Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

તમે ગુંડાગીરી અને લુખ્ખાગીરીને પ્રોત્સાહિત કરી લોકશાહીમાં ન શોભે તેમ ચૂંટણી જીતવા ઈચ્છો છો?

ઈન્દ્રનીલભાઈનો વિજયભાઈને વેધક સવાલ

રાજકોટ, તા. ૪ : શહેરના રૈયા રોડ ઉપર કનૈયા ચોકમાં ગત શનિવારે રાત્રીના ઈન્દ્રનીલ રાજયગુરૂના ભાઈ દિવ્યનીલ રાજયગુરૂ ઉપર બેનર મુદ્દે થયેલ બબાલ મામલે ગઈકાલે બપોરે કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ પ્રેસ કોન્ફરન્સમાં વિજયભાઈ રૂપાણીને વેધક સવાલ પૂછતા કહ્યુ કે તમે ગુંડાગીરી અને લુખ્ખાગીરીને પ્રોત્સાહિત કરી લોકશાહીમાં ન શોભે તેમ ચૂંટણી જીતવા ઈચ્છો છો? મારા પર બળપ્રયોગ થકી અવાજ દબાવવા પ્રયત્ન કરવામાં આવે છે અને હું એમ કહેવા માગુ છું કે, મારો અવાજ  દબાશે તો શહેર આખાનો અવાજ દબાશે.

મારા પર હુમલાની ઘટના બાદ ગુંડાગીરી કરવાના બદલે એક એમએલએ હોવાના નાતે મુખ્યમંત્રીનું ઘર નજીક હોવાથી હું અને મારા કાર્યકરો વિજયભાઈના ઘર પાસે ધરણા કરવા ગયા હતા ત્યારે નીતિનભાઈ ભારદ્વાજ અને કમલેશભાઈ મિરાણીના ઈશારે પોલીસ તંત્ર દ્વારા મારા ઉપર મારામારી શરૂ કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી હું ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. તેનો ભોગ હું પણ બન્યો હતો.

ઈન્દ્રનીલભાઈએ વધુમાં જણાવ્યુ કે, હું અને મારા કાર્યકરો શાંતિથી વિજયભાઈના ઘરે રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ભાજપના આગેવાનોના ઈશારે મારા પર પોલીસ તંત્ર દ્વારા બળજબરીથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ તકે મિતુલ દોંગા, ડો. જીજ્ઞેશ ચોવટીયા, મહેશ રાજપૂત, જીતુ ભટ્ટ અને જયપાલ રાઠોડ સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(5:22 pm IST)