Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાખડી બાંધવાના ડખ્ખામાં મુકેશે બનેવી રાકેશ અને નાના ભાઇ ભરતને ઘુસ્તાવ્યા

કોઠારીયાના શિતળા માતાજીના મંદિરવાળા ઢાળ પાસે બનાવ

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતાં ભરત હીકુભાઇ મંદુરીયા (ઉ.વ.૨૮) નામના દેવીપૂજક યુવાન અને બનેવી રાજેશ બાજુભાઇ માધાસરીયા (ઉ.૩૦)ને ભરતના મોટા ભાઇ મુકેશ હીકુભાઇ મંદુરીયાએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને ધોકાથી માર મારતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં ભરતને દાખલ કરાયો હતો અને રાજેશને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

ગઇકાલે રક્ષાબંધન હોઇ રાજેશ પોતાની પત્નિ રાધાને લઇ નાના સાળા ભરતને ત્યાં રાખડી બાંધવા ગયો હતો. આ વખતે મોટા સાળા મુકેશે 'મારી બહેન રાધા મને કેમ રાખડી બાંધવા ન આવી, તે જ ના પાડી હશે'...તેમ કહી બનેવી રાજેશ સાથે માથાકુટ કરવા માંડ્યો હતો. આ વખતે નાનો ભાઇ ભરત વચ્ચે પડતાં તેને પણ ધોકાના ઘા કરી લીધા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. સામા પક્ષે મુકેશ હીકુભાઇ મંદુરીયા (ઉ.૩૦) પણ પોતાને રાજેશ, પપ્પુ સહિતે કુહાડીથી હુમલો કર્યાની રાવ સાથે દાખલ થયો હતો. ઝૂપડાની જગ્યા બાબતે માથાકુટ થયાનો તેણે આક્ષેપ કર્યો હતો.

(1:07 pm IST)