Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

હમ હોંગે કામયાબ... હમ હોંગે કામયાબ... પૂરા હૈ વિશ્વાસ... હમ હોંગે કામયાબ...

ધો.૧૦-૧૨ની પરીક્ષાનો પ્રારંભઃ પરીક્ષાર્થીઓનું ઉત્સાહપૂર્ણ સ્વાગત

ગુજરાતના ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની અગત્યની કસોટીમાં કૌશલ્ય ઝળકાવવા ઉત્સુકઃ ન્યાયિક માહોલમાં પરીક્ષા માટે સમગ્ર સરકારી તંત્ર ખડેપગે... * ગેરરીતિ ડામવા કડક પ્રબંધો

રાજકોટ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારથી જ વાલીઓ તેમના સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી દોરી ગયા હતા. વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતંુ. પ્રસ્તુત તસ્વીરમાં રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહન પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવતા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રમેશભાઈ ઉપાધ્યાય વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવતા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં પરીક્ષા કેન્દ્રો બહાર પરીક્ષાર્થીઓની લાગેલી લાઈન નજરે પડે છે. નીચે પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે ઉત્તરો આલેખતા વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક  બગથરીયા)

રાજકોટ, તા. ૫ : સમગ્ર ગુજરાત રાજયમાં આજથી પરીક્ષાની મોસમનો પ્રારંભ થયો છે. ગુજરાત રાજયના ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની અગત્યની કસોટી આપવા અને તેમાં કૌશલ્ય ઝળકાવવા ઉત્સુક બન્યા છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી કડક પ્રબંધો વચ્ચે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારથી જ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉમટી પડ્યા હતા. ઠેર-ઠેર ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતા.

ધો.૧૦ અને ૧૨ની શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કોઈ ખોટો ડર કે હાઉં ન અનુભવે તે માટે અને પરીક્ષાને ઉત્સવ રૂપી બનાવવા તમામ પરીક્ષાર્થીઓનંુ કુમકુમ તિલક કરી મીઠુ મોઢું કરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી શાનદાર ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યુ હતું અને પરીક્ષાર્થીઓ પણ આ ઉત્સાહવર્ધક સ્વાગત જોઈ તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો હતો. પરીક્ષા કેન્દ્રો ઉપર શાળા સંચાલકો ઉપરાંત ઉચ્ચ અમલદારો, પદાધિકારીઓ, સમાજશ્રેષ્ઠી, શિક્ષકો અને આચાર્યો તેમજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે.

રાજકોટમાં ધો.૧૦ના ૫૪,૬૬૦ વિદ્યાર્થીઓ, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮,૫૨૬ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૧,૫૨૬ વિદ્યાર્થીઓ કસોટી આપશે.

માર્ચ ૨૦૨૦ની પરીક્ષામાં ધો.૧૦માં ૮,૦૪,૨૩૧ નિયમીત ૧૨,૭૦૭ ખાનગી ઉમેદવારો નોંધાયેલા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૬૪,૫૯૨ નિયમીત અને ૬૨,૫૪૮ ખાનગી વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૫-૩-૨૦૨૦થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ રહી છે. ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં ૧૭ લાખ ૬૦ વિદ્યાર્થીઓએ પરીક્ષાના આવેદનપત્ર ભર્યા છે. દરેક વિદ્યાર્થી પરીક્ષા શાંત અને ન્યાયિક માહોલમાં નિર્ભયતાથી પરીક્ષા આપે તે માટે શિક્ષણ બોર્ડે ખાસ એકશન પ્લાન અમલી કર્યો છે.

માર્ચ ૨૦૨૦માં ધો.૧૦ - ૧૨ની પરીક્ષામાં સુચારૂ સંચાલન માટે ધો.૧૦માં ૮૧ ઝોનમાં ૯૩૪ કેન્દ્રો તેમજ એચએસસીમાં ૫૬ ઝોનમાં કુલ ૬૫૩ કેન્દ્રો, સામાન્ય પ્રવાહમાં ૫૧૪ કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહના ૧૩૯ કેન્દ્રો ઉપર સમગ્ર રાજયમાં પરીક્ષા લેવાશે.

માર્ચ ૨૦૨૦ એચએસસીઈ માટે ૧૦,૮૩,૧૯૮ વિદ્યાર્થીઓ સંસ્કૃત પ્રથમાના ૬૯૭ વિદ્યાર્થીઓ એચએસસીઈ સામાન્ય પ્રવાહના ૫,૨૭,૧૪૦ ઉત્તર બુનિયાદી પ્રવાહના ૩૫૨૧ વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૧,૪૩,૪૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની વ્યવસ્થાના સંચાલન માટે ૨૪ કલાક ચાલતો સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તો જિલ્લા મથકોએ પણ આજથી સવારે ૭થી રાત્રીના ૮ સુધી પરીક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા માટે સલામતીની વ્યવસ્થા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પરીક્ષા સ્થળોની આજુ બાજુ જરૂરીયાત મુજબના પ્રતિબંધાત્મક ૧૪૪મી કલમનો હુકમનો અમલ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર આસપાસ તમામ ઝેરોક્ષની દુકાન બંધ કરાવવામાં આવી છે.

(3:34 pm IST)