Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

બાકિદારો પર તૂટી પડતુ તંત્ર...

કોમર્શિયલ કોમ્પલેક્ષો અને એપાર્ટમેન્ટમાં રર મિલ્કતો સીલ

સેન્ટ્રલ ઝોનનાં જીમ્મી ટાવરમાં ૪, સ્ટાર ચેમ્બરમાં બે, આકાર કોમ્પલેક્ષમાં ત્રણ ત્થા ક્રેડીટ કોર્નર કોમ્પલેક્ષમાં-૧ મળી કુલ ૧૭ દુકાનો-ઓફીસોને સીલ લગાવ્યાઃ વેસ્ટ ઝોનમાં ચોકલેટ એપાર્ટમેન્ટ, ખોડીયાર એસ્ટેટ, સહિતના કોમ્પલેક્ષોમાં ૧પ દુકાનો-ઓફીસો સીલ કરાઇ

રાજકોટ, તા. ૪ :. મ્યુ. કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા આજથી શહેરમાં રૂ. ૫ લાખ સુધીનો વેરો બાકી રાખનારા બાકીદારો ઉપર ધોંસ બોલાવી અને બપોર સુધીમા કુલ ૨૨ જેટલી મિલ્કતોને સીલ લગાવી દીધા હતા. જેમાં શહેરના સુપ્રસિદ્ધ કોમર્શીયલ કોમ્પ્લેક્ષો અને એપાર્ટમેન્ટોમા આવેલી દુકાનો અને ઓફિસોનો સમાવેશ થતો હતો.

સેન્ટ્રલ ઝોન

વેરો બાકી રાખનારની મિલ્કત સીલ કરવાની ઝુંબેશ અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં હરીહર ચોકમાં આવેલ સ્ટાર ચેમ્બરમાં શોપ નં. ૧૦૫ અને ૧૦૬નો કુલ ૩.૨૦ લાખનો વેરો વસુલવા સીલ લગાવાયેલ તથા જાગનાથમાં શિવરંજની કોમ્પ્લેક્ષમાં આશિર્વાદ પેપર માર્ટની મિલ્કતનો ૪.૨૨ લાખનો વેરો વસુલવા સીલ લગાવેલ હતું તથા જાગનાથ પ્લોટમાં ક્રેડીટ કોર્નર કોમ્પલેક્ષમાં જગદીશભાઈ પાલાની મિલ્કતનો ૩.૭૦ લાખનો વેરો વસુલવા સીલ લગાવાયેલ હતું. જ્યારે રજપુતપરામાં આકાર કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે શોપ નં. ૩, ૪ અને ૫નો કુલ ૩.૨૦ લાખનો વેરો વસુલવા સીલ લગાવાયેલ હતું તથા ગોંડલ રોડ જીમ્મી ટાવરમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ બે દુકાનો તથા પહેલા માળે આવેલ બે દુકાનોનો કુલ ૭.૪૦ લાખનો બાકી વેરો વસુલવા સીલ લગાવવામાં આવેલ. તેમજ ગીતા મંદિર રોડ પર મનસાતિર્થ એપાર્ટમેન્ટમાં પ્રેમજીભાઈ ગોવાભાઈના નામે નોંધાયેલ ૬ મિલ્કતોને સીલ કરાઈ હતી.

આમ આજે સેન્ટ્રલ ઝોનમાં આસિ. મેનેજર રાજીવ ગામેતી તથા ભરત કાથરોટીયા અને વોર્ડ ઓફિસર આરતીબેન નિમ્બાર્ક, હેમાદ્રીબા ઝાલા, ટેકસ ઈન્સ્પેકટર કેતન રાણા, કમલેશભાઈ ઠાકર, મુકેશ ખંધેડીયા, નાનજીભાઈ રાખૈયા સહિતનાઓની ટીમે આસિ. કમિશ્નર શ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ ૧૭ મિલ્કતો સીલ કરાઈ હતી.

વેસ્ટ ઝોન

આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં સાધુ વાસવાણી ચોકલેટ એપાર્ટમેન્ટમાં બે મિલ્કત તથા યુનિ. રોડ પર ખોડીયાર એસ્ટેટમાં બે મિલ્કત, પેરેમાઉન્ટ પાર્કમાં બે દુકાન, આકાર કોમ્પ્લેક્ષમાં નિર્મળાબેન પટેલની મિલ્કત તેમજ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ૧ મિલ્કત, કોટેચા ચોકમાં આરાધના બિલ્ડીંગમાં જીલેશ અનડકટની ૧ મિલ્કત, કાલાવડ રોડ પર સાંઈબાબા કોમ્પલેક્ષમાં સાંઈ દર્શન ડેવલપમેન્ટની ૧ મિલ્કત, મવડીમાં જી.એન. સાકરીયાની મિલ્કત તથા છગનભાઈ કુનડીયા ઓમનગરની એક મિલ્કત, શ્રીનાથજી સોસાયટી મવડીમાં ભવાનભાઈ બી. ભુતની એક મિલ્કત અને ઉદયનગરમાં શાંતિલાલ અગ્રાવતની એક મિલ્કત ઉપરોકત તમામ મિલ્કતો મળી કુલ ૧૫ મિલ્કતોને વેસ્ટ ઝોનમાં સીલ કરાઈ હતી.

ઉપરોકત સીલીંગ ઝુંબેશ આસિ. કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર તથા આસિ. મેનેજરની સુચના મુજબ ટેકસ ઈન્સ્પેકટર વશરામભાઈ કણઝારીયા, હિતેશભાઈ મહેતા, વાલજીભાઈ પરમાર, રાજેશભાઈ નૈયા અને જયંતીભાઈ પાતળીયા વગેરે વેસ્ટ ઝોન ટેકસ વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ છે.

(3:30 pm IST)