Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રૈયા સ્માર્ટ સીટીમાં નિર્માણ પામનાર ફર્નિચર સાથે ફલેટના ફોર્મનું ગુરૂવારથી વિતરણ

મ્યુ.કોર્પોરેશનનાં સીવીક સેન્ટર તથા શહેરની તમામ આઇ.સી.આઇ બેંક ખાતેથી મળશેઃ કેન્દ્ર સરકારના હાઉસીંગ ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ મ.ન.પા. દ્વારા બનાવાશે ૧૧૪૪ ફલેટ : લાભાર્થીને ૩.૪૦ લાખમાં ૨બીએચકે

રાજકોટ તા.૫: મહાનગરપાલિકા દ્વારા હવે ગરીબ મધ્યમ વર્ગના લોકોને ફર્નીચર સાથે ૨બીએચકે ફલેટ માત્ર ૩.૪૦ લાખમાં  આવાસ યોજના રૈયા સ્માર્ટ સીટીમાં સાકાર થવા જઇ રહી છે. જેનું ઓનલાઇન વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે  ૧લી જાન્યુઆરીએ કરવામાં આવ્યુ હતુ. આ ફલેટનાં ફોર્મનું વિતરણ તા.૭નાં ગુરૂવારથી મ્યુ.કોર્પોરેશનનાં સીવીક સેન્ટર તથા શહેરની તમામ આઇ.સી.આઇ બેંક માંથી મળનાર હોવાનું મ.ન.પાના સતાવાર સુત્રોએ જણાવ્યુ છે.

આ અંગે મ.ન.પા.ના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગની ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ રૈયા સ્માર્ટ સીટીમાં ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં ૨ રૂમ, હોલ, વોશિંગ એરીયા, કીચન, સંડાસ-બાથરૂમની સુવિધાવાળા ફલેટ ફર્નીચર સાથે લાભાર્થીને અપાશે. કેમકે આ માટે પ્રત્યેક આવાસ દિઠ કેન્દ્ર અને રાજ્ય સરકાર ૩ લાખ ઉપરાંત ૪ લાખની ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ અલગથી અપાશે. કુલ ૧૧૮ કરોડના ખર્ચે આ પ્રોજેકટ સાકાર થશે. જેમાં લાભાર્થીએ ૩.૪૦ લાખ ભરવાના રહેશે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દેશમાં સૌને પાકા સુવિધાસભર આવાસો પુરા પાડવાની નેમ ધરાવે છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકીસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું નવી ટેકનોલોજી આધારે બાંધકામ થાય અને આવાસ યોજનાની કામગીરી સારી, સરળ અને ઝડપી બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ રાજય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ ની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૪.૦૦ લાખની ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ - લાઈટ હાઉસ પ્રોજેકટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS - II ( ૪૦.૦૦ ચો.મી. ) પ્રકારના ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજી થી કરવામાં આવશે.  રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩ ૨ માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. જેમાં દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, સંડાસ - બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. આ ઉપરાંત પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

(4:01 pm IST)