Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સોલાર કરતા પણ ડોમેસ્ટિક પવનચક્કી શ્રેષ્ઠ

સોલાર પેનલ જગ્યા રોકે : સ્ટાન્ડર્ડ અંગે પણ શંકા રહે : સાફ-સફાઇ નિયમિત કરવી પડે : સામાન્ય ઘર - દુકાનમાં ૧ થી ૨ કિલો વોટ વીજળીની જરૂર હોય : ૬ થી ૭ ફૂટ જગ્યામાં રૂ. ૬૦ - ૭૦ હજારના ખર્ચે પવનચક્કી ફીટ થઇ જાય : ઘરની વીજળીનું ઉત્પાદન આસાનીથી કરે : મેઇન્ટેનન્સમાં માત્ર ગ્રીસિંગ કરવું પડે : સોલાર અને વીન્ડ એનર્જીનો સમન્વય કરીને 'હાઇબ્રીડ એનર્જી'નો નવો વિકલ્પ સર્જી શકાયઃ ખીરા

રાજકોટઃ ગુજરાત સહિત દેશભરમાં સરકાર દ્વારા સોલાર એનર્જીને ખુબ મોટુ પ્રોત્સાહન અપાઇ રહયું છે અને તે આવકારદાયક પણ છે. પરંતુ જે પ્રશ્ન સર્જાઇ રહયો છે તે એ છે કે આ માટે વપરાતી  હાલની સોલાર પેનલો કેટલી ટકાઉ? તેની સાફસુફી નિયમીત કરવી બધા માટે શકય છે ખરી ? ધુળ-રજકણોને લીધે હાલની સોલાર પેનલોની એફીસીયન્સી ક્ષમતામાં પણ ઘટાડો થઇ જાય છે, આ માટે પાણી   જરૂરી છે જે બધે ઉપલબ્ધ ન પણ બને અને સોલાર પેનલો નાખવાનું યોગ્ય વળતર મળશે કે કેમ તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે આ સોલાર પેનલનો સહેલો, વાયેબલ ( કરી શકાય તેવો) વિકલ્પ શું?

આ વિષયનું ગહન સંશોધન કરનાર જાણીતા ટેકનોક્રેટ શ્રી મિલન ખીરા (મો.૯૮૯૮૩૪૩૪૫૧) કહે છે કે અત્યારે ૪ પ્રકારની સોલાર પેનલો આવે છે. પ્રથમ નંબરે મોનો ક્રિસ્ટલ (મોનો-એસઆઇ) છે જેની એફીસીયન્સી કાર્યક્ષમતા મોંઘી આવે છે અને મોટાભાગેે વપરાતી નથી, આ ઉપરાંત બીજી કોન્સન્ટ્રેટેડ પીવી સેલની સોલાર પેનલ આવે છે જે લગભગ ૪૧ ટકા એફીસીયન્ટ છે અને સ્વાભાવીક રીતે ઉંચા ભાવને લીધે વપરાતી નથી. વાસ્તવમાં સોલાર એનર્જી પુરી મેળવવા આ બે પ્રકારની સોલાર પેનલોનો ઉપયોગ થવો જોઇએ. પરંતુુ અત્યારે ત્રીજી પોલી ક્રિસ્ટલાઇન સોલાર પેનલ વપરાય છે જે ૧૨ થી ૧૫ ટકા  એફીસીયન્ટ અને ૫૦ ટકા સસ્તી મળે છે પણ  લાઇફ-સ્પાન ઓછો છે. (૫-૭ વર્ષ) આ ઉપરાંત ચોથી થીન ફીલ્મ સોલાર પેનલ આવે છે જેની કિંમત ૭ થી ૧૦ ટકા ઓછી છે પરંતુ તેની પણ લાઇફ ઓછી છે. આમ પ્રથમ બે પ્રકારની સોલાર પેનલ વપરાવી જોઇએ. પણ વપરાય છે. ત્રીજી અને ચોથા પ્રકારની પેનલો, જે આશ્ચર્યજનક રીતે ચાઇના બનાવટની છે. તેની લાઇફ મોટા ભાગે ઓછી જ હોય છે. વધુમાં આ સોલાર પેનલો એકાંતરે સાફ કરવી જરૂરી છે. આપણે ત્યાં ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં સતત ધુળ-રજકણો છવાતા રહે છે, તેથી તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. સફાઇ માટે જરૂરી પાણી-વાઇપર બધે ઉપલબ્ધ નથી એટલે વળતર ઓછુ રહે, લાંબે ગાળે બંધ પણ પડી જાય છે.

આમ સોલારનું યોગ્ય વળતર મેળવવું જ હોય તો, ગુજરાતમાં પ્રવર્તતા હાઇ-ટેમ્પરેચરની સ્થિતિમાં મોનો-એસઆઇ અથવા કોન્સન્ટ્રેટડ પીવીસેલ (સીવીપીસેલ) વાળી જ સોલાર પેનલ વાપરવી જોઇએ, નહિ તો યોગ્ય વળતર મળે નહિ તેવી પુરી સંભાવના છે. (ગુજરાતના વાતાવરણના લીધે ૪૨ સી. ટેમ્પેરેચર વધી જતુ હોય છે માટે)

ચોમાસુ, વાદળાની સ્થિતિ અને સુર્ય પ્રકાશનો સમય જોઇએ તો સોલાર પેનલો ચોવીસે કલાક વાપરી શકાતા નથી. ઉપરાંત ૧ કિલો વોટ વિજળી મેળવવા (જે સામાન્ય નાના ઘર માટે જરૂરી છે) ૯૦થી ૧૦૦ ફુટ  જગ્યા સોલાર પેનલ માટે જરૂરી બને છે અને દરેક પાસે આટલી જગ્યા ઉપલબ્ધ નથી પણ હોતી. ઉપરાંત પ્રત્યેક જાતના સોલાર પેનલની ક્ષમતા દર વર્ષે ૦.૭ ટકાથી ૧.૨ ટકા ઘટે જેટલી ક્ષમતા ઘટતી જાય છે. આ બધી ગણત્રી કરીને સોલાર પેનલ ફીટ કરવી જોઇએ. સોલાર પેનલની સાઇઝ, તેની કાર્યક્ષમતા અને લાઇફસ્પેનનો યોગ્ય સમન્વય પણ એટલો જ જરૂરી છે.

શ્રી મિલન ખીરા વધુમાં મહત્વની વિગતો આપતા કહે છે કે નાના ઘરો કે નાના યુનિટો કે જયાં ૧ થી ૨ કિલો વોટ વિજળીની જરૂર હોય તેમના માટે સોલાર પેનલને બદલે ''ડોમેસ્ટીક વીન્ડ એનર્જી'' ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની તાતી જરૂર છે. આપણે ત્યાં વાતાવરણના જે પરીબળો સોલાર માટે અવરોધક છે તે (ધુળ-રજ, સુર્યપ્રકાશની દિવસે જ ઉપલબ્ધતા, વાદળા-વરસાદ સમયે અવરોધ) ડોમેસ્ટીક વીન્ડ મીલ માટે ફાયદાકારક છે. ચોમાસામાં - શિયાળામાં સામાન્ય રીતે પવનની ઝડપ વધુ જોવા મળતી હોય છે.  ઉપરાંત આ વીન્ડ મીલ ચોવીસ કલાક, રાત્રે પણ ઉપયોગમાં સતત આવતી રહે છે. સોલાર પેનલોનો માત્ર દિવસે જ ૮-૧૦ કે ૧૨ કલાક ઉપયોગ થઇ શકે છે.

ઉપરાંત આ ડોમેસ્ટીક વીન્ડ મીલ પ્રમાણમાં ખુબ જ કિફાયતી છે. જો ઉત્પાદન હાથ ધરાય તો ૫૦-૬૦  કે ૭૦ હજાર આસપાસ પડે. ઉપરાંત સોલાર પેેનલો ૧૦૦ થી ૧૨૫ ફુટ જગ્યા રોકે છેે જયારે ડોમેસ્ટીક વિન્ડ મીલ માત્ર ૬ થી ૮ ફુટ જેવી નાની જગ્યા રોકે છે. શહેરમાં ઓછી હવાની ઝડપમાં પણ તે કામ આપે છે.તેમણે એમપણ કહેલ કે સરકારે સ્ટાન્ડર્ડ ૧ કિ.વોટ વીજળી ઉત્પાદનમાં સામાન્ય રીતે ઘરની લગભગ ટયુબલાઇટ તેમજ પંખા ચાલી શકે છે તેવુ શ્રી મિલન ખીરાનું માનવુ છે. આ ઉપરાંત ફકત ૨૦ વોટ એલઇડી ટયુબલાઇટ અને બીએલડીસી ફેન ૩૨ થી ૪૦ વોટના, ૧.૫ કી. વોટમાં ફ્રીઝ, એલસીડી, ટીવી પણ આવી શકે.આ ડોમેસ્ટીક વીન્ડ મીલના મેઇન્ટેનન્સમાં માત્ર ગ્રીસીંગ કરવાનું હોય છેે, રોજે રોજની સાફ-સફાઇની કડાકુટ રહેતી નથી.બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી મિલન ખીરા સાયબર ક્રાઇમ ઉકેલવાના પણ જાણીતા નિષ્ણાંત છે. પોલીસ તંત્ર પણ અવારનવાર તેમની મદદ લ્યે છે. તેમનું કહેવુ છે કે જગ્યા અને વાતાવરણ જો અનુકુળ હોય તો સોલાર અને વીન્ડ એનર્જીનો સમન્વય (કમ્બાઇન્ડ) કરીને ''હાઇબ્રીડ એનર્જી'' નો નવો વિકલ્પ પણ અચુક મેળવી શકાય.

(3:59 pm IST)