Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

એક મહિના પહેલા સોની બજારમાંથી મુકત કરાવાયેલા ૨૪ બાળ મજૂરોના મામલે ૧૮ બંગાળી કારીગરો સામે ફોજદારી

૧૦ થી ૧૬ વર્ષના બાળકો પાસે દિવસ-રાત સોની કામ કરાવાતુ હતું: અપુરતુ વેતન આપી થતું હતું શોષણઃ અગાઉ પકડાયેલા સિકંદર બંગાળીનો આ બાળ મજૂરોમાં કોઇ રોલ હતો કે કેમ? તેની તપાસ જરૂરીઃ શ્રમ અધિકારી-બાળ મજુર નિયમન અને પ્રતિબંધ શાખાના અધિકારીએ એફઆઇઆર દાખલ કરાવીઃ નવા નિયમ મુજબ હવે બાળ મજૂરો મળે તો ગુનો દાખલ કરાવાશેઃ કે. જી. પંડ્યા

રાજકોટ તા. ૫: થોડા દિવસો પહેલા સામા કાંઠેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમ અને થોરાળા પોલીસે બાળ મજૂરોને મુકત કરાવી બંગાળી શખ્સ સિકંદર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બાળકોને તેના જ વાલીઓએ આર્થિક મુશ્કેલીઓને કારણે કામ કરવા મોકલ્યાનું ખુલ્યું હતું. બીજી તરફ ગયા મહિને શ્રમ અધિકારી તથા બાળ મજુર નિયમન અને પ્રતિબંધ શાખા રાજકોટ દ્વારા શહેરની સોની બજારમાં દરોડા પાડી જુદી-જુદી ૧૮ બંગાળી કારીગરોની દૂકાનમાંથી ૨૪ બંગાળી બાળ મજૂરોને મુકત કરાવ્યા હતાં. નવા કાયદા મુજબ આ તમામ સામે ફોજદારી દાખલ કરાવવાની થતી હોઇ જેથી એ-ડિવીઝન પોલીસ મથકમાં ૧૮ બંગાળી કારીગરો સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

એ-ડિવીઝન પોલીસે સરકારી શ્રમ અધિકારી તથા બાળ મજૂર (નિયમન અને પ્રતિબંધ) કચેરીના અધિકારી કલ્પેશ જી. પંડ્યાની ફરિયાદ પરથી સોની બજારમાં દૂકાનો રાખી સોની કામ કરતાં બંગાળી કારીગરો સંજય રતન દોલઇ, હસન જલાલુદ્દીન શેખ, ગફાર અસફરમોજીદ મલેક, નજરઉલ ઇસ્લામ શેખ, ઇમરાન શેખ, શેખ શરીફુદ્દીન સૈયદઅલી, પ્રકાશ ખુદીરામ માંજી, મુનીરઅલી મુખ્તારઅલી શેખ, અંતુરરહેમાન અનવરઅલી મંડળ, શાહિદ સાબીર મંડળ, જહીરૂદ્દીન ઇઝરાયલ શેખ, બાપ્પી સાનવાલ મુલ્લા, નસીમ અલી શેખ, ઇસ્માઇલ મોસૈદ મલેક, લુકમાન મંડળ, શેખ શબ્બીપુર રહેમાન, ગોલામ મુસ્તુફા અજીમુદ્દીન મંડળ અને ઇરશાદ જાહીર મોડલ (રહે. બધા રાજકોટ) વિરૂધ્ધ ચાઇલ્ડ લેબર પ્રોહિબીશન એન્ડ રેગ્યુલેશન એકટ ૧૯૮૬ની કલમ ૩, ૩ (એ), ૭ (૪), ૧૪ તથા જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ કલમ ૭૫, ૭૯ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે બાળ મજુર નિયમન અને પ્રતિબંધ કચેરી દ્વારા તા. ૧૭/૩/૧૮ના બપોરના બારથી બે વાગ્યા સુધી સોની બજારની જુદી-જુદી ૧૮ દૂકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપરોકત ૧૮ બંગાળી કારીગરોની દૂકાનોમાંથી ૧૦ થી ૧૬ વર્ષના ૨૪ બાળકો પાસે સોની કામની મજૂરી કરાવવામાં આવતું હોવાનું સામે આવતાં આ બાળકોને મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપી જે તે વખતે દૂકાનદાર બંગાળી કારીગરોના નિવેદન નોંધી તેના આઇ ડી પ્રુફ લેવામાં આવ્યા હતાં. અગાઉ બાળ મજૂર મળે તો માત્ર આટલી જ કાર્યવાહી થતી હતી. પરંતુ નવા કાયદા મુજબ હવે ફોજદારી નોંધાવવાની થતી હોઇ જેથી તમામ સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

૧૭/૩ના રોજ સોની બજાર સુવર્ણ મંદિર કોમ્પલેક્ષ દૂકાન નં. ૨૧૫માંથી ૧૫ વર્ષના બાળક, દૂકાન નં. ૨૨૪માંથી ૧૩ વર્ષના બાળક, ૪૦૨માંથી ૧૨ વર્ષના બાળક, કુબરે કોમ્પલેક્ષ દુકાન નં. ૨૦૭માંથી ૧૬ વર્ષના બાળક, દૂકાન નં. ૧૧૮માંથી ૧૫ વર્ષના બાળક, ૩૦૬માંથી ૧૨વર્ષના, ૨૧૨માંથી ૧૫-૧૫ વર્ષના બે બાળકો, ૧૦૨ નંબરની દૂકાનમાંથી ૧૨-૧૨ વર્ષન બે બાળકો, ૨૧૧માંથી ૧૪ વર્ષનો બાળક, ૧૧૬માંથી ૧૦ વર્ષનો બાળક, રવિરત્ન કોમ્પલેક્ષ દૂકાન નં. ૧૦૯માંથી ૧૨ વર્ષના, ૧૦૪માંથી ૧૪ અને ૧૩ વર્ષના બે બાળક, ૪૧૦માંથી ૧૪-૧૪ વર્ષના બે બાળક, ૧૦૩માંથી ૧૫ વર્ષના, ૨૦૨માંથી ૧૪ વર્ષના, ૧૦૫માંથી ૧૩ વર્ષના, અણમોલ ચેમ્બર દૂકાન નં. ૩૦૧માંથી ૧૨ વર્ષના અને યોગી કોમ્પલેક્ષ પાસે બોઘાણી શેરી નજીક રાજુભાઇના ડેલામાંથી ૧૩-૧૩ વર્ષના બે બાળકોને મુકત કરાવવામાં આવ્યા હતાં.

અગાઉ બંગાળી બાળકોને બંગાળથી લાવીને ઇમિટેશનની મજૂરીમાં ધકેલી દેનારા સિકંદર બંગાળીનો આ બાળકોમાં કોઇ રોલ છે કે કેમ? તેની પણ તપાસ થશે. એ-ડિવીઝનના પી.એસ.આઇ. કે. એ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)