Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઠેબચડામાં ત્યજી દેવાયેલી નવજાત બાળાના શરીરે તિક્ષ્ણ પદાર્થથી થઇ શકે તે પ્રકારની ઇજા હોવાનો તબિબનો રિપોર્ટ

બાળકીની ઓળખ મેળવવા ટીમોની તપાસ હજુ યથાવતઃ ડોકટર ઋતુએ તૈયાર કરેલા રિપોર્ટમાં ઇજાઓ સખ્ત અને બોથડ પદાર્થથી થઇ શકે તેવી હોવાનો પણ ઉલ્લેખઃ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રાહબરી હેઠળ ચાલી રહેલી તપાસમાં ગુનો દાખલ થશે કે કેમ?

રાજકોટ તા. ૭: રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ઠેબચડા ગામની સીમમાંથી ગત ૨૬મીએ એક નવજાત બાળકીને કુતરૂ મોઢામાં લઇ ભાગતું જોવા મળતાં ક્રિકેટ રમવા આવેલા વિપુલ રૈયાણી સહિતના યુવાનોએ પથ્થરમારો કરી આ બાળકીને કુતરાની પક્કડમાંથી મુકત કરાવ્યું હતું. આ બાળકીને રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યારે તેના શરીર પર જુદી-જુદી જગ્યાએ ઇજા-કાપા જોવા મળ્યા હતાં. કુતરાના દાંત કે નખથી થયેલી ઇજાઓ હોવા ઉપરાંત બીજા કાપા હોઇ તે કોઇ તિક્ષ્ણ પદાર્થથી થયા હોય તેવા હોવાનું તબિબે પ્રાથમિક નિરીક્ષણથી જણાવ્યું હતું. જો કે પોલીસના ચોપડે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઇજાઓ કોઇ તિક્ષ્ણ પદાર્થથી થઇ કે પછી કુતરાના કારણે કે બાળા ઢસડાવાના કારણે કે બીજી કોઇ રીતે? બીજી તરફ પરમ દિવસે ડો. ઋતુ ચપલાએ જે રિપોર્ટ તૈયાર કર્યો છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બાળકીના શરીર પર કપાયેલા ઘા પ્રકારની ઇજાઓ આવેલી છે તે તિક્ષ્ણ પદાર્થથી થઇ શકે તે પ્રકારની છે અને શરીર પર જુદી-જુદી જગ્યાએ ઘસરકા-ચકામા પ્રકારની ઇજાઓ છે તે સખત અને બોથડ પદાર્થથી થઇ શકે તે પ્રકારની છે.

બાળકીને પ્રારંભે સિવિલ હોસ્પિટમના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ રાખવામાં આવી હતી. એ પછી કલેકટરશ્રી રેમ્યા મોહને રૂબરૂ હોસ્પિટલે પહોંચી બાળકીની દેખરેખની જવાબદાર કલેકટર તંત્ર સંભાળશે તેવું જાહેર કર્યુ હતું અને બાળાને વધુ સારવાર માટે અમૃતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બાળકીને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ 'અંબે' નામ આપ્યું હતું અને ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડ અને પીઆઇ વી. જે. ચાવડાને ચાર ટીમો બનાવી તપાસ કરવા આદેશ કર્યો હતો. પોલીસની જુદી-જુદી ટીમોએ આ બાળાની ઓળખ મેળવવા તેમજ તેને કોણ ત્યજી ગયું? જન્મ કોણે આપ્યો? તે સહિતની વિગતો શોધવા દોડધામ કરી છે. જો કે હજુ સુધી બાળાની ઓળખ થઇ શકી નથી કે બીજી વિગતો બહાર આવી નથી.

દરમિયાન આ બાળાના શરીર પરથી ઇજાઓ છે તે તિક્ષ્ણ પદાર્થથી થઇ શકે તે પ્રકારની હોવાનો તેમજ ઘસરકા-ચકામા દેખાય છે તે સખત અને બોથડ પદાર્થથી થઇ શકે તે પ્રકારની ઇજાઓ હોવાનો રિપોર્ટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. ઋતુ ચપલાએ તૈયાર કરતાં હવે પોલીસ આ બનાવમાં કઇ રીતે તપાસ આગળ વધારે છે તે જોવું રહ્યું.  બાળકીના ઘા હાલ રૂઝાઇ રહ્યા છે અને તે સારવાર હેઠળ છે.

(1:09 pm IST)