Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

પોલીસમેનની ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં સજા પામેલ આરોપીની સજા રદ કરી છોડી મૂકવા હુકમ

આરોપીને નીચેની કોર્ટ દ્વારા ૩ વર્ષની સજા થતા અપીલ કરી હતી

રાજકોટ, તા. પ : પોલીસમેનની ફરજમાં રૂકાવટ કરી ઇજા પહોંચાડવાના ગુનાના કેસ ચાલી જતા નીચેની અદાલતમાં આરોપી પ્રવીણભાઇ સતાભાઇ ગમારાને આઇ.પી.સી. કલમ-૩૩રના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. પ,૦૦૦/-નો દંડ તેમજ દંડની રકમ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા આઇ.પી.સી. કલમ-પ૦૪ના ગુનામાં ર વર્ષની સખત કેદની સજા અને રૂ.૩૦૦૦નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ફરમાવેલ. જે હુકમ સામે સેશન્સ અદાલતમાં અપીલ કરેલ અને સદરહું અપીલ ચાલી જતા રાજકોટના એડી. સેશન્સ જજશ્રી પી.એન. દવેએ સજાનો હુકમ રદ કરી આરોપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

રાજકોટના ટ્રાફીક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઇ મુળજીભાઇ ત્રિવેદીનાઓએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. રર/પ/૦૪ ના રોજ ફરીયાદ કરેલ અને ફરીયાદની હકીકતમાં જણાવેલ કે, ફરીયાદી લોધાવાડ ચોકના ટ્રાફીક પોઇન્ટ ઉપર હતાં તે દરમ્યાન ચોકમાં ટ્રાફીક જામ થયેલ હતો આ વખતે માલવીયા ચોક તરફથી હીરહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ વાળો ટ્રાફીક સીગ્નલ બંધ હોવા છતાં બંધ સાઇડમાં નીકળતા અમારી બાજુમાં આવી જઇ ધક્કો મારીને ભાગવા જતા તેનું મોટર સાયકલ પકડતા ધક્કો મારી પછાડી દીધેલ અને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને બનાવના સ્થળે બીજા પોલીસવાળા આવી જતા આરોપીને પકડી લીધેલ.

ઉપરોકત કેસ નીચેની અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરીયાદી તેમજ બીજા સાહેદો અને દસ્તાવેજો પુરાવાઓ ઉપર આધાર રાખી અદાલતે આરોપી પ્રવીણભાઇ સતાભાઇ ગમારાને સજાનો હુકમ કરેલ.

સદરહુ હુમની સામે આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ કરેલ જે અપીલ ચાલવા ઉપર આવતા આરોપી તરફે એવી રજુઆત કરેલ છે કે, આઇ.પી.સી. કલમ-૩૩રના કોઇ તત્વો ફલીત થતા નથી અને ગાળો આપેલ હોય તેવો કોઇ પુરાવો નથી તેમ છતાં નીચેની અદાલતે અનુમાનના આધારે સજા કરેલ હોય હુકમ રદ કરવા દલીલ કરેલ હતી.

ઉપરોકત દલીલ તેમજ નીચેની અદાલતનું રેકર્ડ તેમજ રજુ થયેલ ચુકાદાઓને ધ્યાન લઇ રાજકોટના એડી. સેશન્સ જજશ્રી પી.એન.દવે એવા મંતવ્ય ઉપર આવેલ છે કે, નીચેની અદાલતનો હુકમ ભૂલ ભરેલ હોય હુકમ રદ કરવામાં આવે છે અને આરોપીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે.

આ કામમાં આરોપી પ્રવીણભાઇ સતાભાઇ ગમારા વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીવીદભાઇ પારેખ, નીતેષભાઇ કથીરીયા, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ પટગીર, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોશી રોકાયેલા હતાં.

(4:11 pm IST)