Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

કાંગશીયાળીની ૨૧૦૦ ચો.મી. સરકારી જમીનના બનાવટી દસ્તાવેજો ઉભા કરી વેચી મારીઃ ત્રણ સામે ફોજદારી

પોલીસ તપાસનો ધમધમાટઃ રાજકોટના શખ્સના નામે જમીન ફાળવણી-સનદ-પત્રો અને ચલણ બધુ બનાવટી : આખુ કૌભાંડ બહાર આવતા કલેકટર ચોંકી ઉઠયાઃ રૂરલ પ્રાંત ચરણસિંહ ગોહીલ અને ટીમનો સપાટો : જમીન ફાળવણીના હુકમો, ગ્રામ્ય પ્રાંતના પત્રો, સરકારમાં ભરપાઈ થયેલ ચલણ, સનદ, ખોટો વેચાણ દસ્તાવેજ, કબુલાતનામુ, હુકમો બધુ બનાવટી હોવાનું બહાર આવતા સનસનાટી

રાજકોટ, તા. ૫ :. લોધીકા તાલુકાના કાંગશીયાળીની રૂડા વિસ્તારની રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ટચ કરોડોની કિંમતી સરકારી જમીનના બારોબાર બોગસ દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચી નાખવાનુ જબરૂ કૌભાંડ કલેકટરે ઝડપી લઈ ફોજદારી કરવાના આદેશો કરતા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ત્રણ સામે ગુન્હો નોંધતા ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજ્ય સરકારશ્રીની વખતો વખતની સુચનાઓ અને ભુમાફીયાઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાઓ અન્વયે અને સુચનાઓ મુજબ સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જો જમાવી સરકારી જમીનો બારોબાર વેચી નાખવાના કૌભાંડો તથા ભુમાફીયાની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા  પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) શ્રી ચરણસિંહ ગોહીલ તથા મામલતદાર લોધીકા જે.આર.હીરપરાની ટીમ દ્વારા બાતમીના આધારે તપાસ કરતા ધ્યાને આવેલ કે લોધીકા તાલુકાના કાંગશીયાણી ગામની રૂડા વિસ્તારની રાજકોટ -ગોંડલ હાઇવે ઉપર આવેલી અંદાજીત જમીન ચો.મી. ૨૧૫૧-૦૦ કે જે સરકારશ્રીની માલીકીની જમીન હોવા છતા આ જમીનના માલીક હોવાના બનાવટી આધારો દ્વારા શ્રી ભાવીનભાઇ જીવણભાઇ દેલવાડીયા, રહે.નહેરૂ નગર શેરી નં.૩ નાના મવા રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટના નામના મામલતદાર લોધીકાના જમીન ફાળવણીના હુકમો સનદ તથા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્યના પત્રો તેમજ સરકારશ્રીમાં રકમ ભરપાઇ થયાના ચલણની નકલો બનાવટી અને ખોટી રીતે વેચાણ દસ્તાવેજ ઉભો કરી તથા બનાવટી કબુલાતમાં તથા બનાવટી હુમલો ઉભા કરી આવી કિમતી સરકારી જમીન હડપ કરી લેવાનું આપ્યું હતું.

આ બનાવટી દસ્તાવેજો શ્રી દસ્તાવેજો શ્રી દેલવાડીયા ભાવીનભાઇ જીવનભાઇ નામે થયેલ હોય તેઓને પ્રાંત અધિકારી નિવેદન માટે બોલાવેલ જેમાં જણાવ્યા મુજબ આ જમીન બુટાભાઇ હીરાભાઇ ગાંગડીયા દ્વારા તેઓને ચુકતે અવેજ મેળવી રૂ.૧૦૦ સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ વેચાણ કરાર કરી આપેલ છે. તથા આ સરકારી જમીન ગેરકાયદેસર રીતે બનાવટી કાગળો ઉભા કરી વેચવાના કામે મદદગારી કરનાર અન્ય બે વ્યકિત મુનાભાઇ ભરવાડ તથા દિલાવર ખાનના નામો તથા અન્ય અજાણ્યા શખ્સો હોવાનું પણ સામે આવેલ છે. આ બાબતે પોલીસ ફરીયાદમાં અન્ય નામ પણ ખુલે તેવી પુરી શકયતાઓ હોવાનું ચિત્રો ઉમેરી રહ્યા છે. આ સંબંધે શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનમાં ઉપરોકત જણાવેલ શખ્સો સામે ફોજદારી દાખલ કરવાનું બહાર આપ્યું છે.

આ આખુ કૌભાંડ ગોતી કાઢવામાં અધિકારીઓ એમ.ડી.રાઠોડ, આર.કે.કાલીયા નાયબ મામલતદાર, હિરેનભાઇ મકવાણા, સર્કલ ઓફીસરશ્રી, અરવિંદ કુગશિયા, અલ્પેશ પાવરા, શ્રી કાજલબેન સોની, કિરીટભાઇ અગ્રાવત સર્વેયરનો સમાવેશ થાય છે.

(3:36 pm IST)