Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અપહરણ-હત્યામાં ફરાર ગુલીયાના બે સાગ્રીતને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધાઃ લીમડો પકડાવાયો

હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને ઘનશ્યામસિંહ ચોૈહાણની બાતમી પરથી સદામ હાલા અને જીતુ ડાંગરને પકડી લેવાયા

રાજકોટ તા. ૪: ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં અકબર ફૈઝમહમદભાઇ રાઉમાનું અપહરણ કરી હત્યા નિપજાવવાના ગુનામાં ક્રાઇમ બ્રાંચ નામચીન ગુલમહમદ ઉર્ફ ગુલીયાના બે સાગ્રીતો સદામ મહમદભાઇ હાલા (ઉ.૨૪-રહે. ભગવતીપરા જયપ્રકાશનગર-૧૬) અને જીતુ ઉર્ફ ભુરો હીરાભાઇ ડાંગર (ઉ.૨૮-રહે. ઝમઝમ બેકરી સામે ભગવતીપરા)ની ધરપકડ કરી છે. એસીપી જયદિપસિંહ સરવૈયાએ બંનેને ક્રાઇમ બ્રાંચના પટાંગણમાં આવેલો લીમડો પકડાવી પુછપરછ કરતાં ઓય માડી, ઓય બાપલીયાના અવાજ ગુંજી ઉઠ્યા હતાં.

અકબર નામના યુવાનને પાંચ વર્ષ પહેલા ગુલીયાની કોૈટુંબીક ભત્રીજી સાથે પ્રેમસંબંધ હતો. તે વખતે પણ ગુલીયાએ તેને બેફામ માર માર્યો હતો. એ છપી અકબરને પરિવાર સાથે આ વિસ્તાર છોડી ભાગી જવા ધમકી આપી હતી. પણ અકબર તેના પરિવાર સાથે આ વિસ્તારમાં જ રહેતો હોઇ ખાર રાખી ૨૬મીએ અકબરને શોધવા માટે તેના ભાઇ અનિશ અને મિત્ર અજય ઉર્ફ ટીટાનું અપહરણ કરી માર માર્યો હતો. બાદમાં અકબર મળી જતાં તેની પણ બેફામ ધોલાઇ કરી હોસ્પિટલમાં ફેંકી દીધો હતો. સારવાર દરમિયાન અકબરનું મોત નિપજ્યું હતું.

હત્યા-અપહરણના ગુનામાં પોલીસે ગુલીયા સહિતની ટોળકી સામે ગુનો નોંધ્યો હતો. ફરાર પૈકીનો સદામ હાલા અને જીતુ ઉર્ફ ભુરો ડાંગર આજે માધાપર ચોકડી પાસેથી નીકળવાના હોવાની બાતમી હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને ઘનશ્યામસિંહ ચોૈહાણને મળતાં પીએસઆઇ એ.એસ. સોનારા, બી.ટી. ગોહિલ, એમ.એસ. મહેશ્વરી, નિલેષભાઇ ડામોર, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતે પકડી લીધા હતાં. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ આ કાર્યવાહી થઇ હતી.

સદામ વિરૂધ્ધ અગાઉ ગેરકાયદે હથીયાર રાખવાનો ગુનો બી-ડિવીઝનમાં નોંધાયો હતો. આ બંનેના રિમાન્ડ મેળવવા અને ઓળખ પરેડ કરાવવા તજવીજ થઇ રહી છે. ગુલીયા સહિતના આરોપીઓની શોધખોળ થઇ રહી છે. (૧૪.૯)

(4:12 pm IST)