Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ચૂંટણીમાં જાતીવાદને હરાવજો...સાચાને ચૂંટી કાઢજોઃ નેહા મહેતા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અંજલી ભાભી બન્યા 'અકિલા'ના અતિથીઃ જેતપુરમાં ભાજપનો ચૂંટણી પ્રચાર : નેહાનો યુવા મતદારો જોગ ખાસ સંદેશઃ કોને ચૂંટી કાઢવા એ ન સમજાય તો વડિલોના મંતવ્યો મેળવજો, મનોમંથન કરજોઃ ઇશ્વર અલ્લાહ તેરો નામ...સબકો સન્મતી દે ભગવાન : નરેન્દ્ર મોદી અને ભાજપ સખત મહેનત કરી રહ્યા છે...તેઓ કહે છે અમારા પર વિશ્વાસ રાખો, અમે વિશ્વાસ પુરો પાડવા સક્ષમ છીએ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં અંજલી ભાભીનો રોલ નિભાવતી ગુજરાતી અભિનેત્રી નેહા મહેતા હાલમાં ભાજપના પ્રચાર માટે જેતપુર આવ્યા છે. આજે બપોરે તે 'અકિલા'ના અતિથી બન્યા હતાં અને મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા પત્રકાર ભાવેશ કુકડીયા સાથે ચૂંટણી અને ટીવી સિરીયલ બાબતે રસપ્રદ વાતો કરી હતી અને સવાલોના એક એકથી ચઢીયાતા જવાબો આપ્યા હતાં. આ તકે અકિલા ન્યુઝ ડોટ કોમના એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રાની સુપુત્રીઓ ચિ. માહી અને ચિ. ધન્વીએ પણ નેહા મહેતા સાથે વાતો કરી હતી. પ્રથમ તસ્વીરમાં માહી-ધન્વી સાથે મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને વચ્ચે નેહા મહેતા ખુશખુશાલ મુદ્દામાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં 'અકિલા'ના મશીન વિભાગમાં મુલાકાત લઇ 'અકિલા'નો આજનો અંક નિહાળતા નેહા મહેતા સાથે ભાજપના આગેવાન ભૂપત બોદર જોઇ શકાય છે. અન્ય તસ્વીરો નેહા મહેતાની લાક્ષણીક અદાઓમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: 'આ ચૂંટણીમાં જાતીવાદને હરાવજો અને સાચ્ચા હોય તેને મત આપજો...દેશને કંઇક આપવાની, દેશ વાસીઓ માટે કંઇક કરી છુટવાની નરેન્દ્ર મોદી અને ભાજપ પાસે ભરપુર ક્ષમતા છે. ચૂંટણીમાં કોને મત આપવો એ કદાચ આજના યુવાનો હાલના માહોલમાં સમજી ન શકે તો

તેમણે પોતાના વડિલો પાસેથી માર્ગદર્શન મેળવવું જોઇએ અને સંજોગો, પરિસ્થિતીઓનું મનોમંથન કરવું જોઇએ...જાતીવાદનેહરાવીજો...ન.મો. એટલે પાવર...'આ શબ્દો છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં અંજલી ભાભીનું પાત્ર ભજવી રહેલા મુળ ભાવનગરના અભિનત્રી નેહા મહેતાના. નેહા મહેતા ભાજપના જેતપુરના ભાજપના ઉમેદવાર જયેશ વિઠ્ઠલભાઇ રાદડીયાના પ્રચાર માટે આવ્યા છે. સાંજે ચારથી નવ સુધી નેહા મહેતા જેતપુરમાં ભાજપનો પ્રચાર કરશે.

આજે નેહા મહેતા 'અકિલા'ના અતિથી બન્યા હતાં અને ચૂંટણી તેમજ સુપ્રસિધ્ધ સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લગતી વાતો કરી હતી. નેહા મહેતા સાથે ભાજપના આગેવાન ભૂપત બોદર તથા ભાવેશભાઇ પોપટ પણ સાથે રહ્યા હતાં. નેહા મહેતાએ 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની ગોષ્ઠીમાં જણાવ્યું હતું કે ગમે તેટલા મોટા ધૂરંધરો હોય આમ છતાં મારા જેવા યુવા કલાકાર તમને સ્પષ્ટ કહી શકશે કે ભારત દેશ સોનાની ચિડીયા તરીકે ઓળખાય છે અને એ ઓળખાતો જ રહેશે....બસ જરૂર છે તો જાતીવાદને હટાવી દેવાની. તમારે સોૈથી પહેલા તમારા દેશને પ્રેમ કરવો જોઇએ. આ બાબતે હું સ્પષ્ટ છું અને જો પિતા સાથે પણ મારે આ અંગે ચડભડ થાય તો હું તેમની સામે દલિલ કરી લઉ છું.

નેહા મહેતાએ કહ્યું હતું કે ભાજપ ચોક્કસ આવશે. જે ભારતીય જનતા છે તેને નેહા મહેતા અને નરેન્દ્ર મોદીનો પુરતો સપોર્ટ છે. ભાજપનો પ્રયાર કરવા આવી છું એટલે હું સારા વ્યકિતનો જ પ્રચાર કરીશ. જે લોકોએ પોતાનું પરિણામ પુરવાર કર્યુછે તેમને આગળ વધવાની વધુ તક આપજો. કારણ કે દેશની રક્ષા કરવાની છે, શાક લેવા નથી જવાનું. નેહા મહેતાએ કહ્યું હતું કે રાજકોટ રંગીલું શહેર છે અને અહિના લોકો પણ ખુબ જ સરસ છે. આશીત મોદીની ખુબ જ મહેનતથી જો અમારો શો દસ વર્ષ સુધી સતત સફળ રીતે ચાલતો હોય તો આપણે બધા ભેગા થઇને સાચ્ચા મંત્રીની નીમીએ અને સાચા હક્કદારને આપણો પ્રતિનિધી બનાવીએ તો દેશ ખુબ સારો ચાલશે.

નેહાએ કહ્યું હતું કે નરેન્દ્ર ભાઇ મોદીને બધા જ ચાહે છે, એ સાશન કરતાં રહે તેવો આગ્રહ જનતા રાખે છે તેની પાછળ ઘણા પરિબરળો છે. કેટલા બધા દિગ્ગજોએ તેમના વિશે દાખલા આપ્યા છે. હું મારા તરફથી કહું તો તેમને હું નાનપણથી તેમને જોતી આવી છું. તેમનું અલગ વ્યકિતત્વ છે જે સતત આકર્ષે છે. પરિવાર એને કહેવાય જે બીજાને સુધારે. ન.મો. હેઝ ધ પાવર...એટલે ન.મો. પાસે પાવર છે. ભારતની જનતા આપણી પાર્ટી છે. એક દેશ એક પ્રજા.

નેહાએ યુવા મતદારોને સંદેશો આપતા જણાવ્યું હતું કે જનસમુદાયમાં અનેક લોકો હોય છે. મંતવ્યો ઘણા સામે આવશે. વડિલો, અનુભવીઓ કોઇ તારણ કાઢે તો તેને સમજીને આચરણમાં લેજો. કારણ કે પોતાનું બોલશે, બધા પોતાનું વ્યકિતત્વ સામે મુકશે એ સમય ચાલી રહ્યો છે.  પરંતુ એ પછીનો જો સમય મનોમંથન માટે હોય તેમાં તમારા ભવિષ્યને, તમારા પરામાં, તમારા શહેરમાં, તમારા દેશમાં તમે ગર્વ સાથે રહી શકો તેવા વ્યકિતને મત આપજો.     નેહાએ આગળ કહ્યું હતું કે માતા-પિતાના આશીર્વાદને કારણે હું અગાઉ કયાંય પ્રવચન કર્યા વગર જ સતત સારું બોલી શકુ છું અને મારા ફિલ્ડમાં આગળ વધી રહી છું.

નેહાએ કહ્યું હતું કે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે કોઇપણ નબળા નેગેટીવ પરિબળો આવે એ તેમને કદી નડશે નહિ. ભાજપ અને નરેન્દ્રભાઇ મોદી એક જ મહેનત કરી રહ્યા છે અને વાત કરી રહ્યા છે કે અમે છીએ, અમે તમને સમજીએ છીએ અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો, અમે તેને પુરો પાડીએ તેવા સક્ષમ છીએ.

નેહા આજે સાંજે ચારથી રાત્રીના નવ સુધી જેતપુરમાં જુદા-જુદા સ્થળોએ ભાજપ ઉમેદવાર જયેશ રાદડીયા માટે પ્રચારના કાર્યક્રમોમાં હાજર રહી મતદારોને સંબોધશે.

ધન્વી (ફુલી)એ નેહાને પુછ્યું-પોપટલાલના લગ્ન થશે કે નહિ?

.અકિલાન્યુઝ ડોટ કોમના એડિટર નિમીષભાઇ ગણાત્રાના દિકરી ધન્વીએ પણ નેહા મહેતાને સવાલ પુછ્યો હતો કે પોપટલાલના લગ્ન થશે કે કેમ? આ સવાલનો જવાબ આપતા નેહાએ કહ્યું હતું કે પોપટલાલના લગ્ન તો થશે જ. પણ આગળનો જવાબ આશીત સર આપશે. પણ પોપટલાલના એવા પત્નિ અમે ઇચ્છીએ છીએ કે એકદમ સ્વદેશી, ગુણીયલ અને કોઇ ભેદભાવ ન કરે તેવી તથા ગોકુલધામની અનેકતામાં એકતાની જેમ ભળી જાય તેવી ભાભી અમે ઇચ્છીએ છીએ.

છોકરીઓની ઇચ્છા અનેક હોય...જો લાયકાત અને વડિલોનું માર્ગદર્શન હોય તો દેશને આગળ વધારવા હું રાજકારણના ફિલ્ડમાં આગળ વધીશ

નેહા મહેતા પોતે આગળ જતાં રાજકારણમાં જવાની ઇચ્છા ધરાવે છે કેમ? તે સવાલનો જવાબ નેહાએ અલગ જ અંદાજમાં આપતાં કહ્યું હતું કે-છોકરીઓને કદી ઇચ્છા ન પુછાય, અનેક હોય. જો લાયકાત હોય અને વડિલોની ઇચ્છા હોય તો આપણા દેશને આગળ વધારવાના ફિલ્ડમાં અચુક હું આગળ વધીશ. દરેક ગુજરાતણમાં આવી ઇચ્છા હોય છે અને મારામાં પણ આ ઇચ્છા છે.

આશીત મોદી પાસેથી ઘણું શીખવા મળે છે

આખા પ્રોડકશન હાઉસની અને આશીત સરની ખુબ મહેનત હોય છે. અમારી પાસે ઘણું બધુ સાહિત્ય સિરીયલ માટે આવતું હોય છે. પણ એમાંથી કાંકરાઓ કાઢીને અમે સમગ્ર પરિવાર સાથે બેસીને નિહાળી શકે તેવો શો આપીએ છીએ. હું આશીત પાસેથી ઘણું શીખું છું. મારા પરિવારજનો પણ એમના ખુબ આભારી છે. આશીત મોદી ખુબ જ મહેનતું છે.

સ્વસ્થ રહેવું હોય તો અઠવાડીએ એકવાર કારેલાનો જ્યુસ પીવો યુવાનોએ જંકફૂડનો ત્યાગ કરવો જોઇએ

. તારક મહેતા...શોમાં અંજલી ભાભી એટલે કે નેહા મહેતા બધાને ડાયેટ પ્લાન આપતા રહે છે. તેમણે 'અકિલા'ના વાચકો જોગ સંદેશો આપતા કહ્યું હતું કે જો સ્વસ્થ રહેવું હોય તો અઠવાડીયામાં એકવાર કારેલાનો જ્યુસ અચુક પીજો. ગુજરાતીઓએ અને ખાસ કરીને જંક ફૂડનો ત્યાગ કરવો જોઇએ. વિદેશીઓ આપણી જ પોૈષ્ટીક આઇટમો ખાતા થયા છે અને આપણે ચીપ્સ ખાતા થયા છીએ..ટ્રાય કરો અંજલીભાભીના નુસ્ખા બહુ કામ કરે છે.

સમય આવ્યે રાજકારણમાં પગલા માંડવાની નેહાની ઇચ્છા...કહે છે-નરેન્દ્ર મોદી અને ભાજપમાં ભરપુર ક્ષમતા છે...દેશને એમના તરફથી ફાયદો જ ફાયદો છેઃ ન.મો.નું અદ્દભુત વ્યકિતત્વ

 

(8:00 pm IST)