Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ધો. ૧૦માં ગુજરાતીનું પ્રથમ પ્રશ્નપત્ર પાઠય પુસ્તક આધારિત સરળ નિકળતા વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધ્યો

ગુજરાતી વિષયમાં ૧૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

રાજકોટ તા. ૫ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ છે. આજે ધો. ૧૦નું પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી સાવ પાઠય પુસ્તક આધારિત અને સરળ નિકળતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.

ધો. ૧૦નું પ્રથમ પ્રશ્નપત્ર સંપૂર્ણ પાઠય પુસ્તક આધારિત નિકળ્યું હતું. પ્રશ્નપત્ર હાથમાં આવતા જ મોટાભાગના પરીક્ષાર્થીઓ શાંતિ ચિતે ઉત્તરો આલેખવા લાગ્યા હતા. પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ એકચિત્તે વિશ્વાસ પૂર્વક ઉત્તરો આલેખતા નજરે પડયા હતા. ધો. ૧૦માં ૪ ગુણનો અહેવાલ લેખનમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો પ્રશ્ન પૂછાયો હતો. જે વિદ્યાર્થીઓએ સરળતાથી આલેખ્યો હતો.

રોકડયા ગુણ ગણાતુ નિબંધમાં પણ પ્રવર્તમાન સમયના ટોપીક હતા. જેમાં વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા તેમજ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન પૂછાયો હતો.

આજે ધો. ૧૦માં રાજકોટ જિલ્લામાં પ્રથમ પ્રશ્નપત્ર ગુજરાતી વિષયમાં ૩૮૦૫૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૧૧૫૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

(3:35 pm IST)