Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ગઝલસમ્રાટ જગજીતસિંઘ અને સંગીતકાર મદન મોહનજીને સુરોની સ્વરાંજલી અર્પણ કરાશે

કાલે પોરબંદર-શનિવારે જુનાગઢ અને રવિવારે ગાંધીનગરમાં કાર્યક્રમો : કલાકારો પલાશ ધોળકીયા, વિઠ્ઠલ રાજપુરા (ઇન્દોર), પૂર્ણીમા રાજપુરા, સમીર દાંતે (મુંબઇ) અને દિપાલી સોમૈયા, કુ. ધ્વની વછરાજાની

રાજકોટઃ તા.૫, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા સુરશ્રી કલચરલ કલબ,પોરબંદર ના સંકલન થી સૌરાષ્ટ્ર- ગુજરાત માં શાસ્ત્રીય ગાયન, પખાવજ - વાયોલિન જુગલબંદી અને ફિલ્મી ગીત – ગઝલ નો સ્વરાંજસિ કાર્યક્રમ યોજાશે.....ગઝલ સમ્રાટ શ્રી જગજિતસિંઘ અને સુવિખ્યાત સંગીતકાર શ્રી મદન મોહનને સ્વરાંજલી અર્પણ થશે. તા.૬ શુક્રવાર પોરબંદર, તા. ૭   શનીવારે જૂનાગઢ અને તા. ૮ માર્ચ રવિવારે ગાંધીનગર ખાતે કાર્યક્રમો યોજાશે.

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર દ્વારા સુરશ્રી કલચરલ કલબ, પોરબંદર ના સંયોજન થી શાસ્ત્રીય ગાયન, પખાવજ - વાયોલિન જુગલબંદી અને ફિલ્મી ગીત - ગઝલ નો સ્વરાંજલિ કાર્યક્રમ ૬ થી ૮ માર્ચ ૩ દિવસ પોરબંદર, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે યોજાનાર છે.

 ૬ માર્ચ શુક્રવારે રાતે ૮-૩૦ કલાકે બિરલા હોલ,પોરબંદર ખાતે યોજાનાર આ સુરીલા કાર્યક્રમ માં રાજકોટના શ્રી પલાશ ધોળકિયા શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે, ઇન્દોર ના સુવિખ્યાત પખાવજ વાદક શ્રી વિઠ્ઠલ રાજપુરા અને સુવિખ્યાત વાયોલિન વાદક શ્રીમતી પૂર્ણિમા રાજપુરા પખાવજ – વાયોલિન જુગલબંદી પ્રસ્તુત કરશે અને મુંબઈ ના સુપ્રસિદ્ઘ ગાયક બેલડી, પ્લેબેક સિંગર શ્રી સમીર દાંતે અને  સારેગમપ - ૨૦૦૯ ફેમ શ્રી દિપાલી સોમૈયા દાંતે પોતાના મખમલી કંઠ થી  જગજિતસિંઘ અને મદન મોહન ના યાદગાર સુમધુર ગીતો અને ગઝલ પ્રસ્તુત કરશે. આ ગાયક દંપતી ને વાદ્ય સંગીત માં સુર પૂરાવશે રાજકોટનું  ઓરચેસ્ટર  રાજુ ત્રિવેદી  મ્યુઝિકલ મેલોઝ પ્રસ્તુત કરશે.

 આ મનભાવન કાર્યક્રમ માં સંસ્થાના સભ્યો અને નિમંત્રિતો  અકાદમીના  સભ્ય સચિવ   શ્રી જે. એમ.ભટ્ટ અને સૂરી કલચરલ કલબના ચેરમેન શ્રી કિરીટભાઈ રાજપરા એ નિમંત્રણં પાઠવેલ છે.

 આ જ રીતે ૭ માર્ચ શનિવારે જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રાતે ૮:૩૦ કલાકે અધર ચેરીટેબલ ટ્રસ્ટના સંયોજન અને જૂનાગઢ મહાનગરપાલીકાના સહયોગથી આ મનભાવન કાર્યક્રમનું  આયોજન થયેલ છે.  જેમાં રાજકોટ ના કુ. ધ્વનિ વછરાજાની દ્વારા શાસ્ત્રીય ગાયનની પ્રસ્તુતિ થશે અને ઇન્દોરના શ્રી વિઠ્ઠલ રાજપુરા અને શ્રીમતી પૂર્ણિમા  રાજપરાની પખાવજ - વાયોલિન જુગલબંદી  પ્રસ્તુતિ થશે તેમ  મુંબઈના શ્રી સમીર દાંતે અને દિપાલી સોમૈયા દાંતે જગજિતસિંદ્ય અને મદન મોહનના યાદગાર ગીતો - ગઝલો પ્રસ્તુતિ કરશે.

કાર્યક્રમ શ્રેણીના અંતિમ સોપાન ૮ માર્ચ રવિવારે સાંજે ૭ વાગે ગાંધીનગર ખાતે આ મનભાવન કાર્યક્રમ યોજાનાર છે.  જેમાં ઉપરોકત તમામ કલાકારો પોતાની કલા દ્વારા શ્રોતાઓને ડોલાવશે. આ ત્રિદિવસીય સંગીત સમારોહ ના આયોજનમાં અકાદમી ના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ભટ્ટનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત  સહયોગ મળ્યો છે. આ ત્રિદિવસીય સંગીત સમારોહમાં કલા રસિક શ્રોતાઓને  અકાદમીના સભ્ય સસિવ શ્રી જે. એમ. ભટ્ટ અને સમગ્ર સમારોહના  સંયોજન શ્રી કિરીટભાઈ રાજપરાએ નિમંત્રણ પાઠવેલ છે.  

(3:45 pm IST)