Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રવિવારે સ્કૂટર રેલી : મા ઉમિયાનો જયઘોષ ગૂંજશે

ઉંઝામાં મા ઉમિયાજીનો લક્ષચંડી મહાયજ્ઞ : કડવા પાટીદાર સંસ્થાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહઃ બહેનો લાલ સાડીમા અને ભાઈઓ ઝભ્ભામાં સજ્જ રેલીમાં જોડાશે : સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી સ્કૂટર રેલીનું પ્રસ્થાન, પાટીદાર ચોકમાં સમાપન : વિવિધ સ્થળોએ સ્વાગત થશે : તૈયારીઓને અપાતો આખરી ઓપ

રાજકોટ, તા. ૪ : આગામી રવિવાર તા.૮મી ડીસેમ્બરે સવારે રાજકોટ શહેરના રાજમાર્ગો કડવા પાટીદાર યુવક-યુવતીઓના બુલંદ સ્વરમાં થનારા કુળદેવી માં ઉમિયાના જયઘોષથી ગુંજી ઉઠશે.લાલ સાડીમાં સજ્જ મહિલાઓ, ઝભ્ભાથી સજ્જ યુવાનો, કપાળમાં માં ઉમિયાના આશિષનું તિલક અને હાથમાં માં ઉમિયાના લક્ષચંડી યજ્ઞના દર્શને ઊંઝા આવવાનું કુળદેવીના નિમંત્રણ સ્વરૂપ ધજા સાથે જયારે સેકડોની સંખ્યામાં યુવકો અને યુવતીઓ પોતાના સ્કુટર પર માતાજીનો જયઘોષ બોલાવતા નીકળશે ત્યારે શહેરનું પ્રભાત અનેરા ધર્મોલ્લાસથી તરબતર થઇ જશે.

ઊંઝા ખાતે બિરાજતા કુળદેવીના પાવન ચરણોમાં આગામી તા.૧૮ થી ૨૨ ડીસેમ્બર દરમિયાન લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. આ તવારીખી ધર્મ-મિલનમાં સામેલ થઇ કુળદેવીના આશિષ લેવા પહોચવાનો સંદેશો રાજકોટમાં વસતા કડવા પાટીદારના ઘર સુધી પહોચાડવા શ્રી પટેલ સેવા સમાજના નેજા હેઠળ યુવા તેમજ પ્રમુખ શ્રી અરવિંદભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ)ના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સ્કુટર રેલીનું આગામી તા.૦૮મી ડિસેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટમાં વિવિધ કડવા પાટીદાર સંગઠનો અનેક સેવાકીય પ્રવૃત્ત્િ। કરી રહી છે. આ તમામ સંગઠનોના સક્રિય સહયોગથી યોજાનારી આ રેલી એક તરફ ધાર્મિક અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરશે તો બીજી તરફ સામાજિક સંગઠન શકિતને વધુ સુદ્રઢ બનાવનારી પણ બની રહેશે એવો દ્રષ્ટિકોણ શ્રી અરવિંદભાઈ કણસાગરાએ વ્યકત કર્યો હતો.

શ્રી પટેલ સેવા સમાજ - રાજકોટ સંગઠન સમિતિના ચેરમેન મનીષ ચાંગેલાએ જણાવ્યુ હતું કે રવિવારે સવારે આઠ વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કુળદેવીની મહાઆરતી કરી રેલીનું પ્રસ્થાન થશે. તમામ મહિલા અને યુવતિ માટે લાલ સાડી - કુર્તિ અને યુવાનો માટે ઝભ્ભાનો ડ્રેસ કોડ નક્કી કરાયો છે. ઉપરાંત વિવિધ સમાજ અને રાજકીય પક્ષો દ્વારા માં ઉમિયાનું સ્વાગત કરવામાં આવશે.સામાજિક નિયમો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૌને ખાસ તાકીદ કરવામાં આવી છે. રેલીમાં તમામ સ્કુટર ચાલકોએ હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનાવાયું છે.પ્રસ્થાન બાદ માતાજીના બુલંદ જયઘોષ અને રેલીમાં ભવ્ય રીતે શણગારેલા માં ઉમિયાના રથ સાથે સ્કુટર રેલી જયારે બપોરે પાટીદાર ચોક પહોચશે ત્યારે પણ ભવ્ય મહાઆરતી થશે.

માતાજીના રથ સાથે સ્કુટર રેલીની રૂટ :

સવારે ૮ વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી પ્રસ્થાન, અંબિકા ટાઉનશીપ,વસંતવાટિકા, બાપા સીતારામ ચોક , ઉમિયા ચોક, મવડી ચોકડી, નાના મવા સર્કલ, સુર્યમુખી હનુમાન, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ , કિંગ્ઝ હાઈટસ, અમીન માર્ગ, બીગ બજાર, મારૂતિ ચોક, કાલાવડ રોડ (આત્મીય કોલેજ), પુષ્કરધામ , યુનિવર્સીટી રોડ, ઇન્દિરા સર્કલ, કોહીનુર એપાર્ટમેન્ટ, રવિરત્ન પાર્ક ચોક, ધુલેશીયા હોસ્ટેલ ,સાધુ વાસવાણી રોડ, જનકપુરી - પાટીદાર ચોક ખાતે સમાપન.

રેલી દરમિયાન વિશેષ સ્વાગત :

અંબિકા ટાઉનશીપ , ઉમિયા ચોક, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, મારૂતિ ચોક, પુષ્કરધામ, ઇન્દિરા સર્કલ, રવિરત્ન ચોક અને જનકપુરી ખાતે વિશેષ સ્વાગતનો કાર્યક્રમ યોજાશે.

ઉપરોકત તસ્વીરમાં પાટીદાર આગેવાનો સર્વે શ્રી મનીષભાઈ ચાંગેલા (મો.૯૮૨૫૨ ૯૫૧૩૩), કિશોરભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરીયા, ઈશ્વરભાઈ વાછાણી, કાન્તીભાઈ મકાતી, જગદીશભાઈ પરસાણીયા, રમેશભાઈ ઘોડાસરા, રમેશભાઈ વરાસડા, મગનભાઈ વાછાણી, રસિકભાઈ કાવઠીયા, વિશાલ વાછાણી, જયેશ ત્રાંબડીયા, સંજય ખીરસરીયા , રીતેષ ધરસંડીયા, વિજય ગોધાણી, હરેશ પાડલીયા, ડેનીશ કાલરીયા, કૌશિક ગોવાણી, પ્રફુલ શેખાત, પિયુષ સીતાપરા, રાજુ જીવાણી, નરેન્દ્ર ડઢાણીયા, રામભાઈ બેરા, વિજયભાઈ પાડલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

ઉમિયાધામ-ઊંઝા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞમાં એકત્ર થનાર સમાજ ભંડોળમાંથી અમદાવાદ પૂર્વ-પશ્ચિમ અને અંબાજી એમ ૩ પ્રોજેકટોની કામગીરી હાથ ધરાશે

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા. ૧૮ થી ૨૨ ડીસેમ્બરના રોજ યોજાનાર છે. જેમાં ઔદ્યોગિક અને કૃષિ સહિતના વિશાળ ડોમ, ભોજનાલય, યજ્ઞશાળા, ઉતારા સહિતની વ્યવસ્થાનું નિર્માણ કરેલ છે. પરંતુ પાટીદાર સમાજના ઉત્થાન માટે સમાજનું વિશાળ ભંડોળ એકત્ર સમાજમાંથી કરીને અમદાવાદ ઉમિયા કેમ્પસ (પશ્ચિમ) અને અમદાવાદ પૂર્વમાં નવી ૧૦ થી ૧૨ વિઘા જમીન અને અંબાજી ખાતે બીજુ વિશાળ અતિથિભવન નિર્માણ થનાર છે. તેમ શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખ અને ઉમિયાધામ ઊંઝાના કારોબારી સદસ્ય શ્રી અરવિંદભાઇ પટેલે જણાવેલ છે.

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં સમાજ દ્વારા એકત્ર થનાર ફંડ સમાજના સામાજીક, શૈક્ષણિક અને આરોગ્ય વિકાસ કાર્યોમાં વાપરવામાં આવનાર છે. જેમાં અંબાજી ખાતે ઉમિયા અતિથિ ભવનમાં રૂમ. છ કરોડના ખર્ચે ૬૪ રૂમ સાથેનું નવું બીજુ અતિથિ ભવન ભોજનાલય સાથે આધુનિક ઢબનું બનાવવામાં આવશે. જયારે ગુજરાતનું માંન્ચેસ્ટર એટલે કે અમદાવાદ માં ઉમિયા પરિવારના અંદાજે ૩ લાખ પરિવાર હાલ વસવાટ કરે છે. ત્યારે સમગ્ર સમાજ ના ઉત્થાન માટે રૂ. ૪૫ કરોડના ખર્ચે ૨૨ વિધા જમીન ઉમિયા કેમ્પસ સોલા માં વિશાળ અતિથિ ભવન, ૫૦૦ દિકરા અને ૫૦૦ દિકરીઓ માટે વિશાળ છાત્રાલય, સ્પર્ધાત્મક પરિક્ષા કેન્દ્ર, પાર્ટીપ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય  સહિતની સગવડતા ઉભી કરવામાં આવશે. ઉપરાંત અમદાવદના પૂર્વ ભાગમાં ૧૦ થી ૧૨ વિઘા જમીન ખરીદીને સમાજની ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક સહિતની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. તેમ મનિષ ચાંગેલાએ અંતમાં જણાવેલ છે.

(11:55 am IST)