Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

બૂટલેગર હર્ષદ ઉર્ફ મહાજને પાસામાંથી છૂટતાવેંત ફરી 'ખેપ' મારીઃ ૪.૩૬ લાખના દારૂ સાથે બે પકડાયા

ક્રાઇમ બ્રાંચે રસુલપરામાં દરોડો પાડી યાસીન ઉર્ફ મુન્નો અને જાહિદ બ્લોચને દબોચ્યાઃ દારૂ આપનાર તરીકે હર્ષદ મહાજનનું નામ ખુલ્યું: પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૪: નામનીન બુટલેગરની છાપ ધરાવતાં અને ચાલીસથી વધુ ગુના જેના નામે નોંધાયા છે તે હર્ષદ ઉર્ફ મહાજન માણેકલાલ સોનીને વીસ દિવસ પહેલા જ પાસા તળે જેલમાં ધકેલાયો હતો. પાસામાંથી છુટતાવેંત તેણે ફરીથી દારૂની મોટી ખેપ મારી લીધાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ રસુલપરા-૪માં મસ્જીદવાળી શેરીના ખુણેથી બે શખ્સો યાસીન ઉર્ફ મુન્નો જુસબભાઇ હાલા (ઉ.૩૨-રહે. રસુલપરા-૪) તથા જાહિદ સિદીભાઇ બ્લોચ (ઉ.૫૪-રહે. રસુલપરા-૩, હુશેની ચોક)ને રૂ. ૪,૩૬,૮૦૦ના ૮૪૦ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. પુછતાછમાં આ બંનેએ દારૂ હર્ષદ ઉર્ફ મહાજન સોની (રહે. કોઠારીયા રોડ દેવપરા અંકુર સોસાયટી) પાસેથી મેળવ્યાનું કબુલતાં હર્ષદની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. દેવાભાઇ ધરજીયા અને નિતેષભાઇ બારૈયાને બાતમી મળતાં રસુલપરામાં દરોડો પાડી યાસીન અને જાહિદને પકડી લેવાયા હતાં. તેણે હર્ષદ ઉર્ફ મહાજનનું સપ્લાયરમાં નામ આપ્યું છે. હજુ વીસ દિવસ પહેલા હર્ષદને રાજકોટ પોલીસ કમિશનરશ્રીએ પાસા તળે ધકેલવા આદેશ કરતાં ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચે વોરન્ટ બજવણી કરી હતી. પાસામાંથી છુટીને હર્ષદ મહાજને ફરીથી દારૂની ખેપ મારી લીધાનું પકડાયેલા બે શખ્સોની પુછતાછમાં બહાર આવ્યું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા,  હેડકોન્સ. અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશ મારૂ, દેવાભાઇ, નિતેષભાઇ અને મેસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી. પકડાયેલા યાસીન વિરૂધ્ધ અગાઉ રાયોટીંગ, હદપાર ભંગ સહિતના છ ગુના નોંધાયા છે. તે તડીપાર પણ કરાયો હતો. જ્યારે જાહિદ વિરૂધ્ધ અગાઉ દારૂના હદપાર અને જાહેરનામા ભંગના પાંચ કેસ નોંધાયા હતાં.

(4:08 pm IST)