Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સરદારનગરના રેતીના ધંધાર્થી દર્શન કણસાગરાને પૂર્વ કર્મચારી મુકેશ રાઠોડની પૈસા માટે ધમકીઃ ગામ છોડ્યું

અગાઉ મુકેશ રાઠોડ નોકરી કરતો ત્યારે કટકે-કટકે રૂ. ૧૪.૯૩ લાખ કમિશન સહિતના પેટે આપ્યા હતાં: હવે તે વધુ ૪૫ લાખ માંગી ધમકાવતો હોવાની લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૪: સરદારનગર રોડ પર વૃજ કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોરમાં રહેતાં અને રેતી કપચી સપ્લાયર તરીકે કામ કરતાં દર્શન ડાયાભાઇ કણસાગરા (ઉ.૪૪) નામના પટેલ યુવાનને તેના જ પૂર્વ કર્મચારી મુકેશ રાઠોડ તથા તેના સગા અનિલ રાઠોડ તરફથી પૈસા માટે ધમકી મળતી હોઇ આ અંગે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે તેમજ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં લેખિત અરજી આપી છે. તેમજ પોતે સતત ધમકીને લીધે ગામ છોડવા મજબૂર થયાનું કહ્યું છે.

દર્શન કણસાગરાએ અરજીમાં જણાવ્યું છે કે અગાઉ મુકેશ રાઠોડ કે જે હરિ ધવા રોડ પર કિરણ સોસાયટીમાં રહે છે તે મારી સાથે રેતી-કપચીના ધંધામાં કામ કરતો હતો. તેને મેં અગાઉ રેતી કપચીના વેંચાણના કમિશન પેટે તથા પગાર પેટે કટકે કટકે રૂ. ૧૪,૯૩,૩૦૦ આપ્યા છે. તેના ઓળખીતા ગોૈરવ અગ્રાવત સાથે હું વેપાર કરતો હોઇ તે વખતના રૂ. ૪,૬૭,૪૫૫ પણ હજુ મુકેશ રાઠોડ હસ્તક લેવાના બાકી છે. તેમજ વિરલ પેલ સાથે વેપાર કર્યો હોઇ તેની પાસેથી રૂ. ૪,૦૧,૦૦૦ પણ મુકેશ રાઠોડ હસ્તક લેવાના બાકી છે. મુકેશના ભાઇ અનિલ રાઠોડે અમારી ગામડાની જમીન વાવવા રાખી હતી. તેના પણ રૂ. ૬૦ હજાર મારે તેની પાસેથી લેવાના છે.

મેં અત્યાર સુધીમાં મુકેશ રાઠોડને રૂ. ૨૮,૭૪,૪૪૦ આપ્યા છે. આ બાબતે ૨૩/૯ના મિટીંગ મળી હતી. જેમાં હિસાબ કર્યા પછી છેલ્લે રૂ. ૨૭,૫૦,૦૦૦ તેને મળ્યા છે તેવું નક્કી થયું હતું. વર્ષ ૨૦૧૫ના પગારના અને કમિશનના મળી ૨૦૧૯ના વર્ષ સુધીના હિસાબના આપવાના થતાં ૧૬,૬૮,૯૭૨ મારે આપવાના થતાં હતાં. તેમાં હિસાબને અંતે ૪૦,૪૫,૧૩૬ થાય છે. આમ છતાં તે હવે ૪૫ લાખ આપવા પડશે તેવી ધમકી આપે છે. તા. ૨/૧૦ના સાંજે મારી ઓફિસે મુકેશ રાઠોડે એક અજાણ્યા શખ્સ સાથે આવી ૪૫ લાખની માંગણી કરી જો રકમ નહિ આપે તો જ્યાં હોઇશ ત્યાંથી શોધીને મારી નાંખીશ તેવી ધમકી આપતાં મેં ગભરાઇને ગામ છોડી દીધું છે. મને પોલીસ રક્ષણ મળે એ માટે હું છેક ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યો છું. તેમ વધુમાં તેણે જણાવ્યું હતું.

(4:07 pm IST)