Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં સંવેદનશીલ - અતિસંવેદનશીલ કેન્દ્રો માટે ૪૨ અધિકારીઓ ફાળવતા કલેકટર : રોજેરોજ રીપોર્ટનો આદેશ

હિરાસર એરપોર્ટમાં ચેકડેમ સહિતની કામગીરી ચાલે છે : આ માટે દર અઠવાડિયે મીટીંગ યોજવા પ્રાંતને આદેશો : એઇમ્સમાં નવી જમીનની પ્રપોઝલ તૈયાર : સરકારમાં હવે મોકલાશે : ઇશ્વરીયા પાર્કમાં અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ કરવા વિચારણા : ITIને નવી બલેનો ગાડી ફાળવાઇ : લેડી ડ્રાઇવર ઉભા કરાશે : ખાસ ટ્રેનીંગ આપવા પણ સૂચના

રાજકોટ તા. ૫ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, પોતે જાતે કડવીબાઇ સહિતની સ્કુલોમાં ચેકીંગ કર્યું હતું, બધુ બરાબર ચાલી રહ્યું છે.

તેમણે જણાવેલ કે, રાજકોટના અમુક વિસ્તાર ઉપરાંત જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ અમુક કેન્દ્રો માટે ૪૨ જેટલા અધિકારીઓની ફાળવણી કરાઇ છે, તમામ મામલતદાર - પ્રાંત ઓફિસરોને વીજીલન્સ ચેકીંગ કરવા અને દરરોજ બંને ટાઇમ રીપોર્ટ કરવા પણ આદેશો કર્યા છે.

દરમિયાન હિરાસર એરપોર્ટ ડેવલપમેન્ટ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, હાલ કંઇ નવું નથી, ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, ચેકડેમ ખસેડવાની કાર્યવાહી હવે થશે.

હિરાસર એરપોર્ટ અંગે દર અઠવાડિયે તમામ ઓથોરીટી સાથે મીટીંગ કરવા સીટી પ્રાંત-૨ને સૂચના આપી છે, જેથી આગળની કાર્યવાહી થઇ શકે.

એઇમ્સ અંગે તેમણે જણાવેલ કે, નવી જમીન મેળવી લેવાઇ છે, તેની પ્રપોઝલ પણ તૈયાર છે, સરકારમાં હવે મોકલાશે.

ખેતીના દબાણ અંગે તેમણે જણાવેલ કે, એ પણ હટાવી લેવાશે, તે માટે તાલુકા મામલતદારને સુચના અપાઇ છે.

ઇશ્વરીયા પાર્ક અંગે કલેકટરે જણાવેલ કે, તેનું નવુ પ્રેઝન્ટેશન તૈયાર છે, પરંતુ ત્યાં ખાસ કરીને ગ્રીનરી - અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ અંગે પહેલી વિચારણા ચાલી રહી છે, આ માટે ટુંક સમયમાં મીટીંગ યોજી કાર્યવાહી કરાશે.

આઇટીઆઇમાં નવી બ્રાન્ડ ન્યુ બલેનો કાર આપવા અંગે કલેકટરે જણાવ્યું હતું કે, આમા પીજીવીસીએલનો પણ સહકાર રહ્યો છે, અને ઓટોમોબાઇલના કોર્સમાં ઉપયોગમાં આવી શકશે. ઉપરાંત લેડી ડ્રાઇવર બનાવવા અંગે પણ પ્લાનને અમલમાં મૂકાયો છે, જેથી કરીને નવી બલેનો કારની તાલીમ લીધી હોય તો કોઇપણ લેડીને ડ્રાઇવીંગમાં મુશ્કેલી ન પડે.

(3:48 pm IST)