Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

તહેવારો નજીક આવતાં પોલીસની ડ્રાઇવઃ રૈયાધારમાં વહેલી સવારે દરોડાઃ દેશી સાથે ૯, છરી-ધોકા સાથે બે પકડાયા

રૈયાધારમાં ૧૫ દરોડાઃ ગીતા દારૂ સાથે અને રોહિત હદપાર ભંગ સબબ પકડાયોઃ અન્ય દરોડાઓમાં દારૂ પી વાહન હંકારતા બે શખ્સો પણ ઝપટમાં આવ્યાઃ હોળી-ધુળેટી પર્વ સુધી દરોડાનો દોર યથાવત રહેશે : રૈયાધારમાં યુનિવર્સિટી પોલીસે ડ્રાઇવ યોજી અલગ-અલગ ૧૫ ઝૂપડા-મકાનો ચેક કર્યા હતા

રાજકોટ તા. ૪: આગામી દિવસોમાં હોળી-ધુળેટીના તહેવાર આવી રહ્યા હોઇ આ તહેવારોની શાંતિપુર્વક ઉજવણી થાય અને કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અત્યારથી સતર્ક બની છે. ખાસ કરીને દારૂના ધંધાર્થીઓ પર દરોડાનો દોર વધારી દેવામાં આવ્યો છે. બે દિવસથી પોલીસ ડ્રાઇવ યોજી રહી છે. ગઇકાલે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ડ્રાઇવ યોજી હજારો લિટર આથાનો નાશ કરાયો હતો. દરમિયાન આજે વહેલી સવારે યુનિવર્સિટી પોલીસે રૈયાધારમાં ડ્રાઇવ યોજી પંદર ઝૂપડા, મકાનો ચેક કર્યા હતાં. જેમાં એક મહિલા દારૂ સાથે અને એક શખ્સ હદપાર ભંગ સબબ પકડાયો હતો. અન્ય પોલીસના દરોડાઓમાં દેશી દારૂ સાથે ૯ પકડાયા હતાં. તો દારૂ પી વાહન હંકારતા બે શખ્સ ઝપટે આવી ગયા હતાં. આ ઉપરાંત  વાહનમાં છરી-ધોકા સાથે બે શખ્સ પકડાયા હતાં.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈની અને મનોહરસિંહ જાડેજાની સૂચનાથી દેશીદારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકરના માર્ગદર્શન હેઠળ અલગ-અગલ ટીમો બનાવી રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડયા હતા જેમાં રૈયાધાર મફતીયાપરામાં પંદર જેટલા મકાનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં રૈયાધાર મફતીયાપરાની ગીતા વિનોદભાઇ મકવાણાને રૂ.૩૦૦ નો ૧પ લીટર દેશી દારૂ સાથે અને હૃદપાર કરાયેલો રોહીત ઉર્ફે પીયુષ પરેશભાઇ ડાભીને, નવા દોઢસો ફુટ રોડ પર આવેલ વાળુ-પાણી નામના રેસ્ટોરન્ટની પાછળ જીજે-૩ સીકયુ ૯૭પ૪ નંબરના બાઇક પરથી રાહુલ દેવાભાઇ બાદુકીયા (ઉ.ર૬) (રહે.મુંજકા ગામ) અને અશોકસિંહ જયેન્દ્રસિંહ ઝાલા (ઉ.પપ) (રહે.મુંજકા ગામ ટીટોડીયા કવાટર) ને રૂ.૧૪૦ના દેશીદારૂ સાથે, રૈયાધાર મફતીયાપરા દુકાન પાસેથી રૂ.૧૪૦ના દેશી દારૂ સાથે સોની કિશનભાઇ સોલંકી (ઉ.૩૮)ને એ ડીવીઝન પોલીસે લોહાનગર મફતીયાપરમાંથી રૂ.૮૦ના દેશી દારૂ સાથે મહેશ ચોથાભાઇ કલારીયા (ઉ.ર૦) (રહે. લહોનગર મફતીયાપરા)ને બી ડીવીઝન પોલીસે મોરબી રોડ સીતારામ પાર્કની સામે ઝુપડપટ્ટીમાંથી રૂાઉ૧૦૦ના દેશીદારૂ સાથે વાલી ઉર્ફે રોહીત લછુભાઇ ગુલવાણી (ઉ.ર૭) (રહે. ભગવતીપરા)ને માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર શાકમાર્કેટ પાછળથી રૂ.ર૦૦ના દેશી દારૂ સાથે મેહુલ આલજીભાઇ વોરા (ઉ.૩૭) (રહે. નાનામવા રોડ દેવનગર શેરી નં.૩) ને પ્ર.નગર પોલીસે કીટીપરા ગાયકવાડી શેરી નં.૩ ના છેડા પાસેથી રૂ.૪૦ ના દેશીદારૂ સાથે નીતુ અશોકભાઇ ચોવશીયા (ઉ.૪૦) (રહે. કીટીપરા ગાયકવાડી)ને, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ સંજયનગર શેરી નં.૧માંથી રૂ.૮૦ના દેશી દારૂ સાથે વીજય નાગજીભાઇ ડોડીયા (ઉ.૪૮) (રહે. સંજયનગર-૧) ને, છોટુનગર મફતીયાપરા રંગઉપવનના ગેઇટ સામેથી રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે રાધીકા ઉર્ફે રાધા અર્જુનભાઇ અધારીયા (ઉ.ર૦) (રહે. રૈયા રોડ છોટુનગર)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

બોલેરોમાં ધોકા સાથે ભરત ઓડેદરા ઝડપાયો

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ રાજપુરોહીત તથા જયંતીભાઇ રાઠોડે વાહન ચેકીંગ દરમ્યાન નાનામવા રોડ મકાની સર્કલ પાસેથી જીજે૩ એફડી ૩૩૦૭ નંબરની બોલેરો કેમ્પર જીપમંથી ધોકા સાથે ભરત ગોગનભાઇ ઓડેદરા (ઉ.૩૩) (રહે. માંડલ ગામ તા.મોરબી) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આહીર ચોકમાંથી ભરતદાન છરી સાથે ઝડપાયો

ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ વિક્રમભાઇ તથા વાલજીભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન ૮૦ ફુટ રોડ આહીર ચોક પાસેથી ભરતદાન ભીમદાન ગઢવી (ઉ.૪૧) ને છરી સાથેપકડી લીધો હતો.

દારૂ પીધેલી હાલતમં બે શખ્સો પકડાયા

એ ડીવીઝન પોલીસે જીલ્લા ગાર્ડન ચોકમાંથી દારૂ પી જી.જે.૩ કેએમ-૭૩૦૭ નંબરનું બાઇક લઇને નિકળેલા પ્રવિણ પ્રતાપભાઇ ડાભી (ઉ.૩૦) (રહે. કેવડાવાડી  શેરી નં.૬) ને તથા વીરાણી ચોક પાસેથી દારૂ પી જીજે૩ ડીકયુ -૪૧૮૧ નંબરનું બાઇક લઇને નીકળેલા મયુર સુરેશભાઇ કડવાણી (ઉ.રપ) (રહે. ઢાંઢણી ગામ)ને પકડી લીધો હતો.

હોળી ધુળેટીના તહેવાર સુધી સતત પોલીસની ડ્રાઇવ યથાવત રહેશે. દરરોજ અચાનક પોલીસ આવી કામગીરી કરશે.

(3:53 pm IST)