વ ખુલ્લા રહી જતા હોવાથી કિંમતી પાણીનો બગાડ થાય છે ત્યારે વધુ એક વખત મેયર ડો. જૈમન ઉપાધ્યાય જે વોર્ડના કોર્પોરેટર છે તે વોર્ડ નં. ૧૪માં આજે કલાકો સુધી પાણીનો વાલ્વ ખુલ્લો રહી જતા ભરઉનાળે પાણીની નદી રસ્તા પર વહી હતી.

આ અંગે કોંગ્રેસના પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવેલી સત્તાવાર ફરિયાદ મુજબ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના વોર્ડ નં. ૧૪માં આવેલ કોઠારીયા કોલોનીમાં વહેલી સવારે ૭.૧૫ વાગ્યે પાણી વિતરણનો સમય છે પરંતુ ૨૦ મીનીટને બદલે સતત ૧ાા કલાક સુધી પાણી ચાલુ રહેતા કિંમતી પાણીની નદીઓ રસ્તા પર વહેવા લાગી હતી અને પાણીની આ ગંભીર કટોકટીમાં પાણીનો બગાડ થતો જોઇ લોકોમાં અરેરાટી ફેલાઇ હતી. જોકે બાદમાં આ બાબતે જવાબદાર અધિકારીને ફરિયાદ કર્યા પછી વાલ્વ બંધ થયો હતો પરંતુ સતત ૧ાા કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો.

નોંધનિય છે કે, મેયરના વોર્ડમાં તથા અન્ય કેટલાક વોર્ડમાં અવાર-નવાર કલાકો સુધી વાલ્વ ખુલ્લો રહી જવાથી પાણીનો બગાડ થવાની ફરિયાદો ઉઠે છે.

આ પ્રકારે વાલ્વ ખુલ્લો રાખવાની બેદરકારી અવાર-નવાર થાય છે તે બાબત પણ શંકાસ્પદ છે? એટલું જ નહિ કેટલાક વિસ્તારમાં તો વાલ્વની ચાવી પણ સ્થાનિક લોકો પાસે હોવાનું અને મને પડે તેટલો સમય પાણી મેળવતા હોવાનું લોકમુખે ચર્ચાય છે.

આમ વાલ્વમેનો માટે ખાનગી કોન્ટ્રાકટ પધ્ધતિના કારણે આવા અનેક છીંડાઓ હોવાની ચર્ચા જાગી છે. જેમ કે વાલ્વમેનોની સંખ્યા ઓછી રાખીને કોન્ટ્રાકટ નફો વધુ મેળવવા પ્રયાસ કરે છે. એટલું જ નહીં વાલ્વની કુંડીના ઢાંકણાઓ ચોરીને તેજ ઢાંકણા અન્ય કુંડીમાં ફીટ કરી બિલ મંજુર કરાવવા સુધીના કારસ્તાનો ખુલ્લેઆમ ચાલતા હોવાની નનામી ફરિયાદો મ્યુ. કમિશ્નર સુધી પહોંચી છે.

આમ, શહેર જળકટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે તંત્રવાહકોની ખુદની બેદરકારીથી પાણીનો બેફામ બગાડ અને વાલ્વમેનના કોન્ટ્રાકટમાં ચાલતા કૌભાંડની ફરિયાદ અંગે તપાસ થાય તો જબરૂ કારસ્તાન બહાર આવે તેમ છે.

(3:22 pm IST)