Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

હેલ્મેટ મુકિતનો જશ્ન મનાવતુ રાજકોટઃ સૌના હૈયા હળવા

વાહનચાલકોને મોટી રાહત થઇઃ રોજેરોજની કડાકૂટ અને હૈયાહોળીનો હવે અંત : ચેમ્બર ઓફ કોમર્સના વી.પી.વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ મહીલા પ્રમુખ ગાયત્રીબા, પુર્વ ડે.મેયર વિનુ ધવા, જાગૃત નાગરિકોની રજુઆતો સફળ

રાજકોટ તા. ૪ :... રાજય સરકારે ફરજીયાત હેલ્મેટનો કાયદો હળવો કરી શહેરી વિસ્તારમાં 'હેલ્મેટ મુકિતનો' નિર્ણય કર્યો છે. તેનાથી રાજકોટ શહેરમાં જશ્નનો માહોલ સર્જાયો છે.  ઠેરઠેર લોકોએ આતશબાજી અને મીઠાઇઓ વહેચી આ નિર્ણયને આવકાર્યો છે. સાથો સાથ હેલ્મેટની પીડામાંથી મુકિત મળતાં હળવાશ પણ અનુભવી હતી.

હેલ્મેટ મુકિતને  શહેરનાં સામાજીક - રાજકીય આગેવાનોએ ઉમળકાભેર આવકારી છે.

વી. પી. વૈષ્ણવ

રાજકોટ : ચેમ્બર ઓફ કોમર્સનાં શ્રી વી. પી. વૈષ્ણવે સરકારમાં આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે 'કેન્દ્ર સરકારે ટ્રાફિકનો કડક કાયદો ઘડયો છે. જેને હળવો બનાવવા  રાજય સરકારે પ્રયાસ કરેલ. તેમ છતાં શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટનો કાયદો લોકો માટે ખરેખર પીડાદાયક હતો તેનો વિરોધ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય વેપારી એસોસી. ને સાથે રાખી. ગુજરાત સરકારમાં રજૂઆતો કરી હતી. દરમિયાન રાજય સરકારે આજે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મુકિત જાહેર કરી છે તે ખરેખર સીનીયર સીટીઝનો, બાળકો, મહીલાઓની પીડા દુર કરતો નિર્ણય છે. ચેમ્બર ઓફ કોમર્સ તેને આવકારે છે. હેલ્મેટ મુકિતની જરૂર હતી. '

પુર્વ કોર્પોરેટર રાજૂ ચાવડીયા

કોંગ્રેસનાં પૂર્વ કોર્પોરેટર રાજૂભાઇ ચાવડીયાએ પણ હેલ્મેટ મૂકિતનાં નિર્ણયને આવકારી જણાવ્યું છે કે, 'સરકારે શહેરીજનોને હેલ્મેટમાંથી મુકિત અપાવી. લોકોની પીડા દુર કરી છે.'

સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યોઃ મહેશ રાજપૂત

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે 'હેલ્મેટ મૂકિતનો' નિર્ણય લેવામાં સરકારે જબરો વિલંબ કર્યાનું આતકે જણાવેલ.

શ્રી રાજપૂતે કહ્યું હતું કે, ભાજપ સરકાર લોકો સાથે ગમે તેવા નિર્ણયો ઠોકી બેસાડે છે. અને જયાં સુધી લોકો આંદોલન ન કરે ત્યાં સુધી સરકાર જાગતી નથી.

કોંગ્રેસનાં આંદોલનને જે રીતે લોકોએ અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. તે રીતે હજુ પણ લોકો સરકારનાં દરેક ખોટા નિર્ણયો સામે આવી અને લડત કરે તેવી અપીલ શ્રી રાજપૂતે આ તકે કરી છે.

આરટીઓ સામે મહીલાઓના આંદોલનની જીતઃ ગાયત્રીબા

પ્રદેશ મહીલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આ તકે જણાવ્યું છે કે રાજકોટની આરટીઓ કચેરીમાં મહીલાઓએ 'તપેલી' પહેરીને હેલ્મેટનો વિરોધ દર્શાવવાનો કાર્યક્રમ આપ્યો હતો.   ત્યારે 'હેલ્મેટ મુકિતનો' નિર્ણય ખરેખર 'મહીલા શકિત'ની જીત સમાન છે.

લોકોનાં વિરોધ સામે સરકાર ઝૂકીઃ ઇન્દ્રનીલ રાજયગુરૂ

હેલ્મેટ મુકિત માટે જન આંદોલનની સૌ પ્રથમ પહેલ કરી કોઇપણ જાતનાં રાજકિય કાર્યક્રમ વગર માત્રને માત્ર લોકોને સાથે રાખી હેલ્મેટનો વિરોધ કરનાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ સરકારનાં આ નિર્ણય અંગે પ્રત્યાઘાતો આપતા જણાવ્યુ હતું કે લોકશાહીમાં  તાનાશાહી પ્રકારનાં આ નિર્ણયનો લોકોએ જબ્બર વિરોધ કર્યો અને અંતે સરકારે લોકો સામે ઝૂંકવુ પડયુ છે ત્યારે આ નિર્ણય ખરેખર ગુજરાતનાં દરેક નાગરીકોના વિરોધના વિજય સમાન છે.

(3:35 pm IST)