Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

પદાધિકારીઓમાં જુથવાદ નો ઓછાયોઃ નવી નિમણૂકો પહેલા નવા જુની?

બે વર્ષ બાદ એકા-એક એક પદાધિકારીને વિવિધ પ્રોજેકટની મુલાકાત માટે સાથે ન લઇ જવાયાઃ અનેક તર્ક-વિતર્ક

રાજકોટ,તા.૩: મ્યુનિ. કોર્પોરેશનમાં શાસકપક્ષમાં અંદર ખાને જુથવાદનો ગણગણાટ કોર્પોરેશન લોબીમાં શરૂ થયો છે ત્યારે હવે જુન મહિનો નજીક આવતા શાસકપક્ષમાં અનેક નવા જુનીનાં એંધાણ દર્શાય રહ્યા છે.

આ અંગે કોર્પોરેશન લોબીમાં ર્ચાચાતી વિગત મુજબ તંત્ર દ્વારા શહેરીજનો માટે અનેક વિવિધ પ્રોજેકટોની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ વિવિધ પ્રોજેકટની કામગીરી માટે અધિકારીઓ-પદાધિકારીઓ  દ્વારા મુલાકાત લેવામાં આવે છે. બાદ શાસકો  દ્વારા જરૂરી સુચનો કરવામાં આવતા હોય છે .

વધુમાં કોર્પોરેશન લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ તંત્ર દ્વારા કાર્યરત પ્રોજેકટનાં સ્થળની મુલાકાત અત્યાર સુધી શાસક પક્ષનાં તમામ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતી હતી. દરમિયાન મેયરનાં વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી ડો.આંબેડકર સ્મારક અને પુસ્તકાલયની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનું નીરીક્ષણ ગઇકાલે શાસકપક્ષનનાં પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યુ પરંતુ એક મહિલા પદાધિકારીઓને આ સ્થળ મુલાકાત માટે સુચના ન આપવામાં આવતા અનેક તર્ક વિતર્કો કોર્પોરેશનત લોબીમાં થઇ રહ્યા છે.

દરમિયાન એક ચર્ચા એવી પણ જાગી છે કે, શાસકપક્ષમાં દરેક નિર્ણય પાર્ટી લેવલે થાય છે અને તે મુજબ જ વહીવટી કાર્ય થતા હોય છે ત્યારે આ મુલાકાતના કિસ્સામાં માત્ર એક પદધિકારીની જાણ બહાર કાર્યક્રમ કેવી રીતે ગોઠવાયો ? આ ખરેખર કોઇની ભુલ છે કે પછી અવગણના કરવાનો ઇરાદો ? તેવા સવાલો ઉઠયા છે.

અત્રે નોંધનીય છે કે, જુન મહિનામાં  મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા શાસક પક્ષનાં નેતા અરવિંદ રૈયાણી સહિતનાં પદાધિકારીઓની મુદ્દત પુર્ણ થઇ રહી છે. ત્યારે આ પ્રકારની ઘટના બનતા ભાજપમાં ગરમા ગરમ ચર્ચા જાગી છે.

(4:36 pm IST)