Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

અરજદાર ભલે ના પાડે, મારે એફઆઇઆર દાખલ કરાવવી જ છે...મહિલા વકિલની મહિલા પીએસઆઇ સાથે બઘડાટી

આજીડેમ પોલીસમાં એક મહિલાએ પોતાની અરજીમાં કાર્યવાહી નથી કરવી એવી રજૂઆત કરી, પણ તેણીના વકિલે જીદ પકડી : એડવોકેટ ભુમિકાબેન પટેલ અને અરજદાર અનિતાબેન દાસોટીયા સામે ફરજમાં રૂકાવટનો ગુનોઃ એડવોકેટ ભુમિકાબેન પોતાને મારકુટ થયાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા

રાજકોટ તા. ૪: આજીડેમ પોલીસ મથકમાં મહિલા અરજદારે પોતે કરેલી અરજીમાં કોઇ કાર્યવાહી કરે એફઆઇઆર દાખલ કરવી નથી તેવું જણાવી તપાસનીશ મહિલા પીએસઆઇ એમ. ડી. વાળા સમક્ષ નિવેદન લખાવતાં થોડીવાર પછી એ અરજદારને સાથે લઇને આવેલા મહિલા એડવોકેટ ભુમિકાબેને 'અરજદાર ભલે ના પાડે એફઆઇઆર તો લેવી જ પડશે, જ્યાં સુધી એફઆઇઆર દાખલ નહિ થાય ત્યાં સુધી હું બહાર નહિ નીકળું' કહી તેણે અને સાથેના અરજદારે પીએસઆઇ વાળા સાથે ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી, ઝપાઝપી કરતાં અને તુંકારા દઇ ધમાલ મચાવતાં બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ મહિલા એડવોકેટ પોતાને મારકુટ થયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયા છે.

આ બનાવમાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ. ડી. વાળાએ ફરિયાદી બની દોશી હોસ્પિટલ પાસે જે. ડી. પાઠક પ્લોટ ગુરૂપ્રસાદ ચોક પાસે રહેતાં એડવોકેટ ભુમિકાબેન પરેશભાઇ પટેલ અને તેની સાથેના કોઠારીયા ગામના અનિતાબેન બટુકભાઇ દાસોટીયા સામે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળાગાળી અને ઝપાઝપી કરવાનો ગુનો નોંધ્યો છે.

પીએસઆઇ એમ. ડી. વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે ૩/૧૦ના બપોરે ૨:૧૦ કલાકે હું આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારી ફરજ પરહતી. આ વખતે અરજદાર અનિતાબેન બટુકભાઇ દાસોટીયાએ પોતે કરેલી અરજી મામલે મને મળવા આવેલ. તેણીએ પોતે કરેલી અરજીની આગળ કોઇ પોલીસ કાર્યવાહી કરવી ન હોઇ મને અરજી ફાઇલ કરવા કહ્યું હતું. જેથી મેં તેણીએ લખાવ્યા મુજબનું નિવેદન લખી લીધું હતું. એ પછી ૨:૩૦ કલાકે ફરી અરજદાર અનિતાબેન તેમની સાથે વકિલ ભુમિકાબેન પટેલને લઇને આવ્યા હતાં. તે પીઆઇ વી. જે. ચાવડાની ઓફિસમાં તેમને અરજી બાબતે મળવા ગયા હતાં. જેથી પીઆઇએ મને બોલાવતાં હું આશરે ૪:૪૦ વાગ્યે ઓફિસમાં ગયેલ.

તે વખતે વકિલ ભુમિકાબેને એફઆઇઆર બાબતે પીઆઇને રજૂઆત કરી હતી. જેથી મેં કહેલું કે થોડીવાર પહેલા જ અરજદાર અનિતાબેન મારી પાસે આવી આ અરજીમાં કોઇ કાર્યવાહી કરવી નથી તેવું કહી અરજી ફાઇલ કરવા નિવેદન લખાવી ગયા છે તેવું કહેતાં વકિલ ભુમિકાબેને કહેલું કે અરજદાર અનિતાબેનને ભલે અરજી બાબતે ફરિયાદ ન કરવી હોય પણ મારે આ અરજીમાં એફઆઇઆર જ કરવી છે. તેમ કહ્યું હતુ.

જેથી મેં અરજદારને અરજી બાબતે કંઇ કરવું છે કે કેમ? તેમ ફરીથી પુછતાંતેણે કહેલ કે મારે કોઇ એફઆઇઆર કે કાર્યવાહી કરવી નથી. મારા વકિલ ભુમિકાબેન મને અહિ લાવ્યા છે. એ પછી વકિલ ભુમિકાબેને કહેલું કે હું અરજદારની વકિલ છું, એફઆઇઆર તો તમારે લેવી જ પડશે, કાયદો હું પણ જાણુ છું. તમે એફઆઇઆર લેવાની ના પાડી શકો નહિ. જેથી પીઆઇ વી. જે. ચાવડાએ કહેલું કે અરજદાર અનિતાબેન પોતે ફરિયાદ કરવાની કે કાર્યવાહી કરવાની ના પાડે છે અને તમારી હાજરીમાં તેઓ આ વાત કરે છે તેમ કહી સમજાવતાં ભુમિકાબેને એફઆઇઆર દાખલ કરવાની જીદ કરી હતી. જેથી તેને મેં ખુબ સમજાવ્યા હતા. પરંતુ એ પછી ભુમિકાબેન ખુબ ઉશ્કેરાઇ ગયેલ અને ખુરશી પરથી ઉભા થઇ પીઆઇ સામે આંગળી ચીંધી તુકારેથી વાત કરી ઉગ્ર અવાજે વાત કરવા માંડતાં દેકારો થયો હતો.

એ પછી મહિલા કોન્સ. નાઝનીનબેન, પીએસઓ જનકસિંહ વાઘેલા આવી ગયા હતાં અને ભુમિકાબેનને સમજાવ્યા હતાં. એ પછી તેણે મારી સામે પણ 'તું કોણ મને એફઆઇઆરની ના પાડવા વાડી' તેમ કહેતાં મેં તેને ઓફિસની બહાર જવા કહેતાં તેણે 'એફઆઇઆર નહિ થાય ત્યાં સુધી હું કયાંય જવાની નથી' તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી અને અરજદાર અનિતાબેને પણ તેમના વકિલનું ઉપરાણુ લઇ જેમતેમ બોલી ગાળો દીધી હતી. ભુમિકાબેને હાથ ઉગામતાં તેને પકડીને પીઆઇની ચેમ્બરમાંથી બહાર લાવી ફરજમાં રૂકાવટની કાર્યવાહી કરી હતી.

આ બનાવ બાદ વકિલ ભુમિકાબેન પટેલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેણે પોતાને આજીડેમ પોલીસમાં માર મારવામાં આવ્યાનો આક્ષેપ કરતાં તે મુજબની એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવી હતી. ભુમિકાબેને જણાવ્યું હતું કે મારા અરજદાર પાસે કોરા કાગળમાં સહી લેવામાં આવી હોઇ તે બાબતે રજૂઆત કરવા જતાં મારકુટ કરવામાં આવી હતી. સાંજ પડી જવા છતાં મને બેસાડી રખાઇ હોઇ તે બાબતે રજૂઆત થતાં મારકુટ થઇ હતી.

(11:15 am IST)