Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

શાપર (વે)માં ફેકટરીમાં ભિષણ આગઃ ૧I કરોડનું નુકસાન

રાજકોટના અનિલભાઇ વાયાની માલિકીની પ્લાસ્ટીકની કોથળી બનાવવાની નારાયણ પોલીપ્રિન્ટ ફેકટરીમાં સવારે ૪ વાગ્યે આગ લાગીઃ શોર્ટ સરકિટ કારણભુતઃ મશીનરી, તૈયાર-કાચો માલ બળીને ખાકઃ દિવાલો અને છત પણ તૂટી પડ્યા

જ્યાં આગ ભભૂકી એ ફેકટરી તથા કાર્યવાહી કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો અને બળેલો માલસામાન જોઇ શકાય છે (ફોટોઃ કમલેશ વસાણી-શાપર વેરાવળ)

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં આવેલી રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતાં અનિલભાઇ રમણિકભાઇ વાયાની પ્લાસ્ટીકની કોથળીઓ બનાવવાની ફેકટરીમાં વહેલી સવારે આગ ભભુકતાં બધુ જ ખાક થઇ ગયું છે. આગથી ફેકટરીની દિવાલો અને છત પણ તૂટી પડ્યા છે. અંદાજે સવા કરોડનું નુકસાન થયાનું ફાયર બ્રિગેડ સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ શાપરમાં આવેલી નારાયણ પોલી પ્રિન્ટ નામની ફેકટરીમાં સવારે ચાર વાગ્યે આગ ભભૂકી ઉઠતાં રાજકોટ, ગોંડલથી ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા હતાં. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં તમામ મશીનરી, તૈયાર તથા કાચા માલનો જથ્થો, ફર્નિચર સહિત બળીને ખાક થઇ ગયું છે. તેમજ વિશાળ સેડની દિવાલો, છત પણ ધરાશાયી થઇ ગયા છે. ઓફિસના ટેબલ, ખુરશીઓ, એસી સહિત પણ બળી ગયા છે.

આગ લાગવાથી સવા કરોડનું નુકસાન થયાનું જણાવાયું છે. બુધવારે ફેકટરીમાં રજા હોવાથી બંધ હતી. સવારે ચાર વાગ્યે એકાએક આગ ભભૂકી હતી. બાજુમાં રહેતાં કારીગરોને જાણ થતાં તેણે રાજકોટ ફેકટરી માલિકને જાણ કરી હતી. ગોંડલના બે ફાયર ફાઇટર અને રાજકોટના ત્રણ ફાયર ફાઇટર આગ બુઝાવવામાં કામે લાગ્યા હતાં. (૧૪.૭)

(10:50 am IST)