Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મહિલા દિવસ ૨૦૨૦ અંતર્ગત રાજકોટ રેલ્વેમાં મહિલા કર્મચારીઓની કુચ

રાજકોટઃ મહિલા દિવસ ર૦ર૦ના ઉપલક્ષ્યમાં તા.૧ માર્ચથી ૧૦ માર્ચ સુધી રાજકોટ ડીવીઝન ખાતે મહિલા કર્મચારીઓના ઉત્કર્ષ અને કલ્યાણ માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન અને વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. આ અંતર્ગત આજે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજરની ઓફીસ પ્રાંગણમાં રેલ્વે હોસ્પીટલથી મહિલા કર્મચારીઓ દ્વારા પગપાળા કુચ કાઢવામાં આવી હતી. જેને ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ દ્વારા લીલીઝંડી આપી આગળ વધારવામાં આવી હતી. આ અવસર ઉપર ફુંકવાલે ઉપસ્થિત દરેક મહિલા કર્મચારીઓને શુભેચ્છા આપવા સાથે સમાજમાં મહિલાઓનું મહત્વ અને સ્ત્રી સશકતિકરણ અંગે ભાર મુકયો હતો. સાથોસાથ તેમણે સમાજમાં સ્ત્રીઓના સમઅધિકાર સ્થાપીત કરવા માટે પણ અપીલ કરી હતી. આ અંતર્ગત ડીવીઝનલ રેલ્વે મેનેજરની કચેરીમાં મહિલાઓના કલ્યાણ માટેની યોજનાઓ અને સ્વાસ્થ્ય સબંધી જાણકારીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડીઆરએમ શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, ડીવીઝનલ પર્સોનલ ઓફીસર કમલેશ ભટ્ટ  ઉપસ્થિત રહયા હતા. ડીઆરએમ ઓફીસમાં કાર્યરત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન મુખ્ય વેલફેર ઇન્સ્પેકટર ધર્મિષ્ઠા થોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(4:33 pm IST)