Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

રેલ્વે કોલોનીઓના રીડેવલ્પમેન્ટના નામે ખાનગીકરણનો પ્રયાસઃ વિરોધનો વંટોળ

રાજકોટ સહિત વેસ્ટર્ન રેલ્વેના ૬ શહેરોમાં સ્ટાફ કોલોનીઓનું રીડેવલ્પમેન્ટ કરવાનો નિર્ણયઃ ખાનગી કંપનીઓ કોલોનીને રીડેવલ્પમેન્ટ કરી વધારાની જમીન પર પોતાનુ બાંધકામ કરી કમાણી કરશે !: એરપોર્ટ પછી હવે રેલ્વેમાં પણ ખાનગીકરણનું દૂષણ પેસી જતા યુનિયનો લાલઘુમઃ આજથી 'સેવ રેલ્વે - સેવ નેશન' વિરોધ અભિયાનનો પ્રયાસ

રાજકોટ, તા. ૪ :. દેશના અમદાવાદ સહિત કેટલાક એરપોર્ટનું ખાનગીકરણ કર્યા બાદ સરકારે હવે રેલ્વેમાં પણ મોટાપાયે ખાનગીકરણ શરૂ કર્યુ હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં રેલ્વે દ્વારા ૫૦ સ્ટેશનો, ટ્રેનો વગેરેના ખાનગીકરણનો નિર્ણય લેવાતા જબરો ઉહાપોહ મચી ગયો છે અને આ સામે યુનિયનોએ રેલ્વે સામે વિરોધનો ધોકો પછાડયો છે. રેલ્વે માત્ર સ્ટેશનો, ટ્રેનો જ નહિ પરંતુ રેલ્વેની અનેક કોલોનીઓ પણ રીડેવલ્પમેન્ટના નામે ખાનગી હાથમાં સોંપી રહી હોવાનું પણ બહાર આવતા આ કોલોનીઓમાં રહેતા રેલ્વેના કર્મચારીઓ ફફડી ઉઠયા છે.

રેલ્વે લેન્ડ ડેવલ્પમેન્ટ ઓથોરીટીએ રતલામ, વડોદરા, અમદાવાદ, બીસીટી (મુંબઈ), રાજકોટ અને ભાવનગર ૬ રેલ્વે કોલોનીઓને રીડેવલ્પમેન્ટ હેઠળ વિકસાવવા અંગેના પત્રો જારી કર્યા છે. જેમાં જણાવાયુ છે કે આ કોલોનીઓનું રીડેવલ્પમેન્ટ 'સેલ્ફ સસ્ટેનેબલ મોડેલ' અંતર્ગત કરવામાં આવશે. આ રીડેવલ્પમેન્ટના રૂપા ળા નામ હેઠળ રેલ્વે કોલોનીઓની જમીન ખાનગી હાથોમાં સોંપી દેવા માંગે છે તેવુ સ્પષ્ટ થાય છે. રેલ્વે કોલોનીઓની ખુલ્લી જમીન વેંચી રોકડી કરવા પણ માંગે છે તેવુ આ પત્રથી સ્પષ્ટ રીતે જણાય આવે છે.

રેલ્વેના આ ખાનગીકરણના ગતકડા સામે રેલ્વેના યુનિયને જોરદાર વિરોધ કરવાનું નક્કી કર્યુ છે અને એ અંતર્ગત આજથી 'સેવ રેલ્વે અને સેવ નેશન' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. યુનિયનોનુ કહેવુ છે કે ખાનગીકરણ સામેની આ લડાઈ ઐતિહાસિક બની રહેશે અને જ્યાં સુધી રેલ્વે સુધી પીછેહઠ નહી કરે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. યુનિયનનું કહેવુ છે કે આ લડત માત્ર કર્મચારીઓ પુરતી સીમીત નથી પરંતુ સામાન્ય માણસને સ્પર્શતી હોવાથી લોકસહયોગ પણ મળવાનો છે. ખાનગીકરણ બંધ કરો તેવી અમારી માંગણી છે.

એવુ જાણવા મળે છે કે રેલ્વે દેશના જે ૬ વિસ્તારોમાં કોલોની રીડેવલ્પમેન્ટ કરવા માગે છે તેમા બધુ કામ પ્રાઈવેટ પાર્ટીને સોંપી દેવામાં આવશે. પ્રાઈવેટ કંપની કોલોનીને પોતાના પૈસાથી ડેવલ્પ કરશે અને વધારાના ફલેટનુ નિર્માણ કરી જંગી આવક મેળવી લેશે. તેઓ વધારાની એફએસઆઈનો પણ ઉપયોગ કરશે. રેલ્વેના મોટા ભાગના કવાર્ટરો ચાર માળના છે અને હવે તેમા વધારાની એફએસઆઈ મેળવી વધુ માળ ચણી તેનુ વેચાણ કરવાનો હોવાનું પણ જણાય છે.

રેલ્વેના વર્તુળોનું કહેવુ છે કે રેલ્વે પોતે પણ આ રીડેવલ્પમેન્ટ કાર્ય કરી શકે છે પરંતુ તેણે આ કોલોનીઓ ખાનગી હાથોને સોંપી બે હાથ લૂંટ ચલાવવાનું નક્કી કર્યુ હોય તેવુ લાગે છે. પ્રાઈવેટ કંપનીઓ રેલ્વે કોલોનીના કવાર્ટરનું નિર્માણ કરશે પણ સાથોસાથ ખુલ્લી જમીનનો ઉપયોગ તે વધારાના કવાર્ટર-ફલેટ બનાવી તેનુ વેચાણ કરી મોટાભાગની રકમ પોતે લઈ જશે અને આંશિક ટુકડો રેલ્વેને ધરી દેશે.

આ અંગે સૂત્રોનું કહેવુ છે કે આ પ્રકારનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે અને જમીનની ઓળખ કરી રેલ્વે ડેવલ્પમેન્ટ ઓથોરીટીને સોંપી દેવાશે. આ કવાટર્સમાં રહેતા કર્મચારીઓને વૈકલ્પીક એકોમોડેશન આપવામાં આવશે.

(11:52 am IST)