Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

દૂધના ફેરિયાઓ પર આરોગ્યના દરોડાઃ ૧૫ નમૂના લેવાયા

ગોંડલ રોડ, ઢેબર રોડ, સત્ય સાંઇ રોડ, કોટેચા ચોક, નાનામવા રોડ પર છકડો રિક્ષા - ટેમ્પો - ટુવ્હીલર વાહનોમાં દૂધ વેચતા ફેરિયાઓ પાસેથી ગાય - ભેંસના દૂધના નમૂના લેવાયા

રાજકોટ તા. ૫ : મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટુકડીએ સવારે વિવિધ વિસ્તારમાં છુટક દૂધ વેચતા દૂધના ફેરિયાઓને અટકાવીને તેઓ દ્વારા વેચાતા દૂધના નમૂના લેવાની ઝુંબેશ હાથ ધરી કુલ ૧૫ જેટલા ફેરિયાઓ પાસેથી નમૂનાઓ લીધા હતા.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા લુઝ દૂધ વિક્રેતા (ફેરીયાઓને) ત્યાંથી દૂધના નમૂના લેવાનો આદેશ આવેલ હતો. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જુદા-જુદા વિસ્તારમાં પાંચ ટીમ બનાવી ફેરીયાઓ પાસેથી દૂધના નમૂના લીધેલ હતા. આ ફેરીયાઓ બાઇક, સ્કૂટર, છકડો રીક્ષા, મેટાડોર વગેરે જેવા વાહનમાં આજુબાજુના વિસ્તારમાંથી આવી રાજકોટ શહેરમાં લગવાના દૂધ (છૂટક દૂધ) તરીકે વેચાણ કરતા હતા.

જે દૂધના ફેરીયાઓના નમૂના લેવાયા હતા. જેમાં ગાયનું દૂધ (લુઝ) સ્વામી નારાયણ ગુરૂકુળ પાસેની શેરી, ગોંડલ રોડ બ્રીજ પાસે અવધભાઇ વિનોદભાઇ ટોલીયા, મીકસ દૂધ (લુઝ) ગોંડલ રોડ બ્રીજ નીચે ગોપાલભાઇ ઓધવજીભાઇ મકવાણા, ભેંસનું દૂધ (લૂઝ) ઢેબર રોડ કલ્પેશભાઇ ભરતભાઇ નસીત, ભેંસનું દૂધ (લૂઝ) ઢેબર રોડ મહેશભાઇ વશરામભાઇ લુણારીયા, મીકસ દૂધ (લૂઝ) ગોંડલ રોડ મહેશભાઇ ઓઘડાભાઇ ગમારા, ગાયનું દૂધ આહીયા એપાર્ટમેન્ટ ઘનશ્યામભાઇ કાનજીભાઇ કાછડીયા, ભેંસનું દૂધ (લૂઝ) કોટેચા ચોક રમેશભાઇ અરજણભાઇ દોમડીયા, મીકસ દૂધ (લૂઝ) કેકેવી ચોક રમેશભાઇ રણછોડભાઇ કપૂરીયા, ગાયનું દૂધ (લૂઝ) સત્યસાઇ રોડ પરમાર ધર્મેશભાઇ જગાભાઇ, મીકસ દૂધ (લૂઝ) સત્યસાઇ રોડ જયેશભાઇ અરજણભાઇ મેનપરા, મીકસ દૂધ (લૂઝ) નાનામવા રોડ મનસુખભાઇ મગનભાઇ અમિપરા, ભેંસનું દૂધ (લૂઝ) નાનામવા સર્કલ પાસે ધર્મેશભાઇ વિનોદભાઇ મકવાણા, મીકસ દૂધ (લૂઝ) બજરંગ ચોક પાસે નિલેશભાઇ ગંગદાસભાઇ નોંઘણવદરા, મીકસ દૂધ (લૂઝ) કેદારનાથ સોસાયટી મેઇન રોડ જીતેશ છગનભાઇ સાવલીયા, મીકસ દૂધ (લૂઝ) કોઠારીયા રોડ કમલેશ વેલજીભાઇ સોરઠીયાનો સમાવેશ થાય છે.

ઉપરોકત વિગતોએ રાજય સરકારના આદેશ અન્વયે ઉપરોકત નમૂના પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે. જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એકટ મુજબ ગાય, ભેંસ, મીકસ દૂધ કે અન્ય દૂધના સ્ટાન્ડર્ડ મુજબ જાળવવા ફરજીયાત છે. જેમાં મુખ્યત્વે SNF , ફેટ તથા બેકટેરિયોલોજીકલ પરિક્ષણ કરવામાં આવે છે. જે ફેઇલ થયે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

આ તકે ડો. રાઠોડે જણાવ્યું છે કે, ગ્રાહકોએ ગાયનું, ભેંસનું, કે મીકસ દૂધ છે તે ચકાસીને લેવું. ગ્રાહકોએ પેકેટ દૂધનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેમાં પેકીંગમાં નિયમાનુસાર વિગતો ચકાસવી. લૂઝ દૂધ વિક્રેતાએ પરીવહન માટે ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે. લૂઝ દૂધ વિક્રેતાએ દૂધ ગાયનું, ભેંસનું, કે મીકસ દૂધ છે તે વેચાણ સમયે દર્શાવવું ફરજીયાત છે.    

ઉપરોકત કામગીરી આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, ડેઝીગ્નેટેડ ઓફીસર અમિત પંચાલના માર્ગદર્શન હેઠ્ળ ફૂડ સેફટી ઓફીસરો વાઘેલાભાઇ, સરવૈયાભાઇ, પરમારભાઇ, મોલિયાભાઇ, કેતનભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:22 pm IST)