Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

વિદ્યાર્થીઓને પ્રોજેકટમાં હંમેશ મદદરૂપ થનાર કોટક સ્કૂલના વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવા સેવાનિવૃત

શાળા દ્વારા તેમના કાર્યોની અને સિધ્ધિની પ્રશંસા કરાઈ : સરળ અને ઓછા ખર્ચવાળા સાધનો બનાવવા માટે 'બેસ્ટ ટીચર એવોર્ડ' પણ મળેલોઃ પ્રકૃતિ પ્રેમીએ અનેક લેખો પણ લખ્યા છેઃ તેમના પ્રોજેકટની નરેન્દ્રભાઈ મોદીએ પણ મુલાકાત લીધેલી

રાજકોટઃ અહિના શૈક્ષણિક સંસ્થા કોટક સ્કુલના વિજ્ઞાન શિક્ષક શ્રી અશ્વિન ભુવા વય મર્યાદાને કારણે નિવૃત થયા છે. તેઓ વિદ્યાર્થીઓનો અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃતિમાં પણ સર્વાગી વિકાસ થાય તેવો  ઉમદા હેતુ ધરાવતાં હતા. સ્કુલમાં સાયન્સ, કોમર્સ તથા હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓ પાસે અવનવા  પ્રોજેકટો તૈયાર કરવતા. ઉપરાંત વિજ્ઞાન મેળામાં દર વર્ષે નવા નવા પ્રોજેકટો તૈયાર કરાવીને વિદ્યાર્થીઓને સાત વખત રાજયકક્ષા અને એક વખત નેશનલ લેવલ સુધી પહોંચાડેલા હતા. તેમના દરેક પ્રોજેકટમાં દર વર્ષે કંઈકને કંઈક નવિનતાં રહેતી હતી. તેમનાં એક પ્રોજેકટની શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મુલાકાત લીધી હતી. ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' માં સમગ્ર ભારતમાં સૌથી પહેલું લોહદાન તેમનાં માર્ગદર્શન નીચે સ્કુલની છાત્રાઓ દ્વારા કરવામાં આવેલુ હતું.

આ ઉપરાંત પ્રેકટીકલનાં સરળ અને ઓછાં ખર્ચવાળા સાધનો બનાવવા માટે ''બેસ્ટ ટીચર એવોર્ડ'' પણ મળેલો છે. સમગ્ર રાજયમાં ભૌતિક વિજ્ઞાનની થીયેરી અને પ્રેકટીકલ બન્નેમાં કે.આર.પી.તરીકેની પણ ઉત્તમ  કામગીરી કરેલી છે. આ ઉપરાંત આયુર્વેદના ઘણા લેખો પણ લખેલા છે. હજારો લોકોએ તેમનો લાભ પણ લીધો છે.ે તેઓ પ્રકૃતિનાં પ્રેમી પણ છે. સ્કુલમાં પોપટ માટે બનાવેલા ચબુતરાની ચણના એકત્રીકરણ માટે, સ્કુલનાં ગ્રાઉન્ડમાં ઉછેરવામાં આવેલા વૃક્ષોમાં અને સ્કુલમાં શરૂ કરવામાં આવેલા ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવમાં પણ તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં હતા. ત્યારે તેમના માર્ગદર્શન નીચે ઘણા વિદ્યાર્થીઓએ બોર્ડમાં તથા સેન્ટરમાં સ્થાન પણ મેળવ્યા છે. શેઠ હાઈસ્કુલમાં હતા ત્યારે ઘણા બધાં કાવ્યોની રચના પણ કરેલી છે મોટીમારડ હતા. ત્યારે વિદ્યાર્થીઓ સાથે અવાર નવાર ગીરનારની ગોદમાં ફરવાં પણ જતા મિતેષભાઈ મેઘાણી, ડો.જી.એફ.મહેતા અને ગ્રાફીક ડીઝાઈન કિશોરભાઈ મકવાણાનો સહયોગ મળેલો છે.

તેઓ કહે છે કે તેમને જે કોઈ પ્રતિષ્ઠા, કિર્તી અને નામનાં મળેલી છે. તેમાં ''અકિલા''ના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે. તેથી આ સમગ્ર પ્રતિષ્ઠા, કિર્તી અને નામનાને રઘુવંશી સમાજને સમર્પિત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. સ્કુલના ટ્રસ્ટી નવિનભાઈ ઠકકરે, સ્કુલના પ્રિન્સિપાલ ડો.માલાબેન કુંડલીયા, લોક વિજ્ઞાન કેન્દ્રના ડો.આર.જે.ભાયાણીનો ખૂબ સહયોગ મળેલ હોવાનું પણ જણાવેલ.

શાળાના ટ્રસ્ટીશ્રી નવિનભાઈ ઠકકરે જણાવેલ કે શ્રી ભૂવાના કાર્યો તથા તેમની વિદાય યાદગાર બની જશે. પ્રિન્સિપાલ ડો.માલાબેન તેમને સ્કુલમાં તેમના કાર્યોની સિધ્ધીની પ્રશંસા કરીને તેમને શાલ ઓઢાડીને તેમનું નિવૃત પછીનું જીવન સુખ, શાંતિ અને તંદુરસ્તીથી પસાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

શ્રી અશ્વિન ભુવાને મો.૯૪૨૮૮ ૮૯૫૬૦ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:50 pm IST)