Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

આરોપી નિલેષ પ્રત્યે પોલીસનું કુણુ વલણઃ હાથકડી વગર હોન્ડામાં બેસાડી કોર્ટમાં લઇ જવાયોઃ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા મૃતકના સ્વજનોની પોલીસ કમિશ્નરને રજૂઆતઃ જરૂર પડ્યે ધરણા-રામધૂન

રાજકોટઃ હસમુખભાઇ સુરાણીને મરી જવા મજબૂર કરવાના ગુનામાં જેની ધરપકડ થઇ છે તે બિલ્ડર નિલેષ કાનજીભાઇ લુણાગરીયા સાથે પોલીસ કુણુ વલણ અપનાવતી હોવાની રજૂઆત મૃતક હસમુખભાઇના સ્વજનોએ આજે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપી રવિકુમાર સૈની સમક્ષ કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે આરોપી નિલેષને ખુરશી પર બેસાડીને નિવેદન લેવાઇ રહ્યું હતું. તેને કોર્ટમાં હાજર કરતી વખતે હાથકડી વગર હોન્ડામાં બેસાડીને લઇ જવાયો હતો. કોર્ટ રિમાન્ડમાં અમારી પ્રોપર્ટી પર લીધેલી લોન રિકવરી બાબતે પણ ઉલ્લેખ થયો નથી. આથી માત્ર બે દિવસના જ રિમાન્ડ મળ્યા છે. બી-ડિવીઝનમાં પૈસાનો વહિવટ થઇ ગયાની અમને શંકા છે અને કેસ નબળો પડી જવાની પણ શંકા છે. આ કેસ ક્રાઇમ બ્રાંચને તપાસ માટે સોંપવામાં આવે તેવી માંગણી હતી. આ ગુનામાં બેંકના લોકલ અધિકારીઓ તથા લોકલ અધિકારીઓ પણ સામેલ હોવાની શંકા છે, પ્રોપર્ટીની કિંમત કરતાં વધ ુરૂપિયાની લોન અપાઇ હોઇ આ બાબતે પણ તપાસ થાય તેવી માંગણી છે.

રજૂઆતમાં વિશેષમાં જણાવાયું છે કે નિલેષ લુણાગરીયાએ અનેક લોકો સાથે ચીટીંગ કર્યુ છે. તેના ડર અને ધમકીને લીધે કોઇ ફરિયાદ કરવા પણ આગળ આવતું નથી. આ કેસની ઉંડી તપાસ થાય તો ઘણા ફરિયાદી સામે આવે તેમ છે.  જેને આગોતરા જામીન મળ્યા છે તે લોકોના રિમાન્ડ પણ મંગાયા નથી. જો યોગ્ય કાર્યવાહી નહિ થાય તો પોલીસ કમિશ્નર કચેરી સામે ધરણા કરી રામધુન કરવામાં આવશે.

રજૂઆતમાં મૃત્યુ પામનાર હસમુખભાઇના ધર્મપત્નિ દક્ષાબેન સુરાણી, પરિવારના મુકતાબેન, કાંતાબેન, રળીયાતબેન, ભાનુબેન, દક્ષાબેન પાનસુરીયા, ઉષાબેન, કંચનબેન, દિલીપભાઇ, કાંતાબેન, ભુમિબેન, મંજુલાબેન, શિલ્પાબેન, ધારાબેન, વિજયભાઇ લીંબાસીયા, જયેશભાઇ વસોયા, મુકેશભાઇ અજાણી, કૃતિકાબેન સુરાણી, દિપાલીબેન સુરાણી, મુકેશ બી. અજાણી સહિતના જોડાયા હતાં. (૧૪.૧૧)

 

(3:28 pm IST)