Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગુરૂજી નગરના વિપુલ નળીયાપરા પર પત્નિ પૂજાનો પ્રેમી ખાલીદ કુરેશી સાથે મળી હુમલો

છ વર્ષ પહેલા પૂજા સાથે કોર્ટ મેરેજ કર્યાઃ પૂજાને અલ્કાપુરીના ખાલીદ સાથે લફરૂ થતાં છોડીઃ ફરી સમાધાન થયું: ફરી તે ખાલીદ સાથે રહેવા માંડતા ડખ્ખો ગત રાતે પૂજાએ આવી ખાલીદના હોન્ડા માટે ઝઘડો કર્યોઃ ભાગીને રૈયા રોડ પર ગઇઃ ત્યાં વિપુલ તેની પાછળ જતાં ઝઘડો ચાલુ હતો ત્યાં ખાલીદે પાછળથી આવી છરી ભોંકી દીધી

રાજકોટ તા. ૫: સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં પ્રજાપતિ યુવાન પર રાત્રીના એકાદ વાગ્યે ઘર નજીક ગંગોત્રી ડેરી પાસે તેની પત્નિએ માથાકુટ કરતાં અને બાદમાં તેણી ભાગીને રૈયા રોડ કનૈયા ચોક પાસે જતાં અને ત્યાં ફરીથી બંને વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે તેની પત્નિનો પ્રેમી આવી જતાં તેણે આ યુવાનને પાછળથી અચાનક છરી ઝીંકી દેતાં સારવાર માટે દાખલ થયો છે. પત્નિને મુસ્લિમ શખ્સ સાથે સંબંધ હોઇ તે બાબતે ચાલતી માથાકુટમાં આ ડખ્ખો થયો હતો.

જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં રહેતો  અને કડીયા કામની મજૂરી કરતો વિપુલભાઇ ભગવાનજીભાઇ નળીયાપરા (પ્રજાપતિ) (ઉ.વ.૪૦) રાતે સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં પહોંચતા અને હુમલો થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા તથા રવિભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ બરવાડીયા, ઇકબાલભાઇ અને પ્રદિપભાઇએ હોસ્પિટલે પહોંચી વિપુલભાઇની ફરિયાદ પરથી ખાલીદ અબુભાઇ કુરેશી,  તેના ભાઇ મહમદ અબુભાઇ તથા પૂજા શશીકાંત વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો હતો.

વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું કડીયા કામ કરુ છું અને મારા લગ્ન ૧૯૯૯માં જામનગરની યુવતિ સાથે થયા હતાં. છ વર્ષના લગ્નજીવન બાદ છુટાછેડા થયા હતાં. તેના થકી એક દિકરીની પ્રાપ્તિ થઇ હતી. મારી પત્નિનું છુટાછેડાના એક માસ બાદ અવસાન થયું હતું. એ પછી મેં પુજા શશિકાંત ગોહેલ સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતાં અને અમે પતિ-પત્નિ તરીકે રહીએ છીએ. આઠેક મહિના પહેલા મને ખબર પડી હતી કે મારી પત્નિ પૂજાને અલ્કાપુરીમાં રહેતાં ખાલિદ કુરેશી સાથે સંબંધ છે. આ બાબતે મેં તેને પુછતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ કારણે મેં પોલીસમાં અરજી કરી હતી, ખાલીદે પણ અરજી કરી હતી. ખાલીદ સાથે પૂજાનો સંબંધ હોઇ તેથી અમારી વચ્ચે મનમેળન હોઇ બે વર્ષ પહેલા મેં પુજા સાથે છુટાછેડા લીધા હતાં.

ફરી સમાધાન થતાં અમે ફરી સાથે રહેવા માંડ્યા હતાં. ખાલીદ અને પૂજાના સંબંધની મને ખબર પડી જતાં પૂજા મને મુકી વેરાવળ તેના પિતાના ઘરે જતી રહી હતી. એ પછી જામનગર રોડ નાગેશ્વરમાં તે ખાલીદ સાથે રહેતી હોવાની મને ખબર પડતાં હું તપાસ કરવા જતાં ખાલીદ ભાગી ગયો હતો. ત્યારે પૂજા સાથે ઝઘડો થયો હતો. ત્યારથી તેની સાથે વિવાદ ચાલે છે.

બુધવારે ૪/૩ના રાતે સાડા અગિયારેક વાગ્યે પૂજાએ મને ફોન કરી મારે તને મળવું છે તેમ કહેતાં મેં તેને ઘરે આવવાનું કહેતાં તે રાતે સાડાબારેક વાગ્યે એકટીવા લઇને મારા ઘરે આવી હતી. ખાલીદનું હોન્ડા મારી પાસે હોઇ તે બાબતે તે બોલવા માંડી હતી. મને સાથે આવવાનું કહેતાં અમે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી પાસે પહોંચ્યા હતાં. ત્યારે તેણીએ ખાલીદનું હોન્ડા આપી દે નહિતર તારી પથારી ફેરવી નાંખીશ તેમ કહી ઝઘડો કર્યો હતો. મેં મારો પટ્ટો કાઢી પૂજાને મારતાં તે એકટીવા લઇ ભાગીગઇ હતી. મારી સાથે મિત્ર અલી પણ હતો. અમે એકટીવામાં બેસી પૂજાની પાછળ ગયા હતાં. રૈયા રોડ કનૈ્યા ચોકથી ડાબી બાજુની શેરીમાં રજપૂત સમાજની વાડી પાસે પૂજા ઉભી હતી. અમે ત્યાં જતાં ફરી બોલાચાલી થઇ હતી.

એટલી વારમાં ખાલીદ આવી ગયો હતો અને મને ખબર ન હોઇ એ રીતે પાછળથી છરી મારી દેતાં મને ડાબી બાજુ પાછળના ભાગે પડખામાં ઇજા થઇ હતી. ખાલીદ સાથે તેનો ભાઇ મહમદ પણ દૂર ઉભો હતો. આ પછી પૂજા અને ખાલીદ સહિતના ભાગી ગયા હતાં. મને ગંભીર ઇજા થઇ હોઇ મિત્ર અલી મને હોસ્પિટલે લઇ ગયો હતો.

(3:55 pm IST)