Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

મોરબી રોડના આર. કે. ડ્રીમલેન્ડમાં પાર્કિંગ પ્રશ્ને સાગર કાછેલા પર ધોકા-પાઇપથી હુમલો

રાજકોટ તા. ૫: મોરબી રોડ પર આર. કે. ડ્રીમલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતાં સાગર  રોહિતભાઇ કાછેલા (ઉ.૨૭) નામના લોહાણા યુવાનને આ એપાર્ટમેન્ટમાં જ નીચેના માળે રહેતાં નરેશ તથા ત્રણ-ચાર અજાણ્યા માણસોએ ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાત્રીના બારેક વાગ્યે આ બનાવ બનતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં. સાગરને હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. સાગર હોજીયરી કટલેરીને ફેરી કરી ગુજરાન ચલાવે છે. તેના માતાના કહેવા મુજબ કાર પાર્કિંગ મામલે ઝઘડો થતાં નરેશ સહિતનાએ હુમલો કર્યો હતો. બી-ડિવીઝનના એએસઆઇ કયાબેન ચોટલીયાએ ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

લાલજીભાઇ જાદવને અર્જૂને ધોકો ફટકાર્યો

દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલવાળી શેરીમાં રહેતાં લાલજીભાઇ દોલીભાઇ જાદવ (ઉ.૪૧)ને રાત્રીના અગિયારેક વાગ્યે તેના ઘર પાસે અર્જૂન નામના શખ્સે ધોકાથી માર મારતાં હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

મંજુલાબેનને પડોશીએ ઢીકા-પાટુનો માર માર્યો

સોરઠીયા વાડી-૧ના છેડે લલુડી વોંકળી પાસે રહેતાં મંજુલાબેન જેરામભાઇ ચાવડા (ઉ.૬૫)ને પડોશી બોથડભાઇ અને ગવાભાઇએ ઢીકા-પાટુનો માર મારતાં હોસ્પિટલમાં ખસેડાતા ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

(1:02 pm IST)