Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ અમુલ ડેરી સામે કરવામાં આવેલ ૧૧ લાખની ફરીયાદને જીલ્લા ગ્રાહક તકરાર કમિશને ફગાવી દીધી

દૂધના પેકીંગમાં જીવાત નીકળતા ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ થયેલ હતી

રાજકોટ, તા. ૫ :. અમુલ ડેરી, ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન તથા રાજકોટ ડીસ્ટ્રીકટ સહકારી દૂધ ઉત્પાદકો યુનિયન લી. (રાજકોટ ડેરી) પાસેથી ફરીયાદી દ્વારા અમુલ ગોલ્ડ દૂધની ૬ લીટરનું પેકીંગ રૂ. ૩૨૪ (અંકે રૂપિયા ત્રણસો ચોવીસ પુરા)નું ખરીદ કરવામાં આવેલ તેમા મરેલી જીવાત હોય એવું ફરીયાદી માહીર પીપરવા રહે. રાજકોટવાળાને લાગતા ફરીયાદી દ્વારા અમુલ, ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન તથા રાજકોટ ડીસ્ટ્રીકટ સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન તથા રાજકોટ ડેરી સામે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અને રૂપિયા ૧૧ લાખ ચૂકવવા હુકમ કરવા ફરીયાદ કરેલ હતી જે જીલ્લા ગ્રાહક કમિશન દ્વારા માહીર પીપરવાની ફરીયાદ ડીસમીસ કરવાનો આદેશ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદીના ઘરે પ્રસંગ હોવાથી તા. ૭-૯-૨૦૧૯ના રાજકોટ ડેરી પાસેથી અમુલ ગોલ્ડનું ૬ લીટર દૂધનું મોટુ પેકીંગ રૂ. ૩૨૪માં ખરીદ કરેલ અને રાજકોટ ડેરીએ તે અંગેની કોઈ બીલ કે કાચી ચીઠ્ઠી આપેલ ન હતી. ફરીયાદી ઘરે ગયા બાદ અમુલ ગોલ્ડના ૬ લીટર દૂધ પેકીંગમાં જોતા ધ્યાન આવેલ કે પેકીંગની અંદર એક કે વધુ મરેલી જીવાત અથવા તો જીવાત જેવો દેખાતો કચરો જોવા મળેલ તેથી ફરીયાદીને ખૂબ જ ડર તથા ભય થવા લાગ્યો કે ફરીયાદીના પ્રસંગમાં આવેલ બધા જ સબંધીઓનું સ્વાસ્થ્ય અમુલ ગોલ્ડ દૂધને કારણે ખરાબ થવા પામત તથા ફરીયાદી તથા તેમના સબંધીઓનો ધર્મ પણ ભ્રષ્ટ આ કારણે થવા પામત જેથી અમુલ ગોલ્ડ દૂધ પેકીંગ સીલ પેકેજ રાખેલ.

ફરીયાદીએ રાજકોટ ડેરી તથા ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશનનો સંપર્ક કરેલ પરંતુ કોઈ જ પ્રકારનો સંતોષકારક જવાબ ન મળતા તેમના એડવોકેટ મારફત લીગલ નોટીસ મોકલેલ તેમ છતા કોઈ જ પ્રકારનો જવાબ ન મળતા ફરીયાદીએ જીલ્લા ગ્રાહક કમિશનમાં ફરીયાદ કરેલ હતી અને વળતર પેટે માનસિક દુઃખ ત્રાસના રૂ. ૧૧,૨૫,૦૦૦ (અંકે રૂપિયા અગીયાર લાખ પચ્ચીસ હજાર પુરા) રાજકોટ ડેરી તથા અમુુલ ચૂકવે તેવી દાદ માંગેલ હતી.

અમુલ, રાજકોટ ડેરી તથા ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન વતી સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ પટેલ તથા સ્તવન મહેતા જિલ્લા ગ્રાહક કમીશન સમક્ષ હાજર થઈ અને ફરીયાદીની ફરીયાદ કાયદાકીય જોગવાઈ અનુસંધાને કરવામાં આવેલ ન હોય ફરીયાદીની ફરીયાદ કાઢી નાખવાની માટે અરજી કરેલ અને તેમા વિશેષમાં જણાવેલ કે જ્યારે પ્રાથમિક રીતે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબના ગ્રાહક અને વહેચાણ કરનાર વચ્ચે કોઈ વેપારી વ્યવહાર પ્રસ્થાપીત ન થતો હોય તેવા સંજોગોમાં ફરીયાદીને કોઈ જ પ્રકારની દાદ મળવાપાત્ર નથી અને ફરીયાદને કાઢી નાખવા ધારપૂર્વક દલીલ કરેલ અને તે સંદર્ભે નેશનલ કમિશનના ચુકાદાઓ પણ ટાંકેલ હતા.

રાજકોટ જિલ્લા ગ્રાહક કમિશનના પ્રેસીડન્ટ તથા સભ્યશ્રી એવા નિષ્કર્ષ પર આવેલ હતા કે ફરીયાદી ગ્રાહકની પરીભાષામાં આવતા ન હોય તેવા સંજોગોમાં ફરીયાદીની ફરીયાદ જિલ્લા ગ્રાહક કમિશન દ્વારા ડીસમીસ કરવામાં આવેલ હતી.

આ કામમાં અમુલ ડેરી, ગુજરાત સહકારી દૂધ માર્કેટીંગ ફેડરેશન તથા રાજકોટ ડેરી વતી સૌરાષ્ટ્રન સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, ધીરજભાઈ પીપળીયા, સ્તવન મહેતા, અંશ ભારદ્વાજ, કલ્પેશ નસીત, અમૃતા ભારદ્વાજ, કૃષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ તથા અશોક સાસકીયા રોકાયેલ હતા.

(3:17 pm IST)