Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

નરેશ પટેલ પ્રેસ-મીટમાં ગેરસમજો- રાજીનામાનો પાડશે 'ફોડ'

બરોડા દિકરીબાના ઘેર ગયેલા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ આજે બપોર બાદ રાજકોટ આવી પહોંચશેઃ મીડિયાને મળશે : સમાજલક્ષી સંગઠન અને પ્રવૃતિ વ્યવસ્થિત આગળ ધપશે : બન્ને સંગઠનના હોદ્દેદારો સાથે બપોર બાદ મહત્વની મુલાકાત : નરેશ પટેલ સાથે અકિલાની વાતચીત

રાજાકોટ,તા.૫: ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ ફાઉન્ડેશન ના ચેરમેન પદેથી નિવૃતિની ઇચ્છા બાદ સર્જાયેલ ઘટનાઓ  અને ખળભળાટનો ગઇકાલે સુખદ અંત આવ્યા બાદ આજે હકિકતોની વિગતોથી પ્રેસજગતને અવગત કરાવવા લેઉવા પટેલ સમાજના અગ્રણી નરેશભાઇ પટેલ આજે બપોરે બરોડાથી રાજકોટ આવ્યા બાદ પ્રેસ મુલાકાત યોજશે. ગેરસમજો અને રાજીનામા અંગે મીડીયા  સામે ખુલ્લા મને વાત કરવાની ઇચ્છા નરેશભાઇ પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

 

આ લખાય છે ત્યારે વડોદરામાં દિકરીનો મળવા ગયેલા નરેશભાઇ  પટેલ રાજકોટ આવવા નિકળી ગયા છે અને બપોરે ૧ દોઢ  થી બે વાગ્યે રાજકોટ પહોચી જશે ત્યારબાદ તેઓ ન્યુઝ ચેનલોના પ્રતિનિધીઓ તથા પ્રીન્ટ મીડીયાનાં પ્રતિનિધીઓ સાથે ખુલ્લા મને વાતચીત કરશે.

ખોડલધામના અમુક ટ્રસ્ટીઓ ચોક્કસ લોકોથી દોરવાઇ જતા હોવાની બાબતે તથા સમાજલક્ષી સંગઠન તથા ટ્રસ્ટની વિકાસલક્ષી પ્રવૃતિઓની કામની યોગ્ય વહેચણી બાબતે તેઓ થોડા નારાજ હોય છેલ્લા થોડા સમયથી માનસીક થાક અને નારાજગી અનુભવતા નિવૃતિનો વિચાર કર્યો હતો પરંતુ ગઇકાલે ચોતરફથી ઉઠેલી લાગણીઓ બાદ ગેરસમજો પણ દુર થયાનું અને રાજીનામુ પાછું ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

આજે બપોરે કે બપોર બાદ નરેશભાઇ પટેલ પ્રેસજગત સાથે મુલાકાત કરી ખુલ્લા મને નારાજગી,ગેરસમજ અને બન્ને સંગઠનોની વિકાસલક્ષી પ્રવૃતિઓની ભાવી ફોર્મ્યુલા સહિતની બાબતે વાતચીત કરશે અન ેસમગ્ર બાબત પરથી પડદો હટાવી દેશે.

ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ તથા અગ્રણીઓની મીટીંગ પણ આજે બપોરના મળી રહી છે સંભવત નરેશભાઇ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

બન્ને ટ્રસ્ટના મોભીઓ તથા ટ્રસ્ટીઓ પણ આજે નરેશભાઇ પટેલ પ્રેસમીડીયા સાથે મુલાકાત કરે તે ટાંકણે ઉપસ્થિત રહેશે અને બે દિવસ દરમ્યાન ઘટેલી ઘટનાઓ બાબતે હકીકતોથી સોૈને અવગત કરાશે.નરેશભાઇ પટેલ સુરત અને બરોડા દિકરીબાના ઘરે ગયા હોય તે ટાંકણે જ ગરેસમજો અને નિવૃતિ રાજીનામાનો હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જાયા અને ગઇકાલે તમામ વિવાદોનો અંત આવ્યા બાદ આજે તેઓ નિર્ધારીત કાર્યક્રમ મુજબ જ રાજકોટ આવી રહયા છે અને બપોરના પ્રેસ મુલાકાત ગોઠવી ખૂલ્લા મને ચર્ચા કરશે.

દરમિયાન અકિલા સાથેની વાતચીત દરમ્યાન નરેશભાઇ પટેલે જણાવ્યું હતુંકે પ્રેસ થી કે સમાજથી કોઇ એવી વાત જ નથી કે જે છુપાવવી પડે પરંતુ ગેરસમજો દૂર થાય અને લોકો સાચી વાત જાણી શકે અને કોઇને પણ કોઇ શંકા કે પ્રશ્ન હોય તો તે જાણી શકે તે માટે આજે બપોરના પ્રેસમીડીયા સાથે વાત કરવાની ઇચ્છા છે.(૧.૪)

 

(10:50 am IST)