Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઉઘાડા પગે ચાલવાથી મગજ સતેજ બને છે

જ્ઞાનતંતુઓ જમીનમાંથી પેદા થતા સ્પંદનોને તળીયા વાટે મગજ સુધી પહોંચાડે છે

ભારત પારિવ્રાજકોનો દેશ છે. કરોડો વર્ષોથી ભારતના સંન્યાસીઓ ખુલ્લા પગે દેશમાં પરિભ્રમણ કરતા રહ્યા છે. પ્રાચીન કાળમાં યાત્રિકો ગંગોત્રીથી કાવડમાં ગંગાજળ લઇને દક્ષિણમાં આવેલાં રામેશ્વર મંદિરનાં શિવલિંગને ચડાવતા આવ્યા છે. વળતી યાત્રામાં તેઓ રામેશ્વરમના સમુદ્રનું જળ કાવડમાં લઇને જતાં અને કાશી વિશ્વેશ્વરને તેનો અભિષેક કરતા હતા. વૈદિક તેમ જ જૈન ધર્મના હજારો સાધુસંતો આજે પણ ઉઘાડા પગે હજારો માઇલનો પગપાળા પ્રવાસ કરતા જોવા મળે છે. આ સાધુસંતો ધાર્મિક શાસ્ત્રોના હજારો શ્લોકો કંઠસ્થ કરી શકતા હોય તે જાણી આપણને તેમની બુદ્ઘિમત્તા માટે માન ઉપજે છે. હવે અમેરિકાના વિજ્ઞાનીએ શોધી કાઢ્યું છે કે ઉઘાડા પગે ચાલવાથી મગજ ધારદાર બને છે.

અમેરિકાનાં જાણીતાં કિરોપ્રેકટર ડો. કેસી ફ્લેગલ કહે છે કે પગનાં તળિયામાં અત્યંત સંવેદનશીલ જ્ઞાનતંતુઓ હોય છે. જો મનુષ્ય ઉઘાડા પગે ચાલતો હોય તો આ જ્ઞાનતંતુઓ જમીનમાંથી પેદા થતાં સ્પંદનો મગજ સુધી પહોંચાડે છે, જેને કારણે મગજને પર્યાવરણ બાબતમાં ઉપયોગી સંકેતો મળે છે. પગમાં ચપ્પલ કે બૂટ પહેરવાથી પગનાં તળિયાનાં જ્ઞાનતંતુઓ સાથેનો મગજનો સંબંધ કપાઇ જાય છે, જેને કારણે મગજની શકિત કુંઠિત થઇ જાય છે. જે બાળકો ઉઘાડા પગે ચાલે છે તેમના મગજનો ઝડપી વિકાસ થાય છે. આ વાત પુખ્ત ઉંમરનાં સ્ત્રીપુરૂષો માટે પણ એટલી જ સાચી છે.

દરેક મનુષ્ય પોતાની આજુબાજુ ચાલી રહેલી ગતિવિધિઓનું જ્ઞાન મેળવવા આંખ, કાન, નાક, જીભ અને સ્પશર્િેન્દ્રયનો ઉપયોગ કરે છે. ડો. કેસી ફ્લેગલ કહે છે કે આ પાંચ ઇન્દ્રિયો ઉપરાંત દરેક મનુષ્ય પાસે પ્રોપ્રિયોસેપ્ટિવ સિસ્ટમ અને વેસ્ટિબ્યુલર સિસ્ટમ નામની ઇન્દ્રિયો પણ હોય છે. પહેલી સિસ્ટમ મગજને અવકાશમાં આપણા શરીરની સ્થિતિ તેમ જ ગતિ બાબતમાં માહિતી આપે છે તો બીજી સિસ્ટમ શરીરનું સમતોલન રાખવામાં અને મગજ તેમ જ સ્નાયુઓ વચ્ચે સંકલન રાખવામાં મદદ કરે છે. આ બંને સિસ્ટમ પગનાં તળિયામાં આવેલાં જ્ઞાનતંતુઓ દ્વારા મગજને મળતા સંકેતોના આધારે કામ કરે છે. આ સંકેતોને પારખીને મગજ શરીરની સમતુલા જાળવવાના આદેશો સ્નાયુતંત્રને છોડે છે. આ કારણે પહાડના લીસા ઢાળ પર ચડવા માટે આપણે ખુલ્લા પગે ચાલવાનું પસંદ કરીએ છીએ.

ઘણાં માબાપો બાળકો ચાલવાનું શીખે તે પહેલાં જ તેમના પગમાં ચપ્પલ, બૂટ અથવા સેન્ડલ પહેરાવી દે છે. તેને કારણે તેમના પગનાં તળિયાનો મગજ સાથેનો સંપર્ક તૂટી જાય છે અને તેઓ સમતુલા રાખવામાં મુશ્કેલી અનુભવે છે. પગનાં તળિયામાં જે જ્ઞાનતંતુ છે તે એકયુપ્રેશરના પોઇન્ટ તરીકે પણ કામ કરે છે. આ જ્ઞાનતંતુઓ પર દબાણ આવવાથી મગજ સતેજ બને છે. ભારતની ભૂમિ પર કરોડો વર્ષોથી સંન્યાસીઓનાં પગલાં પડતાં હોવાથી તેની રજ પણ પવિત્ર બની ગઇ છે. ખુલ્લા પગે ચાલવાથી આ પવિત્ર રજના પરમાણુઓનો આપણા શરીરને પણ લાભ મળી શકે છે.

આલેખનઃ આદર્શ ભારત નેટવર્ક

(4:06 pm IST)