Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

આલે...લે...ઓડિટોરિયમના નિર્માણ પછી વર્ષો બાદ તંત્રને ખુરશીના સીટ કવર યાદ આવ્યા

પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ અને અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમની ખુરશી સીટ કવરથી મઢવા કવાયત

રાજકોટ તા. પ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં ન્યુ રાજકોટ અને સામાકાંઠા વિસ્તારમાં એમ કુલ બે અદ્યતન ઓડિટોરીયમનું નિર્માણ કરાયુ છે. જેને ચાર વર્ષ થઇ ગયા બાદ આ ઓડિયોરીયમમાં બેસવા માટેની ખુરશીનાં સીટ કવર નાખવાનું તંત્ર વાહકોને યાદ આવતાં હવે આ અંગે ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ દ્વારા પ્રસિધ્ધ થયેલ ટેન્ડરમાં જણાવેલ વિગતો મુજબ ઉકત બન્ને ઓડીટોરીયમની મળી ૧પ૦૦ ખુરશીઓને પી. વી. સી. આર્ટીફીશીયલ લેધર, પોલાર બેક, મેટાલીક ફીનીશ, બ્લેક કલર ૧ એમ. એમ. જાડાઇ અને ૧૮ ઇંચ પહોળાઇ અને ૧૦ ઇંચ લંબાઇનાં સીટ કવરો માલ-મજૂરી સાથે ફીટ કરી સિલાઇની ૧ વર્ષની ગેરેન્ટી સાથે ફીટ કરી આપવાનાં ભાવો મંગાયા છે.

નોંધનીય છે કે, ઉપરોકત બન્ને ઓડિટોરીયમોનુ નિર્માણ કરોડોનાં ખર્ચે પુરે - પુરી ચિવટ રાખી પદાધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયા છે. આમ છતાં ખુરશીઓનાં સીટ કવર બનાવવા જેવી નાની બાબત ભુલી ગયા. અને હવે ખુરશીઓ મેલી થઇ જતાં તેમજ કેટલીક ખુરશીની ગાદી ફાટવા લાગતાં તંત્ર વાહકોને સીટ કવર મઢવાનું યાદ આવ્યું...!! અને વર્ષો પછી છેક હવે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.

(4:04 pm IST)