Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઓનલાઇન ચિટીંગ...મજૂર પટેલ યુવાનના બેંક ખાતામાંથી ધડાધડ ૧૬૯૯૬ ઉપડી ગયા

લલીત પીપળીયા કહે છે-કોઇને કાર્ડ નંબર કે ઓટીપી નંબર આપ્યા નથી છતાં છેતરપીંડી! : ગઇકાલે સવારે પહેલા ૫૦૦૦, પછી ૪૯૯૭, પછી ૫૦૦૦ અને છેલ્લે ૧૯૯૯ ટ્રાન્સફર થઇ ગયાઃ નાગરિક બેંકની ભકિતનગર શાખામાં તપાસ કરતાં છેતરપીંડીની ખબર પડીઃ બેંકમાં તપાસ કરવા ઉભા'તા ત્યારે જ ચીટરે ફોન કરી કહ્યું-તમારું એટીએમ બંધ થઇ ગયું છે!: સાયબર સેલમાં જાણ કરી

રાજકોટ તા. ૪: અવાર-નવાર કોઇને કોઇ વ્યકિતને હિન્દી ભાષીઓ દ્વારા બેંકના અધિકારીના નામે ફોન કરી એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે...તેવું કહી કાર્ડ ચાલુ રાખવા માટે પ્રોસીઝર કરવી પડશે તેવી વાતોમાં ભોળવી કાર્ડ પરના નંબરો, પીન નંબરો મેળવી લઇ તેના ખાતામાંથી બારોબાર નાણા ઉપાડી લઇ ઠગાઇ કરવામાં આવતી હોય છે. દરમિયાન શહેરના હરિ ધવા રોડ પર પુરૂષાર્થ સોસાયટીમાં રહેતાં અને ઇલેકટ્રીક કામની મજૂરી કરતાં લલીત શિવજીભાઇ પીપળીયા (ઉ.૩૦)ના નાગરિક બેંકના ભકિતનગર સર્કલના ખાતામાંથી બારોબાર રૂ. ૧૬,૯૯૬ ચાર કટકે ઉપડી જતાં અને મુંબઇના કોઇ ખાતામાં ટ્રાન્સફર થઇ જતાં આ યુવાને સાયબર સેલમાં અને બેંકમાં જાણ કરી તપાસની માંગણી કરી છે.

લલીત પીપળીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ગઇકાલે સવારે ૯:૩૬ કલાકે મને ફોનમાં મેસેજ મળ્યો હતો કે મારા ખાતામાંથી રૂ. ૫૦૦૦ ઉપડી ગયા છે. એ પછી બીજા ત્રણ મેસેજ આવ્યા હતાં. જેમાં અનુક્રમે રૂ. ૪૯૯૭, રૂ. ૫૦૦૦ અને રૂ. ૧૯૯૯ ઉપડી ગયાની ખબર પડી હતી. મેં કોઇ સાથે મારા એટીએમ કાર્ડના નંબર બાબતે વાત પણ કરી નહોતી કે કોઇને ઓટીપી પણ આપ્યો નહોતો. આમ છતાં મારા ખાતામાંથી રૂપિયા ઉપડી જતાં હું તુરત જ મારું ખાતુ નાગરિક બેંક ભકિતનગર શાખામાં હોઇ ત્યાં તપાસ કરવા પહોંચ્યો હતો.

આ વખતે જ એક હિન્દીભાષીએ ફોન કરીને મારું એટીએમ બ્લોક થઇ ગયાની વાત કરી હતી. મેં તેને કયાંથી બોલો છો? તેમ પુછતાં તેણે નાગરિક બેંકમાંથી બોલતા હોવાનું કહેતાં મેં બેંકમાં હાજર મેનેજરશ્રીને ફોન આપ્યો હતો. ત્યારે એક શખ્સે ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો. બેંક દ્વારા તપાસ થતાં છેતરપીંડી થયાની ખબર પડતાં આ અંગે સાયબર સેલમાં લેખિત રજૂઆત કરી છે.  લલીત પટેલના ખાતામાંથી ઉપડી ગયેલા પૈસા મુંબઇના કોઇના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોઇ તે અંગે તપાસ થઇ રહી છે. કોઇને કાર્ડ નંબર આપ્યા ન હોવા છતાં પૈસા કઇ રીતે ઉપડી ગયા? તે અંગે તપાસ થઇ રહી છે.

(3:41 pm IST)