Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજકોટ ટાઢુબોળઃ હિલ સ્ટેશન જેવો માહોલ

વાવાઝોડાની અસરઃ વાદળીયુ વાતાવરણ-સૌરાષ્ટ્રમાં કયાંક કયાંક ઝરમર વરસાદ : મેટોડા જીઆઇડીસી, સાવરકુંડલા, દિવ, અમરેલી, રાજુલા, પીપાવાવ, રાજકોટમાં વરસાદી છાંટાઃ ઓખી વાવાઝોડાના કરંટરૂપે : સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢુબોળઃ સૂર્યનારાયણના દર્શન થયા નથીઃ ચણા અને કપાસના પાકને નુકશાનઃ ખેડૂતો ભારે ચિંતિત

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટ નજીકના મેટોડા જીઆઈડીસી વિસ્તાર તથા સાવરકુંડલામાં ઝરમર વરસાદ વરસ્યો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળ થઈ ગયા છે અને હિલ સ્ટેશન જેવો માહોલ છવાઈ ગયો છે. મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડક બાદ પવન પણ મંદ ગતિએ ફુંકાઈ રહ્યો છે.

જ્યારે અમરેલી, રાજુલા, પીપાવાવ, ગીરજંગલ તથા રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા અને ઓખી વાવાઝોડાના કરંટરૂપે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાવાઝોડાની અસર શરૂ થઈ હોય તેવુ વાતાવરણ છવાઈ ગયુ છે.

કમોસમી માવઠાના કારણે કપાસ અને ચણાના પાકને નુકશાન થવાની ભીતિ છે. જેથી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

ખીરસરાનો અહેવાલ

ખીરસરાના પ્રતિનિધિ ભીખુપરી ગોસાઈના અહેવાલમાં જણાવાયુ છે કે, મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં આજે બપોરે ઝરમર વરસાદ વરસતા લોકોમાં આશ્ચર્ય છવાઇ ગયુ છે.

ઓખી વાવાઝોડાના કરંટરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે બપોરે ૧૧-૧પ વાગ્યા આસપાસ રાજકોટ કાલાવાડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઇડીસી વિસ્તાર તથા રાતૈયા ગામ અને વડવાજડીમાં ઝરમર છાંટા વરસ્યા હતા.

 આ ઉપરાંત દિવમાંં પણ વરસાદી છાંટા વરસ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

સાવરકુંડલાનો અહેવાલ

સાવરકુંડલાના પ્રતિનિધિ દિપક પાંધીના અહેવાલમાં જણાવાયુ છે કે, સાવરકુંડલામાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું અને સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાતાવરણ ટાઢુબોળ છે. બપોરે ૧૧.૩૦ વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઠંડી સાથે ઝરમર છાંટા વરસ્યા હતા.

ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

અમરેલીનો અહેવાલ

અમરેલીના પ્રતિનિધિ અરવિંદ નિર્મળના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે બપોરના ૧૧ વાગ્યાથી વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયુ છે અને વાતાવરણ ટાઢુબોળ અનુભવાય રહ્યુ હતું. ત્યાર બાદ બપોરે ઝરમર છાંટા વરસ્યા હતા.

(4:15 pm IST)