Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભારત-બાંગ્લાદેશની ટીમોનું આગમનઃ ચાહકોએ કર્યુ અનેરૂ સ્વાગત

ટી-૨૦ના બીજા જંગ માટે તૈયારીનો ધમધમાટઃ ભારત ૧-૦થી પાછળ હોઇ બીજો મેચ જીતવા ખેલાશે ખરાખરીનો ખેલ :ભારતીય ટીમને ફોર્ચ્યુન હોટેલ ખાતે અને બાંગ્લાદેશની ટીમને ઇમ્પિરીયલ પેલેસ હોટેલ ખાતે ઉતારોઃ બંને હોટેલો બહાર પણ ક્રિકેટ પ્રેમીઓના ટોળાઃ ચીચીયારીઓથી સ્ટાર ક્રિકેટરોને વધાવતાં શહેરીજનો

રાજકોટઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શરૂ થયેલી ક્રિકેટ મેચની શ્રુંખલાનો પહેલો ટી-૨૦ મેચ ગઇકાલે નવી દિલ્હીમાં રમાયો હતો. ભારતે અત્યાર સુધીના ઇતિહાસમાં બાંગ્લાદેશ સામે ૮ ટી-૨૦ મેચ રમ્યા હતાં.  આ તમામ મેચ જીત્યા હતાં. પરંતુ ગઇકાલે બાંગ્લાદેશે ભારતને હરાવી દઇ ઇતિહાસ રચ્યો હતો. હવે આ શ્રેણીનો બીજો ટી-૨૦ મેચ ૭મીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ સાથે રમાવાનો છે. ભારત શ્રેણીમાં ૧-૦થી પાછળ હોઇ ખંઢેરીમાં ખરાખરીનો ખેલ ખેલાશે તે નિશ્ચિત છે. બેટીંગ માટે વખણાતા ખંઢેરીના ગ્રાઉન્ડમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલશે. આજે ભારત-બાંગ્લાદેશની ટીમો આજે રાજકોટ આવી પહોંચી હતી. એરપોર્ટ ખાતે બંને ટીમના કેપ્ટન અને ખેલાડીઓની એક ઝલક નિહાળવા ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ખેલાડીઓ એરપોર્ટમાંથી બહાર આવતાં જ ચીચીયારીઓ સાથે ચાહકોએ વધાવી લીધા હતાં. તસ્વીરોમાં ભારતીય ટીમના સુપરસ્ટાર અને હાલમાં ટી-૨૦ સિરીઝની કેપ્ટનસી સંભાળી રહેલા રોહિત શર્મા તથા બીજા સ્ટાર ખેલાડીઓ અને બાંગ્લાદેશના કેપ્ટના મહમદુલ્લા તથા બીજા ખેલાડીઓ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:32 pm IST)