Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

દેશભરનું આરોગ્ય તંત્ર કોરોના સામે લડવા સજ્જ છે ત્યારે રાજકોટ મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાં ?

કોરોના વાયરસથી બચવા આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અને જનજાગૃતિ માટે કયારે પગલા લેવાશે ? વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો વેધક સવાલ

રાજકોટ,તા. ૫ :. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ વાઈરસથી બચવા માટે સરકારના દરેક તંત્ર દ્વારા જનજાગૃતિ ના પગલાઓ ભરી લોકોને આ વાઈરસથી બચવા માટેની ગાઈડલાઈન જાહેર કરી કેવી રીતે બચી શકાય તે રીતે વર્તમાન પત્રો, ટેલીવિઝન અને મીડીયાના માધ્યમથી સચેત કરી રહેવામાં આવી રહ્યા છે ત્યારેં રાજકોટ મનપાનું  તંત્ર  આ અંગે ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલા કર્યો છે અને મ્યુ.કમિશ્નરને આ અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

આ અંગે વશરામભાઈ સાગઠીયા અને ગાયત્રીબા વાઘેલા જણાવે છે કે  સમગ્ર શહેરમાં કોરોના વાઈરસથી બચવા માટેના તકેદારીના પગલાઓ અને તે અંગેની જનજાગૃતિ કેળવવા માટેના નક્કર પ્રયાસો થયા હોય તેવું દેખાતું નથી મનપાના તંત્ર દ્વારા શહેરની જાહેર જગ્યાઓ, મોટા દવાખાનાઓ તેમજ ખાનગી હોસ્પિટલો મહાનગરપાલિકાના કાર્યાલય અને મનપાના તમામ ઓફિસો કે જયાં સતત શહેરના લોકોની અવરજવર રહેતી હોય તેવી જાહેર જગ્યાઓ એ આગમચેતીના પગલાઓ ભરવા માટેના પોસ્ટરો, તે અંગેની ગાઈડલાઈન દર્શાવતી વિગતો સહીતના બેનરો, આરોગ્ય વિભાગ દ્વારા મીડિયાના માધ્યમથી આ વાઈરસથી બચવા માટેનો પ્રચાર-પ્રસાર તેમજ આરોગ્ય વિભાગ પાસે પર્યાપ્ત સ્ટાફ મારફત દ્યેર-દ્યેર પેમ્ફલેટની વિતરણ સહિતના પગલાઓ ભરવા જોઈએ જેનો સદંતર અભાવ જોવા મળે છે ત્યારે આ બાબતે વ્યાપક જનહિતના આરોગ્યને ધ્યાને લઇ મનપાના તંત્ર દ્વારા ઉચિત જાગૃતિના પગલાઓ ભરવામાં આવે તે બાબતે મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષનાં નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા કમિશનરને પત્ર પાઠવી તાત્કાલિક પગલા લેવા જણાવેલ છે.

(3:54 pm IST)