Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રાયફલ કાર્તુસ મેળવી ગાર્ડની નોકરી મેળવી લેવાના ગુનામાં બે શખ્સોની જામીન અરજી રદ

બનાવટી સહિ-સિક્કા લાયસન્સના આધારે

રાજકોટ તા. ૪: જમ્મુ-કાશ્મીરના રાજૌરી જીલ્લાના કલેકટરના ખોટા સહિત સિકકા ઉભા કરી બનાવટી હથિયાર લાયસન્સ મેળવી તેના આધારે રાજકોટની પી. સી. જવેલર્સમાં સીકયોરીટી ગાર્ડની નોકરી મેળવીને આર્થિક લાભ મેળવવાના ગુનામાં પકડાયેલા જમ્મુ કાશ્મીર પંથકના વતની એવા સુરજીતસિંગ બલદેવસિંગ અને કાશ્મીરીસીંગ મસ્તરામસીંગે ''ચાર્જશીટ'' બાદ જામીન પર છુટવા કરેલ અરજીને અધિક સેસન્સ જજ શ્રી ટી. એસ. બ્રહ્મભટ્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ડી.સી.બી. પોલીસે આરોપીઓને પકડી પાડીને ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓએ બોગસ લાયસન્સ મેળવીને તેના આધારે રાયફલ કાર્તુસની ખરીદી પણ કરી લીધેલ અને રાજકોટમાં પી.સી. જવેલર્સમાં નોકરી મેળવી લીધી હતી.

આ ગુનામાં આરોપીઓએ જામીન પર છુટવા અરજી કરતાં સરકારી વકીલ શ્રી સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામે ગંભીર ગુનો છે. પોલીસ તપાસ પુરી થઇ ગયેલ છે. ચાર્જશીટ પણ રજુ થયેલ છે. જેની હકીકત જોતા કોઇ નવા સંજોગો બદલાયા ન હોય આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને અધિક સેસન્સ જજ શ્રી બ્રહ્મભટ્ટે બંને આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકારપક્ષે મદદનીસ સરકારી વકીલ સમીરભાઇ ખીરા રોકાયા હતાં.

(3:59 pm IST)