Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

મધ્યાહન ભોજન-આંગણવાડી કેન્દ્રોના બાળકોને દૂધ આપવાનો એમઓયુ કોન્ટ્રાકટ જીવંત કરોઃ જેટલા બાળકો તેટલી 'ડીશ' રાખો

દરેક રેશનકાર્ડ ધારકોને હક્કનું અનાજ મળે તેવો સરકારનો અભિગમઃ યોજાયેલ સમીક્ષા બેઠકમાં લાખાવાલાનો નિર્દેશ : ૧૮ જાન્યુઆરી પહેલા રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંકઅપની કામગીરી પૂર્ણ કરી લેવા આદેશઃ દુકાનદારો ફરીયાદ બોર્ડ પણ રાખે

રાજ્યના અન્ન આયોગની રાજકોટમાં મળેલ મીટીંગમાં સંબોધન કરતા અધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર લાખાવાલા, બાજુમાં કલેકટર શ્રી ડો. વિક્રાંત પાંડે, એડી. કલેકટર શ્રી હર્ષદ વોરા, સભ્ય શ્રી દિનેશભાઈ કારીયા નજરે પડે છે. બીજી તસ્વીરમાં લાખાવાલાનું સ્વાગત કરતા કલેકટરશ્રી જણાય છે

રાજકોટ, તા. ૫ :. આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લાની જાહેર વિતરણ સેવા, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના અમલીકરણ માટે ગુજરાત રાજ્ય અન્ન આયોગની યોજાયેલ સમીક્ષા બેઠકમાં આયોગના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્ર લાખાવાલાએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યુ હતુ કે બી.પી.એલ. સહિત દરેક રેશનકાર્ડ ધારકોને પોતાના હક્કનું અનાજ મળવુ જોઈએ તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દરેક સસ્તા અનાજના દુકાનદારોએ પોતાના હસ્તકના રેશનકાર્ડની સંખ્યા મુજબ અનાજનો જથ્થો રાખવો અને તે મુજબ બહાર બોર્ડ લગાવવું જોઈએ શ્રી લાખાવાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૧૩માં લોકસભામાં ફુડ એકટ પસાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગત વર્ષે રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય અન્ન આયોગની રચના કરેલ છે. 'રાઈટ ટુ ફુડ' અને 'ફુડ ફોર ઓલ' અન્વયે કોઈપણ નાગરીક ભૂખ્યો સૂઈ ન જાય તો માટે એકટ પસાર કરાયેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા કાયદાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાઈ છે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે રેશનકાર્ડ ધારકોનું મેપીંગ કરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આ યોજનામાં આવરી લઈને એ મુજબ લાભાર્થીઓને સરકારશ્રીની જોગવાઈ મુજબ નિયત થયેલ રાશન એટલે કે ઘઉં, ચોખા, દર માસે નિયત કરેલા ભાવે નિયમીત વિતરણ કરવામાં આવે છે.

શ્રી લાખાવાલાએ આ તકે જાન્યુઆરી ૧૮ અંતિત દરેક રાશનકાર્ડ ધારકોને આધારકાર્ડ સાથે લીંકઅપની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યુ હતું. આ બેઠકમાં તેમણે વિવિધ યોજનાઓનું અમલીકરણ અસરકારક થાય તે માટે લાભાર્થી/લોકોને જાહેર વિતરણ વ્યવસ્થાના સંદર્ભે કોઈ ફરીયાદ કરવાની હોય તો સસ્તા અનાજની દુકાન બહાર ફરીયાદ અંગેનું બોર્ડ રાખવા, મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સ્થળે અને આંગણવાડી કેન્દ્રના સ્થળે જરૂરી ફોન નંબર સહિત ફરીયાદ અંગેનું બોર્ડ રાખવા સૂચના આપવામાં આવી હતી. સસ્તા અનાજની બંધ પડેલ દુકાનોની જગ્યાએ નવી દુકાનો શરૂ કરવાની કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યુ હતું.

દરમિયાન આ બેઠકમાં આણંદની અમુલ ડેરી અને રાજકોટની ડેરી સાથે જે એમઓયુ થયા છે તે આગળ ધપાવી, મધ્યાહન ભોજન અને આંગણવાડીના તમામ બાળકોને પ્રોટીનયુકત દૂધ મળી રહે તથા મભોયો કેન્દ્રોમાં બાળકો એટલી ડીશ રાખવા પણ મેમ્બર શ્રી દિનેશભાઈ કારીયાએ ખાસ સૂચન કર્યુ હતું. આ બાબતે સરકાર દ્વારા તાકિદો ડીશો વસાવી લેવા અંગે નિર્ણય લેવાયો હતો.

આ બેઠકમાં જિલ્લાની જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનું અમલીકરણ, મધ્યાહન ભોજન યોજના, સંકલીત બાળ વિકાસ યોજના વિગેરેના અમલીકરણ બાબતની સમિક્ષા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડથી ૯૦ ટકા લીંકઅપની કામગીરી પૂર્ણ થયેલ છે. મા અન્નપૂર્ણ યોજના અંતર્ગત ૧૪૬૪૦ પરિવારોના ૩.૧૪ લાખ વ્યકિતઓને આવરી લેવામાં આવેલ છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૭૫૪ સસ્તા અનાજની દુકાનો છે. જિલ્લામાં કુલ ૮૯૪ મધ્યાહન ભોજન કેન્દ્રો છે. જેમાં ૭૧.૮૦ ટકા બાળકો મધ્યાહન ભોજન યોજનાનો લાભ મેળવે છે. જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ૧૩૭૩ જેટલા છે.

આ બેઠકમાં આયોગના ડાયરેકટર દિનેશભાઈ કારીયા, આયોગના રાજ્યના સચિવ એમ.એન. નરમાવાલા જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા, જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોશી, નાયબ કલેકટર એચ.કે. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ખરાડી, તાલુકા અને સંકલિત બાળ વિકાસ અધિકારીઓ, મામલતદારો, નાયબ મામલતદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:33 pm IST)