Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

'સ્વચ્છતા એપ'માં રાજકોટની પા...પા... પગલી : ૩૫માં ક્રમે

હજુ વધુ 'સ્વચ્છતાં એપ' ડાઉનલોડ કરી રાજકોટને અગ્રતા ક્રમ અપાવો : 'સ્વચ્છતા એપ'થી ગંદકીની ફરિયાદ નોંધાવવાં મ્યુ.કમિ. બંછાનિધીની અપીલ

રાજકોટ તા.૪ : સ્વછતા એપ(Swachhata-MoHUA) ડાઉનલોડ, ફરિયાદ અપલોડ અને ફીડબેક અંગેના રેટિંગ્સમાં રાજકોટ શહેરના પરફોર્મન્સમાં સુધારો નોંધાયો છે અને આજે રાજકોટ શહેર ચાર દિવસ પહેલાના ૪૯ માં ક્રમેથી આજે ૩૫ માં ક્રમે પહોંચ્યું છે. જોકે આ રેટિંગ રંગીલા રાજકોટ માટે સંતોષકારક નથી. રાજકોટ મહાનગરપાલિકા અને સૌ રાજકોટવાસીઓએ સાથે મળીને આ બાબતમાં હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. જેમાં વહીવટી તંત્ર અને નાગરિકો એકબીજાને સહયોગ આપશે તો શહેરના રેટિંગમાં ચોક્કસપણે નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવો વિશ્વાસ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વ્યકત કર્યો હતો.

આ વિષયમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરની જાહેર જનતા જોગ એક અપીલ કરતા એમ કહ્યું હતું કે, સ્વછતાની બાબતમાં લોકો વધુ ને વધુ જાગૃત થાય અને ગંદકી કચરો અંગેની ફરિયાદ નોંધાવવાની બાબતમાં થયેલા ટેકનોલોજિકલ આવિષ્કારનો તેઓ મહત્ત્।મ લાભ ઉઠાવે તે આજના સમયની માંગ છે. આ માટે 'સ્વછતા એપ' (Swachhata-MoHUA ) ખુબ જ ઉપયોગી પૂરવાર થાય છે. લોકો પોતાના મોબાઈલ ફોનમાં 'પ્લે સ્ટોર'માં જઈને 'સ્વછતા એપ' ડાઉનલોડ કર્યા બાદ શહેરમાં જો કયાંય કચરો કે ગંદકી દેખાય તો તેનો ફોટો પાડી આ એપમાં ઉપલોડ કરી શકે છે અને મહાનગરપાલિકા ૨૪ થી ૪૮ કલાકમાંઙ્ગ આ ફરિયાદનો નિકાલ કરે છે. ઉપલોડ કરાયેલી ફરિયાદનો નિકાલ થયા બાદ લોકો મહાનગરપાલિકાના કાર્ય બાબતે સારો ફીડબેક પણ આપે તે જરૂરી છે. લોકોએ આ તમામ પ્રક્રિયા તેમના મોબાઈલ ફોન મારફત જ કરવાની થાય છે.

સ્વચ્છતાની બાબતે દેશના શહેરોને નેશનલ સિટી રેન્કિંગમાં રાજકોટ શહેરને ૭મો ક્રમ પ્રાપ્ત થયો હતો. આ રેન્કિંગમાં આ વર્ષે વધુ સુધારો કરવા અને રાજકોટને નંબર વન શહેર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના સાથ સહયોગ સાથે સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાનો આશય માત્ર રાજકોટને પ્રથમ નંબર અપાવવાનો જ નથી પરંતુ શહેર સતત સ્વચ્છ અને સુંદર બની રહે તે છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરીજનોનો સહકાર પ્રાપ્ત થતો રહેશે તો રાજકોટ ખુબ જ ઝડપથી દેશનું સૌથી સ્વચ્છ શહેર બની શકે છે. મ્યુનિ. કમિશનરશ્રીએ તમામ મોબાઈલધારકોને 'સ્વચ્છતા એપ' ડાઉનલોડ કરવા અપીલ કરી એવો અનુરોધ પણ કર્યો હતો કે, તેઓ 'સ્વચ્છતા એપ' ડાઉનલોડ કરે, કચરા અંગે ફરિયાદ કરે અને તેનો નિકાલ આવ્યા બાદ સારો ફીડબેક (પ્રતિભાવ) પણ આપે.

(5:03 pm IST)