Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પ્રેમ મંદિર પાસેથી પુનિતનગરના હેમરાજને કારમાં નાંખી કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ ફલેટમાં લઇ જઇ ધોલધપાટ

દેકારો થતાં પડોશીઓ જાગી જતાં તક જોઇ ભાગ્યોઃ જેસીબી-હિટાચી મશીન રિપેરીંગનો ડેલો બંધ થયા બાદ ચાલતાં મનદુઃખમાં પૂર્વ ભાગીદાર અવિનાશ રાઠોડ, પપ્પુ ચોૈહાણ સહિતે પૈસાની લેતીદેતીમાં મારકુટ કર્યાનું મિત્ર હાર્દિક ગોસ્વામીનું કથન

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પુનિતનગર પાછળ શિવાલય બંગ્લોઝ નજીક શનેશ્વર રેસિડેન્સી-૩૩માં રહેતાં અને જેસીબી, હિટાચી મશીન રિપેરીંગનું કામ કરતાંહેમરાજ લક્ષમણભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)ને રાતે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે ઇંડાની લારી નજીક હતો ત્યારે તેના જ પૂર્વ ભાગીદાર-મિત્ર અવિનાશ રાઠોડ, પપ્પુ ચોૈહાણ સહિતે ક્રેટા કારમાં બેસાડી કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ આવેલા ફલેટમાં લઇ જઇ પ્લાસ્ટીકના પાઇપ અને પટ્ટાથી બેફામ માર મારતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

હેમરાજને મુંઢ ઇજાઓ સાથે તેના મિત્ર હાર્દિકભાઇ ઉમેદગીરી ગોસ્વામીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતાં હોસ્પિટલ ચોકીના આર. એલ. સાબડે તાલુકા પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. જેમાં હેમરાજને કારમાં બેસાડી કોસ્મોપ્લેકસ સિનેમા પાછળના ફલેટમાં લઇ જઇ પાઇપ-બેલ્ટથી માર મારવામાં આવ્યાની નોંધ કરાવાઇ હતી.

હેમરાજે રાતે જ હોસ્પિટલમાંથી રજા લીધી હતી. મિત્ર હાર્દિકભાઇના કહેવા મુજબ હેમરાજને અગાઉ મુંજકામાં હીટાચી-જેસીબી મશીન રિપેરીંગનો ડેલો હતો. જેમાં તેનો મિત્ર અવિનાશ રાઠોડ ભાગીદાર હતો. ચારેક મહિના પહેલા ડેલો બંધ થતાં ભાગીદારી છુટી થઇ હતી. એ વખતે કદાચ હિસાબની લેતીદેતી બાકી હશે. હાલમાં હેમરાજે મોંઘો મોબાઇલ ફોન લીધો હોઇ તેની અવિનાશને ખબર પડતાં તેણે મોબાઇલ લેવાના પૈસા છે, અમને દેવાના નથી તેમ કહી માથાકુટ કરી હતી અને ગત રાતે હેમરાજ લવ ટેમ્પલ પાસે હતો ત્યારે અવિનાશ સહિતના ઓચીંતા નીકળતાં જોઇ જતાં તેને કારમાં નાંખી લઇ ગયા હતાં.

મારકુટ વખતે દેકારો થતાં આસપાસના રહેવાસીઓ જાગી જતાં તક જોઇ હેમરાજ ભાગી ગયો હતો અને પોતાને (હાર્દિકભાઇને) બોલાવતાં પોતે ત્યાં ગયેલ અને તેને દવાખાને ખસેડ્યો હતો. તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:06 pm IST)