Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નાના પપ્પાને હું એટલો પ્રેમ કરુ છું કે એના માટે મરી શકું...કહી ૧૧ વર્ષની બાળા લટકી ગઇ

રણછોડનગરના એપાર્ટમેન્ટ ચોકીદારી કરતાં નેપાળી પરિવારની દિકરીએ બહેનો સાથેની રમતમાં ફાંસો ખાવાનું નાટક કર્યુ ને સાચ્ચે ફાંસો લાગી જતાં મોત થયું

રાજકોટ તા. ૪: શહેરના સામા કાંઠે રણછોડનગરમાં આવેલા ગોલ્ડ કોઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં ચોકીદારની રૂમમાં રહેતાં નેપાળી પરિવારની ૧૧ વર્ષની દિકરી સમિક્ષા નરેશસિંઘ લોહોરએ પોતાની બે બહેનો સાથે ઘરમાં કોણ કોને વધુ પ્રેમ કરે છે તેની વાત કરતી વખતે રમત રમતમાં ગળામાં ગાળીયો નાંખી લેતાં પગ નીચે રાખેલુ વાસણ ખસી જતાં ફાંસો લાગી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી અને બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા તથા પીએસઆઇ ત્રાજીયા તથા મહેશભાઇ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. અગિયાર જ વર્ષની બાળાનું ગળાફાંસાથી મોત થયું હોઇ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. મૃત્યુ પામનાર બાળાની બીજી બે બહેનોની પુછતાછ થતાં બહાર આવ્યું હતું કે ત્રણેય બહેનો ઘરમાં એવી વાતો કરતી હતી કે કોને કોણ સોૈથી વધુ પ્રેમ કરે છે. આ વખતે તેણીના માતા-પિતા-કાકા સહિતના બહાર હતાં. ત્રણ બહેનોમાંથી એક સમિક્ષાએ હું નાના પપ્પાને બહુ પ્રેમ કરુ છું, એના માટે મરી જવા પણ તૈયાર છું તેમ કહી ચુંદડી લઇ રૂમમાં એક વાસણ પર ચડી સળીયામાં ચુંદડી બાંધી હતી. એ પછી વાસણ પર ચડી હતી અને બીજી બે બહેનોને જો આ રીતે મરી જવાય તેમ કહી ગળામાં ગાળીયો નાંખતા જ નીચેનું વાસણ ખસી જતાં ફાંસો લાગી ગયો હતો.

એ સાથે જ બહેનો બહાર દોડી ગઇ હતી અને વાલીને બોલાવી લાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં સમિક્ષાનો જીવ નીકળી ગયો હતો. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં પણ ફાંસો લાગી જવાથી મોત થયાનો રિપોર્ટ આવ્યો હતો. બનાવ આકસ્મિક જ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું હતું. 

(3:37 pm IST)