Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોલમાં મળ્યા, મિત્રતા થઇ...છેલ્લે ત્રણ દિકરીની માતાને ફસાવી સાગરે મૈત્રીકરાર કરી લીધાઃ પતિ પાસે પાછી જતાં ખૂનની ધમકી

પતિ-દિકરીઓને છોડી પરિણીતા મોરબી રોડ અક્ષરધામમાં રહેતાં સાગર ગોસ્વામી પાસે જતી રહી...આઠ મહિના તેની સાથે રહીઃ પોતાનાથી ખોટુ થયાનો અહેસાસ થતાં પતિના ઘરે પાછી આવતાં સાગર રઘવાયો થયો અને તેણીના પતિને ગાળો ભાંડી ખૂનની ધમકી દેતાં વાત પોલીસ સુધી પહોંચી : સહકાર રોડ વિસ્તારની ઘટનાઃ પારકી પરણેતરને ફસાવનાર સાગર પોતે પણ પરણેલો છે!

રાજકોટ તા. ૪: મોરબી રોડ વિસ્તારમાં રહેતાં પરિણીત બાવાજી શખ્સે બે વર્ષ પહેલા શ્રધ્ધા પાર્કના એક મોલમાં ખરીદી કરવા આવેલી ત્રણ દિકરીનની માતા સાથે પરિચય કેળવી વાતચીત કરી બાદમાં મિત્રતાની જાળમાં ફસાવી તેણી સાથે મૈત્રી કરાર કરી આઠ મહિના સુધી પોતાની સાથે રાખતાં અને હવે આ મહિલાને પોતાની ભુલ સમજાતા તેણી ફરીથી દિકરીઓ અને પતિ સાથે આવી જતાં બાવાજી શખ્સે આ મહિલાના પતિને ફોન કરી ગાળો દઇ ખૂનની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ બારામાં ભકિતનગર પોલીસે સહકાર રોડ પર રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં ૩૭ વર્ષના યુવાનની ફરિયાદ પરથી મોરબી રોડ પર ઠાકર ચોક પાસે અક્ષરધામ સોસાયટી-૦૩માં રહેતાં સાગર નારણભાઇ ગોસ્વામી વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં ફરિયાદી યુવાને જણાવ્યું છે કે મારા લગ્ન અગિયાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં ત્રણ પુત્રી છે. બે વર્ષ પહેલા મારા પત્નિ શ્રધ્ધા પાર્ક પાસે આવેલ ડી માર્ટ મોલમાં ઘરવખરી લેવા ગયેલ ત્યારે તેણીને સાગર ગોસ્વામી સાથે ઓળખાણ થઇ હતી. એ પછી એક બીજાના મોબાઇલ નંબર આપતાં વાતચીત બાદ મિત્રતા થઇ હતી. ત્યારબાદ તેણે મારા ઘરે પણ આવ-જા શરૂ કરી હતી. તેની પત્નિ પૂજા પણ અમારા ઘરે આવવા માંડતા તે મારી પત્નિની ફ્રેન્ડ બની ગઇ હતી.

ત્યારપછી સાગર ઘણીવાર મારી ગેરહાજરીમાં પણ મારા ઘરે આવવા માંડ્યો હતો.  તા.૧/૯/૨૦૧૯ના રોજ મારા પત્નિનો જન્મદિવસ હોઇ હું સાંજે કામેથી ઘરે આવ્યો હતો. ત્યારે મોટી દિકરીએ કહ્યું હતું કે સાગરકાકા કેક લાવ્યા હતાં. એ પછી મેં મારી પત્નિનો ફોન ચેક કરતાં તે અને સાગર એક બીજાના ખભે હાથ રાખી ઉભા હોય તેવો ફોટો જોવા મળતાં મેં મારી પત્નિને આ બાબતે પુછતાં તેણે ફોન ખેંચી લીધો હતો અને ફોટા ડિલીટ કરી નાંખ્યા હતાં. ત્યારે મેં મારી પત્નિને બે-ત્રણ થપ્પડ પણ મારી દીધી હતી. તેમજ સાગરને રૂબરૂ બોલાવી આજ પછી મારા ઘરે ન આવતો અને આપણી મિત્રતા આજથી પુરી, તેવું કહી દીધુ હતું. 

એ પછી પણ તે હું ઘરે ન હોઉ ત્યારે તે મારી પત્નિને મળવા આવતો હતો. ગત ૧૮/૧/૨૦ના રોજ મને મારા પડોશીએ કહ્યું હતું કે તારી પત્નિ ઘરવખરી લઇને જતી રહી છે. મેં ઘરમાં જોતાં સામાન ન હોઇ મારી પત્નિને ફોન કરતાં તેણે હું મારી મરજીથી મારો સામાન લઇને ગઇ છું, ત્રણેય દિકરીઓને મમ્મીના ઘરે મુકી આવી છું. એ પછી મને ખબર પડી હતી કે મારી પત્નિ સાગર ગોસ્વામી સાથે છે. હું એ પછી વારંવાર સાગર અને મારી પત્નિનું વ્હોટ્સએપ સ્ટેટસ જોતો હતો. મારી દિકરીઓ પણ તેની માતાને યાદ કરી વ્હોટ્સએપમાં વિડીયોકોલથી વાત કરી પરત આવી જવા વિનંતી કરતી હતી.

ત્યારબાદ ગત ૨/૯/૨૦ના રોજ મારી પત્નિએ મને ફોન કરી દિકરીનું મોઢુ જોવું છે, હું આ દુનિયામાં કોઇને મોઢુ દેખાડવાને લાયક નથી...તેવી વાત કરી હતી. એ પછી  બપોરે એકાદ વાગ્યે પત્નિ અમારા ઘરે પરત આવી હતી. સાગર સાથે આઠેક મહિના રહીને તે આવી હતી. મકાનની ફાઇલ અને બીજા કાગળો અને એક લાખ રૂપિયા પણ પાછા લાવી હતી. જેમાં નિતાએ સાગર ગોસ્વામી સાથે લિવ ઇન રિલેશનશીપનો આજીવન કરાર સ્ટેમ્પ પેપર પર કર્યો હતો તે પણ જોયો હતો. આ કરાર ૧૩/૧૧/૧૯નો હોઇ તેનું સાગર સાથે જવાનું નક્કી જ હોય તેમ લાગ્યું હતું. સાગર પોતે અગાઉથી પરણેલો છે અને તેને એક સંતાન પણ છે.

હવે ગઇકાલે તા.૩/૯ના રોજ મારા મોબાઇલમાં સાગરે મને ફોન કરી બોલાચાલી કરી 'તારી ઘરવાળી નીતા તારી પાસે આવી છે?' તેમ કહી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપવા માંડ્યો હતો. મેં મારી પત્નિ નીતાને આ વાત કરતાં તેણે ફરિયાદ કરવાનું કહ્યું હતું. પત્નિને સાગર સાથે સંબંધ હતાં તે બાબતે સાગરે ગાળો દઇ ખૂનની ધમકી આપી હોઇ ફરિયાદ કરી હતી. એએસઆઇ રવિભાઇ વાંક અને પ્રવિણભાઇ ગઢવીએ ફરિયાદ નોંધી હતી. આગળની તપાસ એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર ચલાવી રહ્યા છે.

(1:08 pm IST)