Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

માતાની હત્યા કરનાર પ્રોફેસર હજુ સારવાર હેઠળઃ સાહેદોના નિવેદનો નોંધતી પોલીસ

સંદિપ નથવાણીને પોલીસે નજરકેદ કર્યોઃ રજા અપાતાં થશે ધરપકડ

રાજકોટ તા. ૫: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં અને બી. કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં સંદિપ વિનોદભાઇ નથવાણીએ પોતાના વૃધ્ધ-બિમાર અને અશકત માતા જયશ્રીબેન (ઉ.૬૪)ને ૨૭/૯/૧૭ના રોજ એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ધક્કો મારી પતાવી દીધાનો પર્દાફાશ થતાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જો કે આરોપી પ્રો. નથવાણી છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હોઇ તેના પર પોલીસ પહેરો મુકી દેવાયો છે. તેને રજા અપાયે ધરપકડ થશે. બીજી તરફ પોલીસે ઘટનામાં સાહેદોના નિવેદનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

૨૭મીએ ઘટના બની ત્યારે સંદિપ નથવાણીએ અશકત માતા જયશ્રીબેન બિમાર હોઇ અગાસી પરથી અકસ્માતે પડી ગયાની વાત પોલીસ સમક્ષ કરી હતી. પરંતુ એક નનામી અરજીને આધારે પોલીસે તપાસ કરતાં એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજે આ ઘટના આકસ્મિક મોત કે આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું સ્પષ્ટ થયું હતું. બ્રેઇન હેમરેજના ઓપરેશન માટે જામનગરથી રાજકોટ પોતાના ઘરે આવેલા માતા બહુ કચકચ કરતાં હોઇ અને તેના કારણે ઘરમાં સતત ઝઘડા થતાં હોવાથી કંટાળીને તેને ધક્કો દઇ દીધાનું પ્રોફેસરે પોલીસ અધિકારી સમક્ષ કબુલી લીધુ હતું.

જો કે તે છાતીના દુઃખાવાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થઇ ગયો હોઇ હજુ ધરપકડ થઇ શકી નથી. પોલીસે હાલ વિશેષ પુરાવા એકઠા કરવા અને સાહેદોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સંદિપને રજા અપાતા જ તેની ધરપકડ થશે. પી.આઇ. જી. બી. બાંભણીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(12:42 pm IST)