Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

જાગૃત નાગરિકે કામની પ્રશંસા કર્યા બાદ મહિલા સફાઇ કામદારનું થશે સન્માન

શિરીષભાઇ ભાતેલીયાએ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલને પત્ર પાઠવ્યો હતો

રાજકોટ,તા.૫: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વસતા નાગરિકોની સુખાકારી અને પ્રગતિ માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. વખતોવખત એવું પણ બનતું રહે છે કે જેમાં નાગરિકો તરફથી જે તે અધિકારીશ્રી અને કર્મચારીએ બજાવેલી સારી ફરજ બદલ પ્રસંશા પણ કરવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના બની છે જેમાં એક નાગરિક તરફથી મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે પોતાને મળેલા એક પત્રના અનુસંધાને એક મહિલા સફાઈ કામદારનું સન્માન કરવાનો ઉમદા નિર્ણય લઇ કર્મચારીઓના ઉત્સાહમાં વૃદ્ઘિ કરી છે. સાથોસાથ જાગૃત નાગરિક તરફથી મળેલા પ્રતિભાવની પણ સરાહના કરી હતી જે અન્ય સફાઈ કામદારઓ  તથા નાગરિકોને પ્રેરક બનશે.

વોર્ડ નંબર – ૧ના રૈયા રોડ પરના આલાપ ગ્રીન સિટી પાસેના 'તુલીપ'-સી – ૨૦૧ ખાતે રહેતા જાગૃત નાગરિક શિરીષભાઈ પી. ભાતેલીયાએ તા.૪ના રોજ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં  શિરીષભાઈ પી. ભાતેલીયાએ પોતાના વિસ્તારમાં સફાઈ કામગીરી બજાવતા સફાઈ કામદાર શ્રી ઉષાબેન રવિભાઈ વાઘેલાની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી હતી.  સાથોસાથ તેઓએ એમ પણ લખ્યું હતું કે, જયારે અસંતોષકારક કામગીરી અને કોઈ પ્રશ્ન હોય છે ત્યારે અમો ફરિયાદ કરતા હોઈએ છીએ પરંતુ જયારે સારી કામગીરી જોવા મળે ત્યારે તેની પ્રસંશા કરવી એ પણ અમારી ફરજ છે. આપણે ફરિયાદ કરવામાં હંમેશા આગળ રહીએ છીએ એવી જ રીતે સારા કામને બિરદાવવું પણ જોઈએ.

         મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે નાગરિક તરફથી મળેલા પત્ર પર ખુશી અને આભારની લાગણી વ્યકત કરવાની સાથોસાથ વોર્ડ નં.૧ના સફાઈ કર્મચારી ઉષાબેન રવિભાઈ વાદ્યેલાની નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઇ સહર્ષ તેમનું સન્માન કરવાનો પણ નિર્ણય કર્યો છે. કમિશનરશ્રીએ જાગૃત નાગરિક તરીકેની નૈતિક ફરજ બજાવનાર આ વિસ્તારના રહેવાસી શિરીષભાઈ પી. ભાતેલીયા પ્રત્યે પણ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.

(4:11 pm IST)