Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વિરાણી પ્રાયમરી શાળામાં ધો.૬ થી ૮ ના વર્ગો બંધ કરવાના અચાનક નિર્ણયથી વિદ્યાર્થીઓ મુંજવણમાં

વાલી પ્રતિનિધિ મંડળની શિક્ષણાધિકારીને રજુઆત : વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી

રાજકોટ તા. ૫ : વિરાણી હાઇસ્કુલમાં પ્રાયમરી સ્કુલ 'હેરોજ' માં ગુજરાતી માધ્યમમાં ચાલતા ધો.૬ થી ૮ ના વર્ગો અચાનક બંધ કરી દેવાની જાહેરાત કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાય ગયા છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલીઓએ જણાવ્યુ હતુ કે આ શાળામાં ધો.૧ થી ૮ સુધીના વર્ગો નિયમિત ચાલે છે. શિક્ષણ પણ ખુબ સારૂ છે. અમો ખુબ સંતુષ્ટ છીએ. પરંતુ હાલ પરીક્ષાઓ માથે છે. ત્યારે જ શાળા મેનેજમેન્ટ દ્વારા પરીક્ષાના સમયપત્રકના વિતરણ સમયે જ વાલીઓને બોલાવી ધો. ૬ થી ૮ ના વર્ગો બંધ કરવામાં આવી રહ્યાની જાણ કરતા મોટી મુંજવણ સર્જાઇ છે.

કેમ કે અચાનક શાળા બદલવાથી વિદ્યાર્થીઓને નવી શાળામાં પ્રવેશ મેળવવાથી લઇને ત્યાના વાતાવરણ અને અભ્યાસક્રમો સાથે સેટ થવાનો પ્રશ્ન ઉભો થાય છે. આજે ધો. ૫ ના વાલીઓને આવી સુચના મળતા જ મુશ્કેલીમાં મુકાયેલઆ આ વાલીઓએ તુરંત શિક્ષણાધિકારી કચેરીએ જઇ રજુઆત કરી હતી.

સંખ્યા ઓછી હોવાનું કારણ શાળા સંચાલકો બતાવી રહ્યા છે. પરંતુ વાલીઓના મતે આ વાત ગળે ઉતરે તેવી નથી. વળી જો  વર્ગો બંધ જ કરવા હોય તો તેની સામે ના ન હોય પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને તો ધો.૮ સુધીનો અભ્યાસ પુર્ણ થઇ જાય તે રીતે ક્રમશઃ વર્ગો બંધ કરવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

જો વર્ગો બંધ કરવા હોય તો ધો. ૧ માં પ્રવેશ મેળવવા આવે તેમને અગાઉથી ધ્યાન દોરીને એડમીશન આપવુ જોઇએ કે આ શાળામાં ધો.૬ થી ૮ ના વર્ગો બંધ છે. પરંતુ હાલ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને અધવચ્ચે છોડી દેવાની વાત વ્યાજબી નથી.

આ બાબતે સત્વરે ન્યાયી ઉકેલ લાવવામાં આવે તેવી વાલીઓએ શિક્ષણાધિકારી સમક્ષ માંગણી ઉઠાવી છે. 

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલી સમુદાયના સર્વશ્રી પુજાબેન આડેસરા, પારસભાઇ આડેસરા, સંજયભાઇ પરમાર, રમેશભાઇ ખોજીરજી, દિવ્યેશભાઇ રાઠોડ, વિજયભાઇ જરીયા, મુનાફભાઇ શેખ, જયશ્રીબેન પરમાર, નેહાબેન આડેસરા, રંજનબેન વગેરે નજરે પડે છે.

(4:32 pm IST)