Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વસુધૈવ કુટુમ્બકમ્

એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડોકટરો પરિવાર સહિત 'સ્મરણોત્સવ' ઉજવશેઃ તડામાર તૈયારી

૭૮ની સાલના મેડિકલ વિદ્યાર્થીઓ અને આજના નિષ્ણાંત ડોકટરોનું સન્માનઃ કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ સહિતના તબીબોનું આયોજન

રાજકોટ તા. ૫ : શહેરના હાલના નામાંકિત ડોકટરો અને ભૂતકાળનાં એમ.પી.શાહ કોલેજના મેડીકલ વિદ્યાર્થીઓ દ્વારા 'વસુધૈવ કુંટુમ્બમ્'ની ભાવનાથી સ્મરણોત્સવનું આયોજન કર્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડના જણાવ્યા મુજબ તા. ૬ શનિ - ૭ રવિના રોજ રાજકોટના આંગણે ૧૯૭૮ની એમ.પી. શાહ મેડીકલ કોલેજની એમ.બી.બી.એસ.ની મહાન બેચનો યાદગાર, ચાર દાયકાની ખાટી મીઠી ભૂતકાળની વાતો વાગોળવાનો સ્નેહોત્સવનું આયોજન કરેલ છે. ચાર દાયકા પહેલા એમ.બી.બી.એસ.ના પ્રથમ ચરણની અવિસ્મરણીય ભૂતકાળની વિદ્યાર્થીકાળની યાદોની તસ્વીરો વર્તમાનમાં પ્રતિબિંબિત કરવા માટે રાજકોટ સિઝન કલબ હોટલ પર રંગલો કાર્યક્રમ યોજાશે. વિદ્યાર્થીગોઠીયાઓ ચાર દાયકાની કેરીઅરની સફર બાદ ૭૮'ની સાલના ૭૮ કપલો 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાથી આ ઉત્સવ ઉજવશે. આ અંગે વિશેષ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રેડીયો મિર્ચીની કોયલ, આર.જે. શિતલ, શબ્દ સુરાવલીથી આ પ્રસંગને લાજવાબ બનાવશે. વિશ્વસ્તરે મેડીકલ ફિલ્ડમાં ભારતનું નામ રોશન કરનાર એવા ૭૮ની સાલનું ગૌરવ ડો. સંજય પંડયા, ડો. નયના પટેલ, ડો. મિલન ચગ વિગેરે જેવી હસ્તીઓ પણ હોંશભેર ઉપસ્થિત રહેશે. રંગીલા રાજકોટની રજવાળી તથા દિલેર 'ટીમ રાજકોટ'ના ડો. સંજય પંડયા, ડો. વિભાકર વછરાજાની, ડો. કોરવાડીયા, ડો. રાજદેવ ગોંડલીયા, ડો. દિલીપ પટેલ, ડો. બિના પટેલ, ડો. વિમલ વ્યાસ, ડો. અમિતા ભટ્ટ, ડો. રાજેશ હાંસલીયા, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. વસંત કાસુન્દ્રા, ડો. બગડા, ડો. ચાંગેલા, ડો. વિરડા, ડો. પ્રતિભા, નથવાણી, ડો. પંકજ રાઠોડ દ્વારા સમગ્ર ભારતભરમાં ખ્યાતિ મેળવેલ ડોકટરોનું સન્માન થશે.

(4:42 pm IST)